કવિ રાલ્ક વોલ્ડો ઇમરસન કહે છે, ‘To be simple is to be great’ અર્થાત્ સીધાસાદા બનવું એ મહાનતા છે
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
૧૯૯૭માં દિલ્હીમાં તાજ હોટેલમાં વિશ્વસ્તરની એક કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વિશ્વના ખ્યાતનામ IT ઇજનેરો તેમ જ અગ્રણી નેતાઓ હાજર હતા. એ સમયે સભામાં પ્રવક્તાએ કૉન્ફરન્સના ચૅરમૅન તરીકે ટી. વિશ્વનાથનને મંચ પર પધારવા આમંત્રણ આપ્યું હતું. દરેકના મનમાં કોટ-પાટલૂન અને ચળકતાં બૂટમાં સજ્જ કોઈ વ્યક્તિનું ચિત્ર હતું, પણ જ્યારે વિશ્વનાથન ઊભા થયા ત્યારે બધાની આંખો પહોળી થઈ ગઈ હતી. સાદો ઝભ્ભો, ધોતિયું, પગમાં ચાખડી, વધી ગયેલી દાઢી.
આવા વેશ સાથે તેમણે સતત ત્રણ કલાક સુધી મલ્ટિમીડિયા વિષયક વક્તવ્ય આપ્યું હતું. થોડા સમય બાદ તેઓ ગાંધીનગર-અક્ષરધામની મુલાકાતે આવ્યા ત્યારે સંતો સાથે બે કલાક વિતાવ્યા. ત્યારે તેમણે કહેલું કે મેં નક્કી કર્યું છે કે મારો પહેરવેશ આ જ રાખવો છે. એનું કારણ પૂછતાં તેમણે જે જવાબ આપ્યો એ જવાબ સૌકોઈએ યાદ રાખવાની જરૂર છે,
‘મેં નક્કી કર્યું હતું કે મારે દુનિયાની ટોચ પર પહોંચવું છે, તો પછી કપડાં પાછળ શું કામ સમય બગાડું? એક વખત એવો આવશે કે લોકો મારાં કપડાં સામે નહીં, મારા જ્ઞાન સામે જોશે. દુનિયામાં ચહેરો પૂજાતો નથી, જ્ઞાન પૂજાય છે.’
ADVERTISEMENT
આશ્ચર્ય એ વાતનું છે કે તેમણે એક પણ ફિલ્મ જોઈ નથી. કોઈ હોટેલમાં જમવા ગયા નહોતા અને ધારો કે કોઈક કારણસર તેઓ હોટેલમાં ગયા હોય અને ત્યાં જમવાનું આવે તો તેમણે ક્યારેય ઑર્ડર કર્યો નહોતો. ઑર્ડર કરવાનો આવે તો તેઓ એક જ વરાઇટી મગાવતા દાલ-રાઇસ. ખરેખર, સાદાઈને અપનાવીને પણ વ્યક્તિ મહાન બની શકે છે.
અમેરિકન તત્ત્વચિંતક અને કવિ રાલ્ક વોલ્ડો ઇમરસન કહે છે, ‘To be simple is to be great’ અર્થાત્ સીધાસાદા બનવું એ મહાનતા છે, પરંતુ આજના આધુનિક યુગના યુવકોમાં સાદાઈ નામનો ગુણ જાણે સાવ અલોપ થઈ ગયો છે. મોંઘાં અને ઊંચી બ્રૅન્ડનાં કપડાં, શૂઝ, મોબાઇલ, હેરસ્ટાઇલ, મેકઅપ, વાહનો અને એવી જાતજાતની મોંઘી આઇટમોનો શોખ! આજની યુવાનીનો જાણે એ પર્યાય બની ગયો છે, પરંતુ આજના બાપકમાઈ પર ઊછરતા નબીરાઓને એ ખ્યાલ નથી કે સાદાઈ માણસને એક ખુમારી અને તાકાત આપે છે. અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને ઉપ વડા પ્રધાન હોવા છતાં તેમના અંતિમ સમયે તેમનું બૅન્ક-બૅલૅન્સ ફક્ત ૨૩૬ રૂપિયા હતું. વળી, કપડાં પણ માત્ર ચાર જોડી જ હતાં છતાં તેમનો પ્રભાવ અખંડ ભારત પર આજે દાયકાઓ પછી પણ એવો ને એવો રહ્યો છે. ખરેખર, જીવનમાં સાદાઈ આવે તો બિનજરૂરી ફૅનફિતુર તથા ખોટા ખર્ચાથી મુક્ત રહેવાય અને પરિણામે શાંતિ અનુભવાય.
પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી
- BAPS સ્વામીનારાયણ સંસ્થા