તમારી ત્વચા અને વાળ માટે ઘી કેવી રીતે ફાયદાકારક છે?

DEMO PIC
ADVERTISEMENT
લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા
આજના યુવાનોનો ઘીપ્રેમ જાણવા માટે સર્વે કરવો પડે, પરંતુ પહેલાંના લોકોના ઘીપ્રેમના કિસ્સા તો ઘણા સાંભળવા મળે. દોડવીર મિલ્ખા સિંહ ઘીના ડબ્બાના ડબ્બા ખાઈ જતા. ક્રિકેટર વીરેન્દર સેહવાગને ઘી અને દૂધ પ્રત્યે પ્રેમ છે એવું એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું, પરંતુ કોઈ ફીમેલ સેલિબ્રિટીએ ઘીપ્રેમ વિશે વાત કરી હોય એવું જાણવામાં નથી આવ્યું. એટલે એવું નથી કે મહિલાઓને ઘી પ્રત્યે પ્રેમ નહીં હોય, પરંતુ તેમનો ઘી પ્રત્યેનો પ્રેમ જાહેર નથી થયો. અહીં આજે ઘી સુંદરતા વધારવામાં કેટલું ફાયદાકારક છે એની વાત કરવી છે. જાણીને નવાઈ લાગશે કે ઘી અંદર જાય તો પણ સુંદરતા વધે અને બહાર લાગે તો પણ સુંદરતા વધે.
સામાન્ય રીતે બ્યુટી-પાર્લરમાં જઈએ એટલે એવી માનસિકતા સાથે જ જઈએ કે ત્યાં માત્ર કૃત્રિમ પ્રોડક્ટ્સનો જ ઉપયોગ થાય છે, પરંતુ બ્યુટી-કૉસ્મેટોલૉજિસ્ટ સપના છેડા ઘીને પોતાની ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં લેવાની વાત કરી રહ્યાં છે. તેઓ કહે છે, ‘ઘીને હેર અને સ્કિન-કૅરના ઉપયોગમાં લઈ શકાય છે. ઘીને ઉત્તમ મૉઇસ્ચરાઇઝર તરીકે ગણાવી શકાય. ઘી હેર, સ્કિન અને નેઇલની સંભાળમાં ઉપયોગી છે. નેઇલ-એક્સટેન્શન પછી એટલે કે નકલી નખ લગાવ્યા બાદ જ્યારે નખ મૂળ સ્વરૂપમાં આવી જાય ત્યારે નખની સ્થિતિ બહુ જ નાજુક થઈ ગઈ હોય છે. તેથી નખને રિપેર કરવા માટે એના પર દરરોજ ઘીથી મસાજ કરવાથી નખ પુન:જીવિત થાય છે. નખને મજબૂત કરવા માટે ઘીથી બેસ્ટ ક્રીમ કોઈ હોઈ જ ન શકે. ડ્રાય અને ડૅમેજ્ડ સ્કિન, અન્ડર આઇ અને સંવેદનશીલ સ્કિન માટે ઘી બહુ જ ફાયદાકારક છે.’
ઘી દ્વારા ત્વચાની સંભાળની વાત કરતાં સપના જણાવે છે, ‘ઘણાની ત્વચા ફેસપૅક લગાવવાથી ડ્રાય થઈ જતી હોય છે. તેથી બ્યુટિશ્યનો હૉટ પૅક લગાવવાનું પ્રિફર કરતાં હોય છે. એટલે કે પૅકને ગરમ કરીને લગાવતા હોય છે. તેથી તેઓ ડ્રાય સ્કિન પર બદામનું તેલ અથવા તો ઘીનું લેયર લગાવીને ફેસપૅક લગાવે છે. ત્વચાને વધુ ડ્રાય થતી અટકાવવા માટે ઘી રક્ષણાત્મક કવચનું કામ કરે છે. અમે વૅક્યુમ મશીનનો ઉપયોગ કરીએ ત્યારે પણ ઘી લગાવીએ છીએ. જેટલા પણ બ્યુટિશ્યનો હશે તેઓ ત્વચાની કૅર માટેના વૅક્યુમ મશીનથી વાકેફ હશે. એનો ઉપયોગ કરતાં પહેલાં સ્કિન પર ઑલિવ ઑઇલ કે બેબી ઑઇલ અથવા ઘીનો ઉપયોગ થાય છે. આ ત્રણ જ પદાર્થોનો ઉપયોગ થાય છે જેમાં ઘી સામેલ છે.’
જો પાર્લરમાં બ્યુટિશ્યનોને ઘીની અવેજી ન મળતી હોય તો વિચારવું રહ્યું કે હેર અને સ્કિન- કૅર માટે ઘીમાં કેટલા કુદરતી ગુણો હશે. છેલ્લાં વીસ વર્ષનાં અનુભવી આયુર્વેદ ડૉક્ટર નમ્રતા પવાર ઘીના આંતિરક અને બાહ્ય ગુણો વિશે જણાવતાં કહે છે, ‘ઘી પિત્ત પ્રકૃતિના શરીર માટે બહુ જ ગુણવર્ધક છે. ઘી ખાઈને અને લગાવીને પણ સુંદરતામાં વધારો કરી શકાય છે. ગરમીની ઋતુમાં દરરોજ એક ચમચી ઘી ખાવાથી ડિહાઇડ્રેશન ઓછું થશે અને ત્વચાની ચમક બરકરાર રહેશે. ગરમીની ઋતુમાં ત્વચાને ગોરી બનાવે છે. આયુર્વેદ કહે છે કે ઘી શરીરની અંદર યોગ્ય માત્રામાં જાય તો ત્વચા પર પિમ્પલની સમસ્યા થતી નથી. જોકે ઘીને લગાવી પણ શકાય છે.’
ઘીના બાહ્ય ઉપયોગની વાત કરતાં ડૉ. નમ્રતા કહે છે, ‘લોધ્ર પાઉડર (આયુર્વેદ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે)માં ઘી મિક્સ કરીને એ પેસ્ટને ચહેરા પર લગાવીને વીસ મિનિટ રાખી મૂકવી. નહાવા જતાં પહેલાં આ પેસ્ટથી મસાજ કરવો જેથી આ પેસ્ટ ઍન્ટિટૅન પૅક તરીકે કામ કરશે. તાપમાં જશો તો પણ એ પૅકના ગુણો ત્વચાનું રક્ષાકવચ બની રહેશે. એ સિવાય નાગકેસર ચૂર્ણ અને મંજિષ્ઠા પાઉડર સાથે ઘી મિક્સ કરીને લગાવવાથી હાઇપરપિગ્મેન્ટેશન (ત્વચાના રંગમાં તીવ્ર ફેરફાર)ની સમસ્યામાં રાહત મળશે. અલોવેરાના પલ્પ સાથે ઘી મિક્સ કરી લગાવવાથી ચહેરા પર સનબર્ન અને ડાઘની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે. જો એવી ફરિયાદ હોય કે ઘી બહુ ચીકણું હોય છે અને ત્વચા પરથી આસાનીથી દૂર નથી થતું તો ઘી લગાવ્યા બાદ નહાવા જતી વખતે મગનો પાઉડર લગાવવો. એટલે ચહેરો ધુઓ ત્યારે ચહેરા પર ચીકાશ નહીં રહે.’


