Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ચાલો, એકતા કપૂર અને કૅટરિના કૈફ જ્યાં માથું ટેકવા ગઈ હતી એ બન્ને મંદિરની સફરે

ચાલો, એકતા કપૂર અને કૅટરિના કૈફ જ્યાં માથું ટેકવા ગઈ હતી એ બન્ને મંદિરની સફરે

28 July, 2024 08:50 AM IST | Mumbai
Alpa Nirmal

તુલુનાડુ તરીકે પ્રખ્યાત મૅન્ગલોર નજીક આવેલાં કોરાગજ્જા સ્વામી મંદિર તેમ જ શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર વિશે આપણને બહુ જાણ નથી, પરંતુ સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકો ઉપરાંત સ્થાનિક લોકોમાં એ ખાસ્સાં પ્રિય છે. જાણીએ આ બન્ને મંદિરોની ઐતિહાસિક રસપ્રદ કથા

શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર

તીર્થાટન

શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર


મૅનહટન હોય કે મુંબઈ, મદુરાઈ હોય કે મુઝફ્ફરપુર, ક્યાંયનાય સિનેરસિકોને ફિલ્મ-અભિનેતા અને અભિનેત્રીઓ શું કરે છે, ક્યાં ખાય છે, ક્યાં જાય છે એ જાણવામાં બહુ રસ પડે છે. અરે, ફક્ત ફિલ્મી ફૅન જ કેમ! હવે ફિલ્મસ્ટાર્સ સામેથી મીડિયા, સોશ્યલ મીડિયામાં જણાવે છે કે અમે આમ કર્યું અને અહીં ગયા હતા. આથી નૉર્મલ આમ આદમીને પણ ઍક્ટરોની દરેક નવા-જૂનીની જાણ સહજતાથી થઈ જાય છે. અમારી જ વાત કરોને, થોડા દિવસ પહેલાં જ તમે ‘મિડ-ડે’માં વાંચ્યું હશે કે કૅટરિના તેના બર્થ-ડે પહેલાં મૅન્ગલોરના કોરાગજ્જા મંદિર ગઈ હતી. એ પછી થોડા સમય બાદ સમાચાર વાંચ્યા કે એકતા કપૂરે પણ મૅન્ગલોરના શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ બેઉ મંદિરો અમારે માટે અજાણ્યાં હતાં, પણ તીર્થપ્રેમી હોવાને કારણે થોડી છાનબીન કરી તો જાણવા મળ્યું કે આ બેઉ મંદિરોમાં તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકો અવારનવાર દર્શનાર્થે જાય છે, એટલું જ નહીં, અહીંના સ્થાનિક લોકોમાં પણ આ દેવળ શ્રદ્ધાનાં સ્થાન છે. ઍન્ડ યુ નો, બીજી ઇમ્પોર્ટન્ટ વાત આ બોથ ધાર્મિક સ્થળો એકબીજાથી કરીબ-કરીબ જ છે.


વેલ, ફક્ત એક જ ટિકિટમાં જો આ બેઉ ફેમસ મંદિરોમાં જવાતું હોય તો ચાન્સ ન છોડાય. સો, તીર્થાટનપ્રેમીઓ આજે આપણે જઈએ માતા દુર્ગા પરમેશ્વરીના સ્વયંભૂ સ્વરૂપને પાય લાગવા અને એ પછી દ્રવિડ કુળના પૂર્વજ કોરાગજ્જાસ્વામીથી રૂબરૂ થવા.



શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર : મૅન્ગલોર સિટીના આઉટસ્કર્ટમાં કલ નામે એક નગર છે. આ આખો વિસ્તાર હિન્દુ ટેમ્પલ ટાઉન તરીકે જાણીતો છે. પ્રાચીન સમયમાં કનકગિરિ તરીકે ઓળખાતું આ ટાઉન નંદિની નદીના તટ પર છે અને આ નંદિની અહીં જ અરબી સમુદ્રને મળે છે. તુલુ ભાષામાં કાટી મીન્સ કેન્દ્ર અને ઇલા મતલબ ભૂમિ. કાટી+ઇલા = કટિલ જેને સ્થાનિક લોકો કટિલુ પણ કહે છે. ઉડિપીથી ૪૩ કિલોમીટર, મૅન્ગલોરથી ૧૯ કિલોમીટર અને મુડબિદ્રીથી ૧૬ કિલોમીટરના અંતરે આવેલા આ શહેરની નજીક એક ટાપુ પર દેવી દુર્ગા પરમેશ્વરી બિરાજે છે.


