કોઈ પણ સારા પુસ્તકાલયમાં સરળતાથી મળી રહેતું દેશનું બંધારણ હવે તો ઇન્ટરનેટ પર PDF સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, પરંતુ આપણે વાત કરવી છે બંધારણની મૂળ કૉપી વિશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનું સ્થાન હવે ધીમે-ધીમે ડિજિટાઇઝેશને લઈ લીધું છે. આમંત્રણપત્રિકાથી લઈને પત્રલેખન બધું જ હવે મેસેજિસ, ઇમેજિસ અને ઇમોજિસમાં સમાઈ રહ્યું છે ત્યારે નવાઈ લાગશે કે આજે પણ હજારો શાસ્ત્ર, ગ્રંથો, રસકાવ્યો અને નીતિવાક્યો સૈકાઓ જૂની હસ્તલિપિમાં ઉપલબ્ધ છે. જૈન ગ્રંથભંડારોમાં આવી અનેક પ્રતો (મૅન્યુસ્ક્રિપ્ટ્સ એટલે મૅન્યુઅલી લખાયેલી સ્ક્રિપ્ટ્સ) હાજર છે. હસ્તલેખનકાર્ય આજે પણ અનેક સ્થળે ચાલી રહ્યું છે. લેખન ક્રિયા નથી, એક કળા છે. ભારત આ કળામાં પહેલેથી માહિર હતો અને છે. ભારતના બંધારણની જ વાત કરીએ તો એની મૂળ કૉપી અલગ જ ભાત પાડનારી છે.
કોઈ પણ સારા પુસ્તકાલયમાં સરળતાથી મળી રહેતું દેશનું બંધારણ હવે તો ઇન્ટરનેટ પર PDF સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, પરંતુ આપણે વાત કરવી છે બંધારણની મૂળ કૉપી વિશે. ભારતનું મૂળ બંધારણ એટલે કે એની મૂળ કૉપી છપાયેલી નથી કે ટાઇપ થયેલી પણ નથી, પરંતુ ભારતીય લેખન પરંપરા અનુસાર એ હસ્તલિખિત છે. બંધારણની મૂળ કૉપી, જે સંસદમાં મુકાયેલી એ હિન્દી અને (અંગ્રેજોના પ્રભાવ હેઠળ) અંગ્રેજીમાં એમ બન્ને ભાષામાં હાથે લખાયેલી છે. આટલા વિરાટકાય અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા બંધારણને લખ્યું કોણે?
ADVERTISEMENT
પ્રેમ બિહારી રાયજાદા નામના હસ્તલેખન (કૅલિગ્રાફી) નિષ્ણાતે આ કાર્ય કર્યું છે. મૂળ દિલ્હીમાં જન્મેલા પ્રેમ બિહારીને આ કળા વારસાગત હતી. પોતાના દાદા પાસેથી તે હસ્તલેખન શીખીને એક અવ્વલ કૅલિગ્રાફિસ્ટ બનેલા. સારા અક્ષરે લખવાની વાત આવે એટલે ઇટૅલિક સ્ટાઇલમાં અક્ષરોને સહેજ ત્રાંસા લખાય. પ્રેમ બિહારીએ પણ એ જ રીત અપનાવી હતી.
અનેક વિકલ્પોમાંથી પસંદ થયેલા આ લેખન-કલાવીરને નેહરુજીએ પૂછેલું : ‘તમે આટલું લખવાનો ચાર્જ શું લેશો?’ ત્યારે બિહારીએ કહી દીધું : ‘આ લખવાનો એકેય રૂપિયો લઈશ નહીં, લેવાય પણ નહીં. મારા માટે પણ આ ગૌરવની વાત રહેશે. પણ હું મારા દાદાના નામ સાથે મારું નામ બંધારણ લખનાર તરીકે બંધારણમાં લખીશ.’
નેહરુજીએ આ વાત માન્ય રાખી હતી. સતત ૬ મહિનાના અથાગ પરિશ્રમે એકેય છેકછાક વગરનું, કલાત્મક અક્ષરોથી ઓપતું, બંધારણ (મૂળ કૉપી) તૈયાર થયું હતું. મળતા ઉલ્લેખ મુજબ આ લખાણ દરમ્યાન તેમણે શાહીવાળી પેનની ૨પ૪ ટાંક વાપરી હતી.
ટાઇપિંગ, ટાઇપસેટિંગ અને પ્રિન્ટિંગનો યુગ ભલે આગળ વધે પણ હસ્તલેખન એટલે હસ્તલેખન. નક્કી કરો કે પત્ર લખવાની, નિબંધ લખવાની, ગમતી માહિતીઓ હાથે કાગળ પર ટપકાવવાની ટેવ પાડીશ અને જાળવીશ. લખવાથી હાથના સ્નાયુઓથી લઈને ગરદન, મસ્તકના સ્નાયુઓને કસરત મળે છે. લખવાથી અક્ષરો સુધરે છે, સ્પેલિંગ અને ગ્રામર પાકા રહે છે અને વાંચનારનેય હાથે લખાયેલા અક્ષરોમાં આત્મીયતાનાં દર્શન થાય છે.


