તમારા કબાટમાં મમ્મીની પડી રહેલી બનારસી સાડીને ક્યારેય આઉટ ઑફ ફૅશન માનવાની ભૂલ ન કરતા. આજના યુવાનો હાથવણાટના વારસાને બોલ્ડ અને કમ્ફર્ટેબલ ટ્વિસ્ટ આપી રહ્યા છે ત્યારે નૅશનલ હૅન્ડલૂમ ડે નિમિત્તે જાણો બનારસી સાડી વિશે બધું જ
પરંપરાગત બનારસી સાડી કેવી રીતે બની યંગસ્ટર્સનું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ?
ભારતીય હૅન્ડલૂમ અને સિલ્કની વાત જ્યારે પણ નીકળે ત્યારે વારાણસી (બનારસ)નું નામ મોખરે આવી જાય છે. મોગલકાળથી વિકસેલી બનારસી વણાટકામની આ કલા આજે એકવીસમી સદીમાં એક નવા જ રૂપમાં ખીલી ઊઠી છે. એક સમયે માત્ર દાદી-નાનીના કબાટ કે લગ્નની તિજોરી પૂરતી સીમિત ગણાતી બનારસી સાડી આજે યંગસ્ટર્સ માટે ગ્લોબલ ફૅશન-સ્ટેટમેન્ટ બની ગઈ છે.
એક નહીં ૧૮ પ્રકાર છે
ADVERTISEMENT
સામાન્ય રીતે લોકમાનસમાં એવી છાપ હોય છે કે બનારસી સાડી એટલે માત્ર લાલ કે મરૂન રંગનું ભારેખમ અને મોંઘું સિલ્ક. જોકે ફૅશન ટેક્સટાઇલ અને વણાટશાસ્ત્રની દૃષ્ટિએ બનારસમાં મુખ્યત્વે ૧૮ અલગ-અલગ પ્રકારની બનારસી સાડીઓ તૈયાર થાય છે. એને ફૅબ્રિક, ડિઝાઇન અને કલર એમ ૩ મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. મટીરિયલના આધારે પ્યૉર સિલ્કના તાણાવાણા અને સોના-ચાંદીના જરીકામથી બનતી અત્યંત ભવ્ય કતાન સિલ્ક, સોબર લુક આપતી ટસર સિલ્ક, હળવું વજન ધરાવતી આરામદાયક જ્યૉર્જેટ બનારસી, ટ્રાન્સપરન્ટ અને પફી લુક આપતી ઑર્ગેન્ઝા સિલ્ક, ખિસ્સાને પોસાય એવી સૉફ્ટ ચીનિયા સિલ્ક, ઉનાળા માટે શ્રેષ્ઠ કૉટન સિલ્ક, ચમકતી ટિશ્યુ સિલ્ક, ડ્રેપ કરવામાં સરળ એવી મોડાલ સિલ્ક, સસ્ટેનેબલ ફૅશન માટે જૂટ સિલ્ક અને પારદર્શકતા ધરાવતી ચંદેરી બનારસીનો સમાવેશ થાય છે. આ સિવાય વણાટકામ અને ડિઝાઇનના આધારે વનસ્પતિ અને પશુ-પક્ષીઓની ભાતવાળી જંગલા, અત્યંત સૉફ્ટ એવી તંચોઈ, હાથ વડે વધારાના દોરા કાપીને બનતી કટવર્ક અને સોના-ચાંદીના દોરાઓથી બુટા ધરાવતી બુટીદાર સાડીઓ તૈયાર થાય છે. લાલ, ગોલ્ડન, મરૂન અને પિન્ક આ સાડીઓના સદાબહાર ક્લાસિક રંગો રહ્યા છે.
સાડીનું રીડિઝાઇનિંગ કરો
