ગુજરાતના કોળિયાક ગામની નજીક આવેલા નાનકડા દ્વીપ પર પ્રગટ થયેલાં પાંચ સ્વયંભૂ શિવલિંગ સમક્ષ સાચા દિલથી કરેલું પાપોનું પ્રાયશ્ચિત્ત ભક્તોને મોક્ષ પ્રાપ્ત કરાવે છે
નિષ્કલંકની સવાર-સાંજની આરતી એકદમ સ્પેક્ટૅક્યુલર હોય છે. જો એનો ચાન્સ મળે તો ડોન્ટ મિસ.
સ્થાનિકો માને છે કે કોઈ મરનારનાં અસ્થિ અહીં બાબાને સ્પર્શ કરાવ્યા બાદ દરિયામાં વિસર્જિત કરવામાં આવે તો તેમને સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
સુજ્ઞ વાચકો, આપને કસ્તુરી મૃગ વિશે જાણ હશે જ. પોતાની નાભિમાં જ સુગંધનો સાગર સમાવીને બેઠેલું મૃગ સૌરભની શોધમાં ક્યાં-ક્યાં ફરી આવે છે. એવું જ કશુંક આપણું છે. મોક્ષપ્રાપ્તિની ઝંખનામાં આપણે દેશનાં કેટકેટલાં મંદિરોએ જઈ આવ્યા, પવિત્ર નદીમાં ડૂબકીઓ પણ લગાવી પરંતુ ખુદના અંતરમનમાં ઝાંકી, પોતાનાથી થયેલાં પાપોનું ખરા દિલથી પ્રાયશ્ચિત્ત ક્યારેય ન કર્યું. સ્વના સ્વાર્થ ખાતર કરેલી લુચ્ચાઈઓ, મેલી હરકતોને કબૂલી ક્ષમા ક્યારેય ન માગી. અને જો પસ્તાવો કર્યા વિના પાંડવોને મુક્તિ ન મળે તો આપણે કોણ?
ADVERTISEMENT
ખેર, જાગ્યા ત્યારથી સવાર. હવે હૃદયનું પ્રક્ષાલન કરવા પહોંચો ભાવનગર જિલ્લાના કોળિયાક ગામથી નજીક આવેલા અરબી સમુદ્રની ગોદમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવ પાસે. કહેવાય છે કે ભક્તો અહીં તેમનાથી થયેલાં પાપો, દુષ્કૃત્યોનો એકરાર કરે અને તેમને પસ્તાવો થાય તો ભોળિયો શંભુ પ્રભુજનોને માફ કરી દે છે. ઍન્ડ આ વિશિષ્ટતાને કારણે દેશભરના તીર્થયાત્રીઓ આ દુલર્ભ સમુદ્રી મંદિરે આવે છે. અહીં શિવલિંગનું સ્થાન જેમ અદ્વિતીય છે એમ એની કથા પણ અનોખી છે. આથી કથા પર પહેલાં ગૌર ફરમાવીએ.
હસ્તિનાપુર રાજ્યનું સુકાન પોતાના હસ્તક રાખવા કૌરવોએ મામા શકુનિના કહેવાથી પાંડવો સાથે દ્યૂત ક્રીડાનું આયોજન કર્યું. એ તો જગજાહેર છે કે ચોપાટના એ ખેલમાં પાંડવો બધું હારી ગયા અને છેક એટલે સુધી કે તેમણે પોતાની પત્ની દ્રૌપદીને દાવ પર મૂકવી પડી. એ દાવ પણ ઊંધો પડ્યો અને સતી દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે કૃષ્ણ તેમના ભાઈ બનીને આવ્યા અને બહેનની ઇજ્જત બચાવી. જૂગટામાં હારવાથી પાંડવોને દેશવટો મળ્યો ને ૧૩ વર્ષ તેઓ ગુપ્ત વેશે રહ્યા. વનવાસનો કાળ પૂર્ણ થતાં હસ્તિનાપુરનું રાજ્ય મેળવવા પાંડવોએ કૌરવોની સાથે યુદ્ધ માંડ્યું. એ યુદ્ધ એટલે મહાભારત. ધર્મ અને અર્ધમની લડાઈ, ભાઈ-ભાઈ વચ્ચેનો સંગ્રામ. અગેઇન, મહાભારતના યુદ્ધની કથા પણ જગજાહેર છે. કુરુક્ષેત્રના બૅટલમાં કૌરવ કુળનો નાશ અને પાંડવોનો વિજય થયો. પાંચેય ભાઈઓ હસ્તિનાપુરમાં શાંતિ સ્થાપ્યા બાદ રાજ્યનું સુકાન અર્જુનના પુત્રને સોંપી તીર્થયાત્રાએ નીકળી ગયા. એ તીર્થાટનનો હેતુ પુણ્ય કમાવાનો તો હતો જ સાથે યુદ્ધમાં થયેલા ક્રૂર સંહારના પાપથી મુક્તિ મેળવવાનો પણ હતો. એમાંય સત્તા માટે પિતરાઈની હત્યા કરવી પડી એનું દુઃખ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલને અસહ્ય થઈ પડ્યું હતું ત્યારે તેમણે સખા અને ગુરુ એવા નારાયણ મીન્સ મુરારીની મદદ માગી. નંદલાલે પાંડવોને એક કાળી ગાય અને કાળો ધ્વજ આપ્યો. સાથે કહ્યું કે આ ગાય જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાં તમારે જવું અને જે ધરતી પર અને જ્યારે આ બ્લૅક ધ્વજ ધવલરંગી અને શ્યામ ગાય સફેદ થઈ જાય ત્યારે ત્યાં દેવોં કે દેવ મહાદેવની આરાધના કરજો, તપ-જપ કરજો. શિવજી આપના દુષ્કૃત્યને જરૂર માફ કરશે.
