ધર્મ મૌલિક હોય. એની ધારા જ્યાં વહે, વહેવા દો
પ્રતીકાત્મક તસવીર
ધર્મ એટલે?
હું દરેક જગ્યાએ ચોખવટ કરું છું કે સંકુચિત દૃષ્ટિથી ધર્મની વ્યાખ્યા કોઈએ કરવી નહીં, માનવી નહીં, વિચારવી નહીં. ધર્મ તો ગગન સિદ્ધાંત - આકાશ જેવો વિશાળ જેનો અર્થ છે. જે બધાને સમાવી લે એનું નામ ધર્મ. અત્યારના કાળમાં ધર્મની બહુ જ ટૂંકી, નાનાં-નાનાં ગ્રુપોએ મારી અને તમારી માનસિક સંકીર્ણતાએ ધર્મની ખૂબ નાની વ્યાખ્યા કરી નાખી. અમારો આ ધર્મ, અમારો આ ચોકો, અમારું આ ગ્રુપ. નહીં - ધર્મ એટલે કેટલા વિશાળ અર્થમાં છે? ધર્મ, સત્ય, પ્રામાણિકતા, નીતિ, પ્રેમ, કરુણા આ બધું જ્યાં હોય એવો ધર્મ જ્યારે આમંત્રણ આપે ત્યારે વ્યક્તિનું કર્તવ્ય છે કે પોતે ગમે એટલો મોટો હોય તો પણ દોડીને જવું, જ્યારે ધર્મ પુકારે. આજે સત્યએ પોકાર કર્યો છે, બધાને બોલાવ્યા છે, આવો બાપ! તો ધર્મ બોલાવે ત્યારે જવું. ધર્મના સંકુચિત અર્થ ન કરતાં ધર્મને બહુ જ વિશાળ અર્થમાં લ્યો. કોઈ સંકુચિત માનસ દ્વારા નહીં, ધર્મે તો હંમેશાં કર્યું છે. સાચા ધર્મે નાનામાં નાની વ્યક્તિ તરફ દૃષ્ટિ કરી છે, એને કોઈ ભેદ નથી.
ADVERTISEMENT
ધર્મ મૌલિક હોય. એની ધારા જ્યાં વહે, વહેવા દો. ધર્મ એટલે વિદ્વાનોએ સેવ્યો એ ધર્મ. જેણે સત્યને શાસ્ત્ર વડે જાણી લીધું હોય એવા વિદ્વાન વડે જેની સેવા થઈ, જે સંતે ધર્મની વાત કરી એ ધર્મ, રાગદ્વેશથી મુક્ત સામાન્ય માણસ કહે એ ધર્મ. ત્રણ મત મળી જાય, તેમની વાત સાંભળીને આપણું અંતઃકરણ સાક્ષી આપે એ ધર્મ. ભક્તિની ભૂખ જગાવી દે એ ધર્મ, વૈરાગ્યનો ભેખ પહેરાવી દે એ ધર્મ. બુભુક્ષા, મુમુક્ષા જગાડે એ ધર્મ. થોડે અંશે ગણવેશ અને કેટલીક એવી વસ્તુઓ માણસને પાપ કરતા અટકાવે છે. તિલક, વેશ, માળાનો પોતાનો મહિમા છે. એ ખાલી આડંબર નથી. તિલક મેક-અપ નથી, ચેક-અપ છે. પરમ સાવધાની છે.
ધર્મ શ્વેત એટલે કે નિર્દોષ, નિષ્કલંક હોવો જોઈએ. ધર્મ ધંધો ન બને. ધર્મની આડમાં હોંશિયારી કે ચાલાકી ન હોય. એ પરમ ધર્મનું દૂધ (સત્વ) છે. દૂધ પ્રવાહી છે એ જ રીતે ધર્મ ગતિશીલ હોય. સ્વાદ મધુર હોય, ધર્મ અમૃત છે. ધર્મચુસ્ત લોકોએ ધર્મને કડવો બનાવી દીધો છે. ધર્મ પ્રસન્ન કરે. પ્રસન્ન માણસ મળે તો સમજવું કે તે ભીતરથી પવિત્ર છે. આરોગ્યપ્રદ ધર્મ પુષ્ટિ કરે, વૃદ્ધિ પણ કરે.
ધર્મ માત્ર પોથીમાં પુરાઈ રહે તો રાષ્ટ્રનું કલ્યાણ ન થઈ શકે. ન આત્માનું કલ્યાણ થાય, ન સમાજનું કલ્યાણ થાય કે ન રાષ્ટ્રનું કલ્યાણ થઈ શકે. એક નાનકડું, હસતું વિચારશૂન્ય બાળક તમારી સામે જૂએ અને તમે તે બાળકને પ્રેમથી ખોળામાં બેસાડી ખવડાવો, તેની સામે મલકો, તેની સાથે વાતો કરો તો સંધ્યા થઈ જાય. પૂજા થઈ જાય, યજ્ઞ પણ થઈ જાય, દાન થઈ જાય, પુણ્ય મળી જાય.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