આ મૂર્તિના ઉદ્ગમની કથા પુરાણકાળ સાથે સંકળાયેલી છે. કહેવાય છે કે આ વિસ્તારમાં અરુણાસુર નામનો દૈત્ય રહેતો હતો. તેણે કઠિન તપોસાધના કરીને બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું હતું કે તેને સૃષ્ટિના કોઈ પણ બેપગા (મનુષ્ય, દેવ, રાક્ષસ આદિ) કે ચારપગા (પ્રાણી) નહીં મારી શકે. આવી વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કરી એ દાનવે ધરતી પર તબાહી મચાવી દીધી હતી. તે પછી તપસ્વી, ઋષિ, દેવોને રંજાડતો અને સામાન્ય માનવોને હેરાન કરતો. અરે પ્રાણીઓને પણ તેણે છોડ્યાં નહોતાં. વિશેષ વરદાનને કારણે તે બેફામ બની ગયો હતો ત્યારે શક્તિ સ્વરૂપ દેવી દુર્ગા તેનો નાશ કરવા આ એરિયામાં એક ચટ્ટાન રૂપે પ્રગટ થયાં. અરુણાસુરે મદમાં એ ચટ્ટાનને તોડવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી મધમાખીઓની આખી સેના બહાર આવી ગઈ, જેણે અરુણાસુરને ડંખ મારી-મારીને મારી નાખ્યો. હવે, વિચાર કરીએ તો મધમાખીને નથી બે પગ, નથી ચાર પગ, એને છે છ પગ છતાં એના ઘા જીવલેણ બની શકે છે. બસ, એ જ દેવી દુર્ગાની ટ્રિક હતી.


અરુણાસુરના વધ બાદ ઋષિમુનિઓ અને સંતોએ પેલી દૈવીય ચટ્ટાનની વિશેષ પૂજા કરી અને કટિલુમાં દુર્ગા પરમેશ્વરી મંદિરની સ્થાપના કરી.

ચૈત્ર અને શારદીય નવરાત્રિ દરમ્યાન અહીં લાખો માઈભક્તો દર્શનાર્થે આવે છે. એ ઉપરાંત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં (નક્ષત્ર અનુસાર) યોજાતા બ્રહ્મોત્સવ વખતે તો આખું કટિલુ માતાના જયઘોષ નાદથી ગુંજી ઊઠે છે. માતાજીનું સ્વરૂપ તો ખરું જ, એ સાથે અહીંનું ભૌગોલિક સ્થાન પણ અતિ સુંદર છે. એના છેડા છેક વૈવસ્વત મન્વન્તરના અઠ્યાવીસમા યુગના જાબાલિ ઋષિ સાથે જોડાયેલા છે. તેમણે જ તેમના તપોબળથી સાવ સૂકી દુષ્કાળગ્રસ્ત અહીંની ધરતીને નંદનવન બનાવી છે અને તેમણે જ નંદિની નદીને અહીં પ્રગટ કરી છે. નંદિની નદીની કથા અને માહાત્મ્ય પણ ઇન્ટરેસ્ટિંગ છે, જે અહીં આવીને જરૂર જાણજો. તો શુંભ-નિશુંભના બૉસ છતાં ગાયત્રીના ઉપાસક અને સાત્ત્વિક અરુણાસુરના પૂર્વાશ્રમની સ્ટોરી પણ મજાની છે, જે મંદિરની પુસ્તિકામાં વાંચવા મળશે.

સપ્તાહના સાતેય દિવસ મળસકે સાડાપાંચથી રાતે સાડાનવ વાગ્યા (એ પરથી અંદાજ લગાવો કે દરરોજ અહીં કેટલા ભક્તો આવતા હશે) સુધી ખુલ્લું રહેતું આ મંદિર શુક્રવારે રાતે સાડાદસ વાગ્યે મંગલ થાય છે. સમયે-સમયે માતાને અભિષેક, કુમકુમ અર્ચના, ભોગ, આરતી, શણગાર વગેરે પૂજા થાય છે. ભક્તો બહુ સ્મૉલ અનુદાન આપીને એ પૂજા વગેરેના દાતા બની શકે છે. બેઉ સમયે માતાને ચડાવાતો ભોગ ભક્તોમાં ફ્રી પ્રસાદમ તરીકે વહેંચાય છે જે જમણવાર જેવો જ હોય છે. નવરાત્રિ તેમ જ ઉત્સવોના દિવસોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું આ કાષ્ઠ અને પથ્થરનું વિશાળ મંદિર મધરાત સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે.