પાંચેય પાંડવો એ ગાય અને ધજા લઈ નીકળી પડ્યા. અનેક સ્થળોએ ગયા. ખૂબ ભ્રમણ કર્યું, દિવસો ઉપર દિવસ વીતતા હતા. દિવસો શું, હવે તો મહિનાઓ થઈ ગયા હતા. પરંતુ એ પવિત્ર સ્થાન નહોતું મળતું જ્યાં કાળી ગાય અને કાળી ધજાનો રંગ બદલાઈ જાય. જોકે ઘણો કાળ વ્યતીત થઈ ગયો છતાં પાંડુ પુત્રોને સારથિ દેવકીનંદનનાં વચનો પર શ્રદ્ધા હતી એટલે ભૂલોકની આર્ય ભૂમિ ઉપર તેઓ થાક્યા વગર ફર્યા. ફરતાં-ફરતાં તેઓ આજના ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ પાસે આવેલા નાનકડા ટાપુ પર પહોંચ્યાં અને આશ્ચર્યમ્, તેમની ગાય અને ધજા ધોળી થઈ ગઈ. જગતગુરુએ કહેવા મુજબ પાંચેય બંધુઓ અહીં જ બેસી પાર્વતી પતિના ધ્યાનમાં મગ્ન થઈ ગયા અને ગંગાધરે એ પાંડવોની ભક્તિથી પ્રસન્ન થઈ તેઓ જ્યાં બેઠા હતા એ સ્થળે લિંગરૂપે પ્રગટ થઈ પાંડવને દર્શન આપ્યાં. આમ પાંડવો પર પિતરાઈઓની હત્યાનું જે કલંક લાગ્યું હતું એ ઊતરી ગયું અને અહીં સ્વયંભૂ કાર્તિકેયનું નામ પડ્યું નિષ્કલંક મહાદેવ.
અહીં હજારથી ૧૨૦૦ સ્ક્વેર ફીટના પ્લૅટફૉર્મ પર પાંચ ભિન્ન-ભિન્ન કદનાં શિવલિંગ છે. દરેકની સામે નંદીબાબા બિરાજમાન છે. કોળિયાકના દરિયાકિનારાથી ઑલમોસ્ટ અઢીથી ત્રણ કિલોમીટર, સમુદ્રની અંદર, આભની છત અને દરિયાઈ ધરતી ઉપર સ્થિત આ મહાદેવાલયના ખૂલવાનો અને બંધ થવાનો સમય ઉદધિમાં આવતી ઓટ અને ભરતી નક્કી કરે છે. ભાટાના સમયમાં દરિયાદેવ શિવલિંગોની અર્ચના કરે છે અને જ્વારના સમયમાં ભૂલોકના માનવીઓ. મોસ્ટ્લી સવારના પાંચથી સાંજે ૬ વાગ્યા સુધી રીચેબલ આ ઓપન ઍર મંદિરમાં દીવાદાંડી અને ફ્લૅગ પોસ્ટ સમાન બે સ્ટ્રક્ચર છે. બેઉની ઉપર ધજા ફરકે છે. શ્રાવણી અમાસના દિવસે ભાવનગરનાં રાજવી કુટુંબો દ્વારા અહીં ધજારોહણ થાય છે અને ભાદરવી ઉત્સવનો પ્રારંભ થાય છે. આ ધજા ૩૬૪ દિવસ મધદરિયાની હવાની થપાટો ખાતી રહે છે, આકરો સૂર્યપ્રકાશ, વરસાદ, ખારા વાયરાઓનો સતત મારો થવા છતાં આ ધજાઓ જરાય ફાટતી કે નીકળતી નથી. એ વન મોર મહા આશ્ચર્ય છે. ઈવન ૨૦૦૧માં સમસ્ત ગુજરાતને ભરડામાં લીધેલો ભૂકંપ પણ આ ધ્વજાનો વાળ પણ વાંકો નહોતો કરી શક્યો. ભાઈ, ખુદ શંભુ જ્યારે રખોપાં કરતો હોય એને કોઈ શું કરી શકે?
