હવે તો ટ્યૂબ-બેબીની વાતો પણ થવા લાગી છે કે એ રીતે બાળકને જન્મ આપી શકાય છે. તો, ધર્મની જરૂર ક્યાં રહી?
પ્રતીકાત્મક તસવીર
ધર્મની અનિવાર્યતા શું? તમારી જરૂરિયાત માટે તમને કોઈ કશી પૂછપરછ નથી થતી. અરે! જવા દો, પેટ્રોલ પમ્પ, રેસ્ટોરાં, વિમાન અને સિનેમાઘર, એને છોડો; એ બધું રાગાત્મક છે. ગંગાજીના કિનારે તમે જાઓ તો શું તમને ગંગાજી એવું પૂછે છે કે તું ધાર્મિક છો કે અધાર્મિક? તું ધર્મનું પાલન નથી કરતો માટે તને નહાવા નહીં દઉં? અરે...! ગંગાજી પણ તમારી એવી કોઈ તપાસ નથી કરતી, તો આ આખુંયે જીવન ધર્મ વગર ચાલે છે તો પછી ધર્મની જરૂર શા માટે પડે છે? તમારે ધર્મની જરૂર ક્યાં પડે છે? હા, હવે તો લગ્ન પણ ધર્મ વગર અદાલતમાં થઈ જાય છે. અરે...! અદાલતમાં ન જાઓ; બસ, એમ જ બે મનનું મિલન થઈ ગયું અને બન્ને સાથે મળીને જીવન જીવવા લાગ્યાં. આમાં ધર્મની જરૂર ક્યાં પડે છે?
તમારી સામે જમવા માટે થાળી આવી, શું અન્નદેવતા તમને એમ કહે છે કે તું ધાર્મિક નથી એથી હું તારા મોઢામાં નહીં આવું અને જો આવીશ તો તને ભોજનનો સ્વાદ નહીં લેવા દઉં? આવો કોઈ પ્રશ્ન તો ઊઠતો જ નથી.
ADVERTISEMENT
તમે કથામાં આવો છો ત્યારે શું કોઈ તમને એવું કહે છે કે અહીં સત્સંગ ચાલે છે તો પેન્ટ પહેરીને કેમ આવ્યા, પીતાંબર પહેરીને આવો. કથામાં શું તમારી તપાસ કરવામાં આવે છે કે તમે કાંઈ પીઓ છો કે નહીં, તમે કાંઈ એવું ખાઓ છો? નહીં... તમને એવું બધું પૂછવામાં નથી આવતું. જ્યારે આ બધું ધર્મ વગર ચાલે છે તો પછી ધર્મ શા માટે જરૂરી છે? જીવનમાં ધર્મની જરૂર ક્યાં પડે છે?
ધર્મની જરૂર એટલા માટે પડે છે કે આ બધું ચાલતું હોવા છતાં, બધું બરાબર લાગે છે એમ છતાં ધર્મ વગર આપણી માનસિક સ્થિતિ, કૌટુંબિક પરિસ્થિતિ, સમાજની વ્યવસ્થા અને સમગ્ર વિશ્વનું સંચાલન બગડી શકે છે, ઠપ થઈ જાય એવું બની શકે. આ બધું જ ધર્મ વગર ભયંકર થઈ શકે છે. ધર્મ વગર તમે લગ્ન કરી શકો, પરંતુ ધર્મની જરૂર એટલા માટે પડે કે સ્ત્રી એવું સમજે આ મારો પતિ છે. પતિ પણ એ સમજે કે આ મારી પત્ની છે. અહીં તમારે ધર્મની જરૂર પડે. બાળકો તો એમ જ જન્મી જશે, ત્યાં ધર્મની જરૂર નથી. તમે જુઓ તો ગમે એ સમયે, કોઈ પણ દિવસે, કોઈ પણ મુહૂર્તમાં તમારો સંસાર ભોગવો, બીજું કાંઈ પણ ન જુઓ તો પણ બાળકનો જન્મ થઈ શકે છે. હવે તો ટ્યૂબ-બેબીની વાતો પણ થવા લાગી છે કે એ રીતે બાળકને જન્મ આપી શકાય છે. તો, ધર્મની જરૂર ક્યાં રહી?
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)