કોરાગજ્જા સ્વામી મંદિર : મંદિરના મહંતે જણાવ્યા મુજબ કોઈનું કાંઈ ખોવાઈ ગયું હોય, કોઈને મોટી સમસ્યા હોય કે કોઈને બહુ વિરાટ કે અઘરું કામ કરવું હોય એ પૂર્વે ભક્તો અહીં આવે છે. કોરાગાથનિયા દેવતાનાં દર્શન કરે છે, ભોગ ચડાવે છે, માનતા માને છે. હવે મિસિસ વિકી કૌશલ આમાંના કયા કારણસર ત્યાં ગયાં એ તો સ્વામી જાણે, પણ મંદિરની ઑફિશ્યલ વેબસાઇટ કહે છે કે મે મહિનામાં શિલ્પા શેટ્ટી પણ તેની મમ્મી સાથે અહીં આવી હતી.

ખેર, આપણને શું? આપણે તો મૅન્ગલોર આવ્યા છીએ તો જઈએ કોરાગજ્જા બાપુને પાય લાગવા, પણ જોજો કે તમારી સાથે મહિલાઓ હોય તો અહીં સાંજે સાડાછ વાગ્યા પહેલાં જજો. કારણ કે સાંજે સાડાછથી સવારે સાડાછ સુધી કોરાગાથાનીય દેવનાં સાતેય આદિ સ્થળોએ મહિલાઓનો પ્રવેશ વર્જિત છે.

આગળ કહ્યું એમ, કોરાગજ્જા દ્રવિડ કુળના પૂર્વજ છે. તો બીજા કેમ તેમનાં દર્શન કરે? પરંતુ સનાતન ધર્મમાં અનેક કિંવદંતી છે કે માનવમૂળની વ્યક્તિઓ જે અન્યાય અને અસમાનતા સામે લડાઈ લડી છે તેઓ પણ પૂજનીય દેવ છે. ઘણા કેસમાં આવા માનવોને ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન અને શક્તિઓ પણ પ્રાપ્ત થઈ હોય છે. જે શક્તિઓ વડે તેમણે સૃષ્ટિનું, મનુષ્યનું કલ્યાણ કર્યું હોય છે અને અનેક સદીઓ બાદ પણ તેમની આ શક્તિઓ જાગ્રત હોય છે અને તેમનાં સ્મરણ, દર્શન કે પૂજાથી જાતકોનાં જે-તે સંકટ ટળે છે.