આજના સમયમાં જો તમારી પાસે કે પરિવારમાં જૂની બનારસી સાડીઓ પડી હોય અને એને સાડી તરીકે ન પહેરવી હોય તો એના આઉટફિટ રીડિઝાઇનિંગ દ્વારા એને નવા આઉટફિટમાં રૂપાંતરિત કરી શકાય છે એમ જણાવતાં મુલુંડનાં અનુભવી ફેશન-એક્સપર્ટ ધરુલ રાજગોર કહે છે, ‘સાડીના મોટા ઘેર અને જરી બૉર્ડરનો ઉપયોગ કરીને ફ્લોર-લેન્થ એ-લાઇન કે પ્રિન્સેસ કટ ઇન્ડો-વેસ્ટર્ન ગાઉન બનાવી શકાય છે જે રિસેપ્શન કે કૉકટેલ પાર્ટી માટે ઉત્તમ રહે છે. આ સિવાય સાડીના પટ્ટામાંથી કળીઓ કાપીને ઘેરાવદાર અનારકલી સૂટ, બનારસી ફૅબ્રિકમાંથી બનેલું લૉન્ગ ફ્રન્ટ-ઓપન જૅકેટ જેને જીન્સ કે ક્રૉપ ટૉપ સાથે પેર કરી શકાય અથવા સાડીમાંથી લેહંગા-ચોલી બનાવી શકાય છે. પ્રસંગ પ્રમાણેની સ્ટાઇલિંગની વાત કરીએ તો લગ્ન કે રિસેપ્શન જેવા ભવ્ય પ્રસંગોએ કતાન સિલ્ક કે ટિશ્યુ સાડી સાથે સ્ટેટમેન્ટ ચોકર અને સ્લિક બન શોભે છે. સંગીત કે કૉકટેલ ફંક્શનમાં ઑર્ગેન્ઝા સાડી અથવા ફ્યુઝન કૉર્સેટ લુક સાથે માત્ર હેવી ઝૂમખાં કે ચાંદબાલી પર્ફેક્ટ લાગે છે. પૂજા કે તહેવારમાં ટસર અથવા બનારસી પલાઝો સૂટ સાથે ગજરા અને મોજડી સુંદર દેખાવ આપે છે, જ્યારે ઑફિશ્યલ ઇવેન્ટ્સમાં કૉટન સિલ્ક કે ચંદેરી બનારસીને ક્રૉપ ટૉપ કે બ્લેઝર અને સ્નીકર્સ સાથે પેર કરીને સ્માર્ટ કન્ટેમ્પરરી લુક મેળવી શકાય છે.’
શું તમે જાણો છો?
બનારસી સાડી પરનું જરી અને બ્રોકેડવર્ક ૧૪મી સદીના સમયથી શરૂ થયું હતું.
એક કૉમ્પ્લેક્સ પૅટર્નની હૅન્ડલૂમ સાડી વણવામાં ૩ કારીગરોને ૧૫ દિવસથી લઈને આખું વર્ષ લાગી શકે છે.
પહેલાંના સમયમાં સાડીમાં સોના-ચાંદીના તાર વણવામાં આવતા હતા.
સાડી પર ડિઝાઇન એમ્બોસ કરવા ૧૯મી સદીમાં તૈયાર કરવામાં આવેલાં ખાસ પંચ કાર્ડ્સનો ઉપયોગ આજે પણ થાય છે.
માત્ર વારાણસી અને એની આસપાસના છ જિલ્લામાં હાથથી બનેલી સાડી જ ઓરિજિનલ બનારસી કહેવાય છે.
બનારસી સાડીને હિન્દુ-મુસ્લિમના અદ્ભુત સમન્વયનું પ્રતીક માનવામાં આવે છે.
પહેલાં હેવી સિલ્ક અને જરી બનારસી સાડીઓનું વજન બેથી પાંચ કિલો જેટલું રહેતું હતું.
સેલિબ્રિટીઝનો બનારસી લવ
હૅન્ડલૂમ બનારસીને આજના ગ્લૅમરસ યુગમાં ફરીથી ટ્રેન્ડિંગ બનાવવામાં બૉલીવુડની સેલિબ્રિટીઝનો મોટો ફાળો રહ્યો છે
અંશુલા

