મારી ક્ષમાપનામાં સ્પીડબ્રેકર : જેલસી

પ્રતીકાત્મક તસવીર
મારા જેલસી કરવાથી તેનાં સુખ, તેની પ્રગતિ કે તેને મળતી અનુકૂળતાઓ કંઈ અટકવાની નથી, કેમ કે તેના એવા પ્રકારના પુણ્યનો ઉદય છે, તો પછી જેલસી શા માટે?
સંસારના વ્યવહારમાં ઘણી વાર સાંભળવા મળતું હોય છે કે મમ્મીને તો નાની બહેન જ ગમે છે, મારા પ્રત્યે તો કાંઈ નથી. પપ્પા હંમેશાં ભાઈનું જ માને છે, મારાં સાસુ તો દેરાણીને પૂછીને જ બધું કરે છે, મારા શેઠ તો તેને જ પ્રાયોરિટી આપે છે... સહજતાથી બોલાતાં આવાં વાક્યોનું કારણ હોય છે, જેલસી!
જેલસીમાંથી અણગમો આવે, ડિસલાઇક આવે!
જેવી ડિસલાઇકની ફીલિંગ આવે એટલે તે વ્યક્તિ સાથે ડિસ્કમ્ફર્ટ થાય અને ત્યાંથી શરૂ થાય વેરની યાત્રા, દ્વેષની યાત્રા, આત્મ અશુદ્ધિની યાત્રા!
જે વ્યક્તિ અમૂલ્ય અને દુર્લભ એવા મનુષ્યભવમાં આત્માની શુદ્ધિ નથી કરતા તેમને પછી અનંતભવ અશુદ્ધિના મળે છે.
પર્વાધિરાજ પર્યુષણમાં અમારો એ જ સંદેશ છે; દરેક વ્યક્તિને તેના પુણ્ય અનુસાર જ મળે છે. તમને જે મળે છે એ તમારાં પુણ્ય અનુસાર મળે છે.
બીજાની પ્રાપ્તિ જોઈ જેના અંતરમાં આનંદ થાય એ પરમાત્માના વંશ હોય.
જેને જ્યારે જે મળે છે એ તેનાં કર્મો પ્રમાણે મળે છે. મારી જેલસી કરવાથી એનાં સુખ, એની પ્રગતિ કે એને મળતી અનુકૂળતાઓ કંઈ અટકવાની નથી, કેમ કે તેના એવા પ્રકારના પુણ્યનો ઉદય છે, તો પછી જેલસી શા માટે?
સમજણનો અભાવ જ વ્યક્તિમાં જેલસીના ભાવ જગાડે છે.
ગુસ્સો લાકડાં બાળવાથી લાગેલી આગ જેવો હોય છે, જે દેખાય છે. જ્યારે ઈર્ષ્યા લીક થયેલા ગૅસ જેવી હોય છે, જે દેખાતી નથી, પણ જ્યારે એક ચિનગારી લાગે ત્યારે આખા ઘરને બાળી નાખે.
એક પણ અવગુણને ક્યારેય નાના માનીને નગણ્ય ન કરવા.
જૈન દર્શનમાં એવાં અનેક દૃષ્ટાંતો છે, જેમાં જેમણે ઈર્ષ્યા કરી છે તેમણે પ્રભુને, ગુરુને અને ધર્મને ગુમાવ્યા છે. મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરનાર આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીના વિનય અને ભદ્રિકતાના ગુણોને કારણે ગુરુ તરફથી મળતા વિશેષ માન-સન્માનની ઈર્ષ્યાને કારણે ભાઈશ્રી વરાહ મિહિરે ગુરુને, ધર્મને અને પ્રભુને ગુમાવ્યા.
સમજણના અભાવને કારણે ઈર્ષ્યા થઈ, ઈર્ષ્યાને કારણે કમ્પેરિઝન શરૂ થઈ, તેને વધારે માન મળે છે અને મને ઓછું! પછી કૉમ્પિટિશન શરૂ થઈ, તેમનાથી વધારે મહાન થવા. તેમને નાના બનાવવા સાચાં-ખોટાં કાર્યો થવા લાગ્યાં.
