એક ડોસીમાને ચોરી કરવાની ટેવ હતી. એટલે બહાર જતી વખતે તેમને સાથે જવા કોઈ જ તૈયાર ન થાય. એકવાર કુટુંબના લગ્નપ્રસંગમાં ડોશીમાને સાથે લઈ જવાની સૌએ ના પાડી, પણ તે તો સૌથી પહેલા જઈને ગાડામાં જ બેસી ગયા.
પ્રતીકાત્મક તસવીર
એક ડોસીમાને ચોરી કરવાની ટેવ હતી. એટલે બહાર જતી વખતે તેમને સાથે જવા કોઈ જ તૈયાર ન થાય. એકવાર કુટુંબના લગ્નપ્રસંગમાં ડોશીમાને સાથે લઈ જવાની સૌએ ના પાડી, પણ તે તો સૌથી પહેલા જઈને ગાડામાં જ બેસી ગયા. બધાએ નક્કી કર્યું. ‘ભલે આવે, પણ તે ચોરી ન કરે તેનું બરાબર ખાન રાખવું.’ લગ્નપ્રસંગમાંથી પાછા ફરતી વખતે ગાડામાં પાથરેલી રજાઈ ભીની થઈ ગઈ હોય તેવું સૌને જણાયું. બધા એકબીજાને પૂછવા લાગ્યા કે. ‘આ શું છલકાય છે?’
જોયું તો છાશની દોણી છલકાતી હતી. પછી નિરાંતે ડોશીમાં બોલ્યા ‘આ તો મારો સ્વભાવ છલકાય છે.’
ચોરી કરવા કંઈ ન મળ્યું તો ડોશીમાં છાશની દોણી યોરી લાવ્યા. સ્વભાવની આ ખાસિયત છે, એ સમય આવ્યે ઝળકી ઊઠે છે. ગયા લેખમાં કહ્યું હતું એમ, સ્વભાવ ટાળવો અઘરો છે. સ્વભાવ-પ્રકૃતિ કોઈ સ્થૂળ વસ્તુ નથી કે જેને સરળતાથી દૂર કરી શકાય. પગમાં પહેરેલા બૂટ કે શરીર પરનાં વસ્ત્રો કે અલંકારો સરળતાથી ઉતારી શકાય છે. એટલી જ સરળતાથી સ્વભાવ મૂકી શકાય એમ નથી. એ વાસ્તવિક્તા છે. સ્વભાવ તો અણુ કરતા પણ સૂક્ષ્મ છે, જે જીવ સાથે એકરસ થઈ ગયો છે અને સમય આવ્યે પ્રક્ટ થયા વિના રહે નહીં. આપણે જોઈએ છીએ કે ઘણું જ્ઞાન લીધા પછી પણ માણસ ઘણીવાર એવી જ રીતે વર્તી લે જે તેનો મૂળ સ્વભાવ હતો. આવું થવાનું કારણ શું, સ્વભાવ. જે લાકડાંની સાથે જ બળવાનો છે. એવું નથી કે સ્વભાવને નાથી ન શકાય પણ એને નાથવાની, એને બદલવાની પ્રક્રિયા બહુ કપરી છે, એ કપરી પ્રક્રિયામાંથી જેવોતેવો બહાર ન નીકળી શકે.
સ્વભાવને જાણતા હોવા છતા પણ એને દૂર કરી શકતા નથી. દુર્યોધન ધર્મ અને અધર્મ જાણતો હોવા છતાં એણે કહ્યું હતું,
જાનામિ ધર્મ ન ચ મેં પ્રવૃતિઃ
જાનામ્યધર્મ ન ચ મેં નિવૃતિઃ
અર્થાત્ હું ધર્મ જાણું છું પણ તે માર્ગે ચાલી શકતો નથી અને અધર્મને પણ જાણું છું છતા તે માર્ગેથી પાછો વળી શકતો નથી. દુર્યોધન જ્ઞાની હોવા છતા સ્વભાવ છોડી ન શકયો.
આમ પ્રત્યેક પ્રવૃત્તિનું પ્રેરક બળ પ્રકૃતિ છે, જે કાર્ય રૂપી રથના થોડા જેવું કામ કરે છે. તેને ઓળખીને જીવનપથ પર આગળ વધીએ.