બોની કપૂરની પુત્રી અંશુલા કપૂરે તેના વેડિંગ રિસેપ્શનમાં પરંપરાગત રીતે સાડી પહેરવાને બદલે ફ્યુઝન પ્રયોગ કર્યો હતો. તેણે સિંદૂરી રેડ બનારસી બ્રોકેડ સાડી પસંદ કરી હતી, જેમાં સાડીના ફૅબ્રિકમાંથી જ અત્યંત બોલ્ડ અને મૉડર્ન ઑફ-શોલ્ડર કોર્સિટ બનાવવામાં આવ્યું હતું અને પલ્લુને સ્ટ્રક્ચર્ડ કન્સેપ્ટમાં ડ્રેપ કરાયો હતો. કોઈ જ પરંપરાગત શૃંગાર વગર માત્ર એમરલ્ડ ચોકર સાથે તેણે આ આઉટફિટને અત્યંત ચિક લુક આપ્યો હતો.
રણવીર સિંહ

રણવીર સિંહે પ્યૉર બનારસી સિલ્ક સાડીના બ્રોકેડ ફૅબ્રિકમાંથી પુરુષો માટેનું ખાસ રૉયલ લૉન્ગ શેરવાની જૅકેટ બનાવડાવ્યું હતું. સોના-ચાંદીના તારવાળા બનારસી વણાટના આ જૅકેટને તેણે પ્લેન કુરતા-પાયજામા પર પહેર્યું હતું. આ પ્રયોગે સાબિત કર્યું કે બનારસી સાડીનું સિલ્ક માત્ર મહિલાઓ માટે જ નહીં, પુરુષોના રૉયલ જૅકેટ માટે પણ બેસ્ટ છે.
આયુષમાન ખુરાનાએ પણ બનારસી સિલ્ક ફૅબ્રિકમાંથી બનેલું એસિમેટ્રિકલ જૅકેટ અને નેહરુ જૅકેટ પ્લેન કુરતા પાયજામા સાથે પેર કરીને કન્ટેમ્પરરી પાવર ડ્રેસિંગ કર્યું હતું. અપારશક્તિ ખુરાના અને વિજય વર્માએ પણ રેડ કાર્પેટ ઇવેન્ટ્સમાં બનારસી બ્રોકેડ બ્લેઝર અને સૂટ પહેરીને મેન્સવેઅરમાં બનારસી ફૅબ્રિકની ઉપયોગિતા સાબિત કરી છે.
પ્રિયંકા ચોપડા

પ્રિયંકાએ ૬૫ વર્ષ જૂની વિન્ટેજ બનારસી સિલ્ક સાડીને કાપીને એક મૉડર્ન ઇન્ડો-વેસ્ટર્ન સ્કર્ટ અને સીક્વન્સ ટૉપ બનાવડાવ્યું હતું. આમાં સાડીના નીચલા ભાગ અને પલ્લુને મન લૉન્ગ સ્કર્ટનું રૂપ આપીને સાથે ગ્લૅમરસ હોલ્ટર-નેક ટૉપ પેર કર્યું હતું. સાડીના સોનેરી વણાટ સાથે આ આઉટફિટે પરંપરાગત સાડીને એકદમ આધુનિક ગાઉન જેવો લુક આપ્યો હતો.
સોનાલી બેન્દ્રે

સોનાલીએ તેના વૉર્ડરોબમાં પડેલી વર્ષો જૂની ભારે બનારસી સાડીમાંથી એક આકર્ષક ફ્લેર્ડ પલાઝો પૅન્ટ તૈયાર કરાવ્યું હતું. આ બનારસી પલાઝોને તેણે સિમ્પલ એલિગન્ટ કુર્તા અને લૉન્ગ જૅકેટ સાથે પેર કરીને રૉયલ લુક મેળવ્યો હતો. આ પ્રયોગ દર્શાવે છે કે જૂની સાડીને કાપ્યા વગર કે સાચવી રાખવાને બદલે એનો ઉપયોગ આજના આઉટફિટમાં કેવી રીતે થઈ શકે.
અદિતિ રાવ હૈદરી

અદિતિએ સાડીમાંથી કાપકૂપ કરવાને બદલે બે અલગ-અલગ રાજ્યોની કલાનું સ્માર્ટ મિશ્રણ કર્યું હતું. તેણે પોતાની સાદા લુકવાળી બાંધણી સાડી સાથે ભારે જરીકામવાળું બનારસી સિલ્ક બ્લાઉઝ પેર કર્યું હતું. બનારસી ફૅબ્રિકના ચમકદાર બ્લાઉઝે તેની સિમ્પલ સાડીને પણ એકદમ રૉયલ અને પ્રસંગોચિત લુક આપી દીધો હતો.
કરીના કપૂર ખાન

કરીનાએ કાળા અને સોનેરી રંગની જૂની બનારસી સાડીમાંથી અત્યંત રૉયલ ઑફ-શોલ્ડર ફ્લોર-લેન્થ ગાઉન તૈયાર કરાવ્યું હતું. આમાં સાડીના વજનદાર પલ્લુને ગાઉનની આગળના ભાગેથી નીચે જમીન સુધી ડ્રેપ રાખવામાં આવ્યો હતો. આ પ્રયોગથી જૂની બનારસી સાડી એક પણ દાગીના વગર અત્યંત ગ્લૅમરસ રેડ કાર્પેટ ગાઉન બની ગઈ હતી.
સારા અલી ખાન

સારા અલી ખાને બનારસી સાડીના કાપડમાંથી ટ્રેડિશનલ સાડીને બદલે ઘેરાવદાર અનારકલી કુરતો અને શરારા સેટ તૈયાર કરાવ્યા છે. સાડીની બૉર્ડર અને પલ્લુનો ઉપયોગ તેણે કુરતાની કળીઓ અને નીચેના ઘેર તરીકે કર્યો હતો. આ આઉટફિટ સાડી કરતાં પહેરવામાં વધુ આરામદાયક અને યુથફુલ લુક આપે છે.