જેલસી હંમેશાં પ્રાપ્તિ કૅલ્ક્યુલેશન કરાવે. એને શું મળ્યું અને મને શું ન મળ્યું? જ્યારે સંબંધોમાં ઈર્ષ્યા થાય ત્યારે સંબંધો તૂટ્યા વિના ન રહે.
ઈર્ષ્યા અંતે દ્વેષમાં પરિણમે છે.
કેટલાક લોકો એવા હોય જેઓ પોતાના નુકસાનથી દુખી થાય એ સ્વાભાવિક છે, પણ જે ઈર્ષ્યાળુ હોય એ બીજાના નુકસાનથી વધારે સુખી થાય.
જેને બીજાનો લૉસ જોઈને હાશ થાય તે ઈર્ષ્યાળુ હોય. આવી વ્યક્તિઓને વધારે ક્યાંય માન-સન્માન કે આદર-આવકાર મળતાં નથી, જ્યારે જે સરળ હોય છે, બીજાના સુખને જોઈ ખુશ થાય છે તેને બધે માન-સન્માન મળતાં હોય છે.
જેવું મનમાં જેલસીનું એન્જિન લાગે એટલે તરત જ પાછળ કમ્પેરિઝન, કૉમ્પિટિશન અને કમ્પ્લેઇનના કમ્પાર્ટમેન્ટ્સ જોડાઈ જાય, જે અંતે તન અને મન બન્નેને અસ્વસ્થ કરી દે!
માટે જ, અમારી તમને પ્રેરણા છે કે સમજણની યાત્રા કરો અને મહિનામાં એક વાર સ્મશાનની યાત્રા કરો.
સમજણની યાત્રા કરો અને સ્વયંને સમજાવો, ઈર્ષ્યાની આગમાં બળવા જેવું નથી, ઈર્ષ્યા દ્વેષ બનીને ભવોભવ સાથે આવે છે, ઈર્ષ્યાને કારણે સંસારનું પરિભ્રમણ વધે છે.
ધર્મ સ્થાનકમાં તો કદાચ ગુરુનો અવાજ સંભળાય કે ન સંભળાય, પણ સ્મશાનમાં જે ઇન્વિઝિબલ ગુરુ હોય એ તમને એવો અવાજ સંભળાવી દે જે ક્યારેય ભુલાય નહીં.
પોતાને ડેડ-બૉડીના સ્થાન પર મૂકો અને સત્યનું જે રિયલાઇઝેશન થાય એ તમારા સ્વભાવને પરિવર્તન કરવાનું શ્રેષ્ઠ પરિબળ બની જાય.
જો તું ઈર્ષ્યાની આગમાં બળવાનું બંધ નહીં કરે તો કાળ તો એક દિવસ તને બાળવાનો જ છે. જો અંતે બળવાનું જ છે તો આજથી બળી-બળીને જિંદગીને વ્યર્થ કેમ બનાવવી?
જ્યારે તમને જેલસી થાય ત્યારે જેલસીની વાત બીજાને ન કરવી. સામેવાળી વ્યક્તિ જો કેરોસીન જેવી હશે તો તમારી આગને વધારશે.
તમારી આસપાસ ક્યારેય રાગનાં પાત્રો, કામનાં પાત્રો ન રાખવાં; જે તમારી ઈર્ષ્યાની, તમારી ઇચ્છાઓની આગને વધારે, પણ તમારી આસપાસ કલ્યાણમિત્રો રાખવા જે આગને ઠારનારા હોય.
જેમની આસપાસ કલ્યાણમિત્ર એવા ગુરુ હોય તેનામાં ઈર્ષ્યાની આગ ન હોય અને કદાચ અનાદિકાળના સંસ્કારને કારણે તેના અંતરમાં ઈર્ષ્યાની આગ લાગે કે તરત જ કલ્યાણમિત્ર ગુરુ એને શાંત કરી દે.
