ઇસ્લામ પછી આપણે વાત કરવાની છે અન્ય ધર્મોની વિશેષતાઓ પર
પ્રતીકાત્મક તસવીર
ઇસ્લામ પછી આપણે વાત કરવાની છે અન્ય ધર્મોની વિશેષતાઓ પર.
ઇસ્લામની સારી વાતો તમને ગઈ કાલે કરી અને કહ્યું કે એ વાતોનો સ્વીકાર કરવો એ આપણી ફરજ છે તો એવી જ રીતે ખ્રિસ્તીઓની સેવાવૃત્તિ, ત્યાગવૃત્તિ, નમ્રતા-વિનય-વિવેક, પછાતો અને પીડિતો માટે હમદર્દી, શિક્ષણ અને તબીબી સારવારનાં કાર્યો માટે સમર્પણભાવ અને આવાં બીજાં અનેક કાર્યો માટે મને ખ્રિસ્તીઓ પ્રત્યે માન થયું છે; પણ હા, મારે અહીં કહેવું જ રહ્યું કે મને સૌથી માન તો સિખ ધર્મ પ્રત્યે થયું છે.
ADVERTISEMENT
ગુરુદેવ નાનકથી માંડીને ગુરુ ગોવિંદસિંહજી સુધીના દસ ગુરુઓની
નિર્મળ અને પરાક્રમી ગાથાઓ, એકેશ્વરવાદની ધારણા, ધર્મ દ્વારા ધર્મમય બહાદુરીની પ્રેરણા, સમાનતા જેવા અનેક ગુણોથી હું એટલો પ્રભાવિત થયો છું કે જો પૂરો ભારત દેશ સિખધર્મી થયો હોત તો કેટલો બહાદુર થયો હોત એની કલ્પનામાત્રથી હું ગદ્ગદ થયો હતો.
બૌદ્ધ ધર્મથી પણ હું પ્રભાવિત થયો છું, પણ મારે કહેવું રહ્યું કે બૌદ્ધ કરતાં પણ સ્વયં બુદ્ધથી હું વધુ પ્રભાવિત થયો છું. આવું જ કબીર વિશે પણ કહી શકાય.
કબીર જેવા મહાન સંતનો જોટો મને આજ સુધી મળ્યો નથી.
જે લોકોએ, ધર્મોએ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં રસ નથી લીધો; જેમણે અકુદરતી જીવનવ્યવસ્થા પર જ વધુ ભાર મૂક્યો; જેમના સિદ્ધાંતોથી રાષ્ટ્ર અને માનવતાને ફાયદો કશો નહીં, નુકસાન ઘણું થયું છે; જેમણે માનવતાની જગ્યાએ વર્ણવાદ કે વર્ગવાદ પોષ્યો છે; જેમણે આભડછેટ, અન્યાય કે બીજી અનેક એવી વ્યવસ્થાઓ આપી છે જેનાથી પ્રજા વિભાજિત, કમજોર, દરિદ્ર અને અંતે ગુલામ થઈ છે એ બધાથી હું પ્રભાવિત નથી થયો અને હું કહીશ કે એ કોઈ પર પ્રભાવ છોડી પણ ન શકે. આપણે ત્યાં અનેક ધર્મો એવા છે જેમનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવાનું કામ થયું છે. નિયમોના બંધનમાં ધર્મ ક્યારેય હોય જ નહીં, પણ એ લોકોએ નિયમોનું બંધન એ સ્તર પર ઊભું કર્યું જેને લઈને લોકો ડરતા થયા અને ડરના માર્યા એ બાપડા ધર્મને રજવાડું બનાવીને ફરતા સાધુબાવાઓના આધાર પર જીવતા થયા. ના, ધર્મ એવો હોય જ નહીં. ધર્મ ક્યારેય એ પ્રકારની માનસિકતા પણ બનાવે નહીં. પ્રજાને આધારિત બનાવે એ ધર્મ હોય જ નહીં. પ્રજાને સુરક્ષાનો અનુભવ કરાવે, એને પગભર કરે અને એને હક, ન્યાય માટે બહાદુરી સાથે લડતાં શીખવે એનું નામ ધર્મ અને આ વાત સિખ ધર્મમાં બહુ સરસ રીતે શીખવવામાં આવે છે. એ જ કારણ છે કે હું સિખ ધર્મની ફિલસૂફીથી સૌથી વધારે પ્રભાવિત થયો છું.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


