જો રેગ્યુલર બરફ લગાવવાની આદત રાખી હોય તો ઑઇલી સ્કિન અને લાર્જ ખૂલી ગયેલા પોર્સની સમસ્યામાં બહુ જ રાહત રહે.’
બ્યુટી ઍન્ડ કૅર
પ્રતીકાત્મક તસવીર
દીપિકા પાદુકોણ હોય કે આલિયા ભટ્ટ, હિરોઇનો પોતાના બ્યુટી રેજીમમાં આઇસનો ભરપૂર ઉપયોગ કરતી આવી છે. મેકઅપ કરતાં પહેલાં અને મેકઅપ દૂર કર્યા પછી ઠંડા ચિલ્ડ વૉટરમાં મોં બોળવાનું અથવા તો ચહેરા પર આઇસ ક્યુબ લગાવવાનું રૂટીન ઘણી ઍક્ટ્રેસિસનું રહ્યું છે. શું બરફ ત્વચા માટે આટલો સારો છે? ધારો કે છે તો એનાથી શું ફાયદો થાય છે એ જરાક નિષ્ણાત પાસેથી જાણીએ.
મેડિકલ સાયન્સમાં પણ તમે જોયું હોય તો ક્યાંય સોજો આવ્યો હોય તો બરફનો ઠંડો શેક કરવાનું કહેવામાં આવે છે. એ જ વિજ્ઞાન ત્વચા માટે પણ લાગુ પડે એમ સમજાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. તન્વી વૈદ્ય કહે છે, ‘ત્વચા ખૂબ જ પાતળી હોવાથી બહુ જ સેન્સિટિવ હોય છે. સ્ટ્રેસ અને થાક સૌથી પહેલાં ચહેરાની ત્વચા પર વર્તાવા લાગે છે. બરફ ચહેરા પર લગાવવાથી રક્તવાહિનીઓ સંકોચાય છે અને ક્યાંક કોઈ પણ પ્રકારનું સ્વેલિંગ થયું હોય તો એ ઘટે છે. ચહેરા કે આંખો પાસે પફીનેસ આવી હોય તો એમાં બર્ફીલી ટ્રીટમેન્ટ બહુ જ અસરકારક રહે છે. રક્તવાહિની સંકોચાવાથી ત્વચા પરના ઓપન પોર્સ સંકોચાઈને ટાઇટ થાય છે. આ ટેમ્પરરી હોય છે, પરંતુ એનાથી લુકમાં ઇન્સ્ટન્ટ ફરક પડે છે. જો રેગ્યુલર બરફ લગાવવાની આદત રાખી હોય તો ઑઇલી સ્કિન અને લાર્જ ખૂલી ગયેલા પોર્સની સમસ્યામાં બહુ જ રાહત રહે.’
ADVERTISEMENT
બ્લડ-સર્ક્યુલેશન સુધરે
પહેલાં નૉર્મલ પાણીથી ચહેરો ધુઓ અને પછી બરફ નાખેલા ઠંડા પાણીથી ધુઓ તો એનાથી એ ભાગમાં બ્લડ-સર્ક્યુલેશન વધે છે. ડૉ. તન્વી કહે છે, ‘ત્વચાને જેટલું શુદ્ધ લોહી વધુ મળે એટલો એને ઑક્સિજન વધુ સારો મળે અને ઓવરઑલ એનો ગ્લો અને લવચીકતા સારી રહે. બીજું, ત્વચા ઠંડી હશે તો એના પર લગાવેલી સ્કિન-કૅર પ્રોડક્ટ સરળતાથી એમાં શોષાઈ શકે છે. એને કારણે તમે જો કોઈ સિરમ કે મૉઇશ્ચરાઇઝર લગાવતા હો તો ઠંડી ત્વચા પર એની સારી અસર થાય છે. કોલ્ડ મસાજ લિમ્ફેટિક ડ્રેનેજ સિસ્ટમ સુધારે છે. એને કારણે ત્વચાના કોષોમાં સંઘરાયેલાં ટૉક્સિન્સ અને વધારાનું ફ્લુઇડ દૂર થાય છે.’
કઈ રીતે ત્વચા માટે કોલ્ડ થેરપી વાપરી શકાય?
૧. રાતે સૂતાં પહેલાં મેકઅપ ઉતારીને ચહેરો ધોઈને એકથી બે મિનિટ માટે બરફ લગાવી શકાય. એ પછી ચહેરો થપથપાવીને સૂકવી દેવો.
૨. બરફની ટ્રેમાં પાણી ભરો ત્યારે એમાં એકાદ ડ્રૉપ સિરમનું નાખી દેવું. એ પછી એક-એક ટુકડો બરફનો કાઢીને એ ચહેરા પર લગાવવાથી સિરમ સારી રીતે ત્વચામાં અંદર સુધી ઊતરે છે.
૩. ઘણી એવી બ્યુટી પ્રોડક્ટ્સ છે જેને તમે ફ્રિજમાં જ રાખો તો ચાલે. અલોવેરા બેઝ્ડ જેલી કે આઇ-કૅર પ્રોડક્ટ્સ હોય છે એને ઠંડકમાં રાખી હોય તો જ્યારે પણ કાઢો ત્યારે એ ત્વચા પર ઠંડક કરે છે. રાતે સૂતાં પહેલાં ઠંડું આઇ-ક્રીમ કે આઇ-માસ્ક લગાવીને સૂવાથી આંખની આસપાસની પફીનેસમાં ફરક પડે છે.
૪. જો તમે અલગ-અલગ માસ્ક યુઝ કરતા હો તો એ માસ્ક પણ ફ્રિજમાં રાખી શકાય. ઠંડકમાં રાખેલા માસ્કનું સિરમ ત્વચામાં બહુ સારી રીતે ઊતરે છે.
૫. ફળો દ્વારા એક્સફોલિએશન એટલે કે ત્વચા પરના મૃત કોષોને દૂર કરવા હોય ત્યારે પણ કોલ્ડ થેરપી વાપરી શકાય. પાકા પપૈયાને ક્રશ કરીને એને બરફની ટ્રેમાં જામવા મૂકી દેવાય. બરફની જેમ જામી ગયેલા એ ક્યુબથી ત્વચાને સાફ કરવાથી ત્વચા પરની કાળાશ પણ દૂર થશે અને મૃત કોષો પણ. એ પછી ત્વચા એકદમ ફ્રેશ અને યંગ ફીલ થશે.
ડાયરેક્ટ બરફ નહીં
ત્વચા પર બને ત્યાં સુધી ડાયરેક્ટ બરફ ન લગાવવો. એક સુતરાઉ કાપડમાં આઇસ ક્યુબ મૂકીને ચહેરા પર લગાવો તો એ વધુ અસર કરે છે. ક્યારેક આઇસની અતિ ઠંડકથી પણ ત્વચા બળી જઈ શકે છે.