ઈર્ષ્યા એક એવી આગ છે જે ક્ષણમાં તમારી સાધના-આરાધના, ઉપવાસ, સામાયિક, વ્રત-જપને પણ ભસ્મીભૂત કરી નાખે છે.
કોઈના સુખમાં સ્વયંને દુ:ખી કરવા એનું નામ જેલસી! કોઈની પ્રસન્નતાનો બાગ જોઈને પોતાના દિલમાં આગ લગાડવી એનું નામ જેલસી!
જેલસીથી મુક્ત થવાનો ઉપાય છે, સંતોષ!
જો સંતોષ નામનો સદ્ગુણ પ્રગટે તો જેલસી ક્યારેય ન થાય.
ચિંતન અને મનન કરવા જેવા મુદ્દા
કરશો જેલસીથી રેસ તો વધશે સ્ટ્રેસ. રાખશો ટાર્ગેટ તરફ ધ્યાન તો થશે પ્રોગ્રેસ.
જેલસી આપણી ‘પ્રસન્નતા’નો ભોગ લઈ લે છે.
નીચગોત્ર કર્મના ઉદયે શ્રેષ્ઠ પામીને પણ ગુમાવાય છે અને ઉચ્ચ ગોત્ર પુણ્યના ઉદયે જગતની શ્રેષ્ઠ વસ્તુ સામે ચાલીને મળે છે.
ધર્મક્ષેત્રમાં ‘અસંતોષ’ અને સંસારક્ષેત્રમાં ‘સંતોષ’ સજ્જતાની નિશાની છે.
કોઈને ‘આપવા’ માટે લંબાયેલા હાથ ક્યારેય ‘ખાલી’ હોતા નથી.
ગુસ્સો લાકડાની આગ જેવો હોય, જે તરત જ દેખાય. ઈર્ષ્યા લીક થયેલાં ગૅસ જેવી હોય, જે દેખાય નહીં, પણ એક નાનકડી ચિનગારી લાગે અને બ્લાસ્ટ થાય, જે આખા ઘરને બાળીને રાખ કરી નાખે.
ઈર્ષ્યાની આગમાં જે શીતળ જળ નાખે તે ગુરુ હોય અને ઈર્ષ્યાની આગમાં જે કેરોસીન નાખી ભડકો કરાવે તે રાગનાં પાત્રો હોય.
બીજાનું જોઈને ‘બળવું’ નહીં, પોતાનું ‘નબળું’ ગણવું નહીં, કોને શું મળ્યું છે એની ‘ગણતરીમાં’ પડવું નહીં.
જેને કોઈ પ્રત્યે અણગમો ‘અંશ’ ન હોય, તેનું પરમાત્માના ‘વંશ’માં સ્થાન હોય.
સંબંધોમાં ‘સ્વાર્થ’ આવે છે ત્યારે એનો ‘સર્વનાશ’ થઈ જાય છે.
ઈર્ષ્યામાં સંબંધો રડે, નડે અને અંતે તૂટે.
કોઈની ખુશીના બાગ જોઈને પોતાના દિલમાં આગ લાગે એનું નામ જેલસી.
ઈર્ષ્યાથી મુક્ત થવા કરો પ્રયોગ
દર મહિને એક વાર એક કલાક માટે સ્મશાનમાં જઈને બેસો. સ્મશાનથી મોટા ગુરુ કોઈ ન હોય.
એક વાર વ્યક્તિને આંખ સામે મૃત્યુ દેખાવા માંડે એટલે સમજાઈ જાય કે જો એક દિવસ બળવાનું જ છે,
તો આજે ઈર્ષ્યાની આગમાં શા માટે બળવાનું?
શા માટે કમ્પેરિઝન કરવાની? શા માટે કૉમ્પિટિશન કરવાની?
જે સ્મશાનયાત્રા કરે તેની જેલસીની સ્મશાનયાત્રા નીકળી જાય,
તેની રાગ-દ્વેષની સ્મશાનયાત્રા નીકળી જાય.
- રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.