શિવલિંગોની બાજુમાં એક પાંડવ તળાવ છે. દરિયાઈ રેતી, કીચડથી ખરડાયેલા રસ્તા પરથી આવતા ભક્તો આ પૉન્ડમાં હાથ-પગ ધુએ છે. ત્યાર બાદ શિવલિંગોની જળ, દૂધ, દહીં, ભસ્મ, પુષ્પ, બીલીપત્ર આદિથી પૂજા કરે છે. બારેય મહિના ભક્તોને આવરકારવા આતુર આ મંદિરની બહાર આમ તો કોઈ પુજાપો વેચતી હાટડીઓ કે વિધિવિધાન કરાવતા પંડિતો નથી હોતા. પરંતુ પર્વના દિવસોમાં પૂર્ણિમા, અમાસ, સોમવાર તેમ જ રજાના દિવસોમાં હંગામી ધોરણે અહીં સ્ટૉલ લાગી જાય છે; જેમાં પુજાપો અને પંડિત બેઉ મળી જાય છે. સોમનાથ-દ્વારકા રૂટ પર આવેલા ગંગેશ્વર મહાદેવમાં (જે પાંડવોએ સ્થાપેલાં શિવલિંગો છે) શિવલિંગ સાઇઝમાં પાંડવ ભાઈઓના કદ અને ક્રમ અનુસાર છે. એ રીતે અહીં શિવલિંગનું કદ કે ક્રમ ફિક્સ નથી. ઇન ફૅક્ટ, કયું શિવલિંગ કયા ભાઈ સમક્ષ પ્રગટ થયું એનો ઉલ્લેખ પણ નથી. જોકે આસ્થાળુઓને એ જાણવાની જરૂર નથી લાગતી. તેને મન તો શિવ સત્ય છે, શિવ સુંદર છે.
મુંબઈથી ભાવનગર જવા ડાયરેક્ટ ટ્રેનો, બસ અને ફ્લાઇટ ઉપલબ્ધ છે. તો ગોહિલવંશનું રૂડું રજવાડું ભાગનગર રાજકોટ, અમદાવાદથીયે ઝાઝું દૂર નથી. ગુજરાતના મેટ્રો સિટીમાંથી ભાગનગર માટે ટકાટક ઍરકન્ડિશન્ડ વૉલ્વો બસ બહુ રેગ્યુલર ધોરણે ચાલે છે. ભાવનગરથી કોળિયાક જવા રિક્ષા, છકડા જેવાં વાહનોની સંખ્યા બેસુમાર છે જે ૨૪ કિલોમીટરનું ડિસ્ટન્સ પોણો કલાકથી એક કલાકમાં કાપે છે અને બીજો પોણોથી એક કલાક લાગે છે બીચથી ભરવના બેસણાં સુધીની પદયાત્રાને. સુંવાળી, ભીની, પોચી, દરિયાઈ રેતીમાં પગલાં પાડતાં-પાડતાં, કાદવ-કીચડથી બચતાં, ખરડાતાં અને મનમાં પશુપતિનાથનું રટણ કરતાં-કરતાં ખૂબ ઝડપથી એ કલાક પૂર્ણ થઈ જાય છે. પછી તો પાંડવ કુંડમાં શુદ્ધિ અને મહાદેવની ભક્તિ.
રહેવા, ખાવા, પીવા માટે ભાવનગર ઇઝ બેસ્ટ ઑપ્શન. એમાંય અહીંની સોરઠી મહેમાનગતિ ટેસડો કરાવી દેશે.
પૉઇન્ટ બ્લૅન્ક
મનુષ્યોની સાથે દરિયાઈ સીગલ પણ શિવના ફૅન છે. યાયાવર બનીને આવેલાં આ પક્ષીઓ વર્ષના આઠેક મહિના અહીં રહી પડે છે, જેનું મુખ્ય કારણ છે ગુજરાતી ફરસાણનો ચસકો. હા, એમને આપક્ણાં ગાંઠિયા, ચવાણું એટલાં પ્રિય છે કે તમે હજી તો મૂઠો ભરીને નાખો ને બીજી સેકન્ડે સ્વાહા.
દીવાદાંડી જેવા સ્ટ્રક્ચરની નીચે હનુમાન દાદાને બિરાજિત કરાયા છે. જોકે એ અર્વાચીન છે પણ દર શનિવારે એનાં દર્શન માટે મોટી સંખ્યામાં આસ્થાળુઓ અહીં આવે છે.
ભાવનગરના રાજવી કુટુંબ દ્વારા ફરકાવાતી ધ્વજાનો શેપ એકદમ અનયુઝ્અલ છે. લંબચોરસ આકાર અને અવનવા કલરની આ ધજા ભરતી વખતે આખા વિસ્તારને મેઘધનુષી બનાવી દે છે.
ભાવનગરમાં નિષ્કલંક મહાદેવ ઉપરાંત વિક્ટોરિયા પાર્ક, નજીકમાં આવેલો બ્લૅકબક (કાળિયાર) નૅશનલ પાર્ક, તખતેશ્વર ટેમ્પલ પણ દર્શનીય.