ખેર, કોઈ આ વાતને ન પણ માને, તેમને શ્રદ્ધા ન પણ બેસે, પરંતુ આપણે અહીં એ પંચાત નથી માંડવી. આપણે જાણીએ કોરાગજ્જા કોણ હતા? લગભગ ૧૩મી-૧૪મી સદીના સમયમાં તુલુનાડુ કહેવાતા આ રાજ્યમાં કોરગા નામે બાળકનો જન્મ થયો હતો. એ શિશુ હજી તો મહિનાનું થયું ત્યાં તેની માતાનો દેહાંત થયો. હજી તો બાળપણ વીતે નહીં એ પહેલાં પિતા પણ પરલોક સિધાવી ગયા. એકલો અનાથ બાળક દુઃખમાં એવો વિહ્‍વળ થઈ ગયો કે તેણે તેનું ઘર છોડ્યું, ગામ છોડ્યું, સમાજ છોડ્યો અને ચાલતાં-ચાલતાં સાવ અજાણી ભૂમિ પર પહોંચી ગયો. ચાર-પાંચ વર્ષની ઉંમર, ન કોઈ કામ આવડે, ન કાંઈ ભાન પડે. ભૂખ લાગે તો ભાત સમજીને રેતી ખાય. તરસ લાગે તો નારિયેળપાણી સમજીને જંગલી ફળોનો રસ પીએ. એકલાઅટૂલા અને મનોરોગી જેવા થઈ ગયેલા આ છોકરાને એક દિવસ ત્યાંથી પસાર થતી તાડી વેચતી બહેને જોયો. મહિલાને જોતાં બાળ ભાગ્યો અને ઝાડીઓની પાછળ છુપાઈ ગયો. મહિલાએ તેને બોલાવ્યો, ખાવાનું કહ્યું, પણ બાળકે કહ્યું કે તેની પાસે વસ્ત્રો નથી એટલે તે બહાર નહીં આવે ત્યારે એ દયાવાન મહિલાએ તાડીના માટલા પર ઢાંકેલું વસ્ત્ર તેને પહેરવા આપ્યું અને ક્ષુધા સંતોષવા તાડી આપી. બાળક આટલો સ્નેહ જોઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો અને પેલી મહિલાને પોતાની આપવીતી કહી. એ તાડીવાળી બહેન દયાવશ તેને પોતાના ઘરે લઈ ગઈ અને રાખ્યો. કોરગા ત્યાં રહેતો અને બહેનને કામમાં પોતાનાથી થાય એવી મદદ કરતો. કોરગા પણ ખુશ હતો અને પેલાં બહેન પણ ખુશ હતાં, કારણ કે કોરગા આવ્યા બાદ તેના ધંધામાં વૃદ્ધિ થઈ હતી અને સમૃદ્ધિ વધી હતી. એક વખત ગામના મંદિરમાં ઉત્સવ દરમ્યાન એ મહિલાને ભગવાનને ધરાવવા માટે ભેટ-સામગ્રી મોકલાવવી હતી. ચોખા, નારિયેળ, માછલી સહિત આ સામાન ૭ માણસો ઊંચકે એટલા મોટા પ્રમાણમાં હતો. એ માણસો આવ્યા નહીં આથી કોરગાએ કહ્યું કે હું આ સામગ્રી મંદિરમાં લઈ જઈશ અને સાત વર્ષનો બાળક એટલું બધું ઉપાડીને ગામના મંદિરે પહોંચ્યો. મંદિરના પૂજારીએ તેને જોયો એટલે સામાન મૂકીને તેને મંદિરની બહાર નીકળી જવા કહ્યું, કારણ કે તે નીચા વર્ગનો હતો. આ વાત કોરગાને ખટકી. છતાં પૂજારીની આજ્ઞા માનીને તે દેવાલયની બહાર ઊભો રહ્યો. ઊભાં-ઊભાં તેણે જોયું કે મંદિરની ઉપર લીંબોડી છે જેમાં સેંકડો લીંબુ છે. તેને યાદ આવ્યું કે પેલી મહિલાએ એ જ દિવસે કહ્યું હતું કે અથાણું ખલાસ થઈ ગયું છે અને લીંબુ લાવવાનાં છે. આથી લીંબુ લેવા કોરગા ઝાડ પર ચડ્યો, પણ લીંબુ સુધી તેનો હાથ ન પહોંચતાં તે હજી આગળ વધ્યો અને ભૂલથી તેનો પગ મંદિરના કળશ પર પડ્યો. એ જાણી મંદિરના દેવ ક્રોધિત થઈ ગયા અને તેમણે કોરગાને અદૃશ્ય કરી નાખ્યો.

અહીં જોકે કોરગાના અંત વિશે મતમતાંતર છે, પણ ત્યારથી આ કોરગા જ્યાં જે રૂપે અન્યાય થતો ત્યાં એક અદૃશ્ય શક્તિ સ્વરૂપે હાજર થતા અને અન્યાયનો બદલો લેતા. આને કારણે તેમનું નામ પડ્યું કોરાગજ્જા દેવ. તુલુ ભાષામાં અજ્જા મીન્સ વડીલ. એ જ વિસ્તારમાં તેઓ ૭ ભિન્ન સ્થળે, ૭ અલગ નામે પ્રગટ થયા અને એ સાતેસાત સ્થળોએ તેમની પૂજા થાય છે. જોકે ક્યાંય તેમની મૂર્તિ નથી, પરંતુ અલગ-અલગ ઑબ્જેક્ટ (ઘંટ, ગદા, લાકડી, મુગટ) સ્વરૂપે કોરાગાથનિયા સ્થાપિત છે. આ દેવને ભોગ પણ ડિફરન્ટ ચડે છે. અહીં તાડી, સોપારી અથવા પાનના બીડામાં સોપારીનો ભૂકો, ચકરી (ફરસાણ) ઑફર થાય છે. એ જ રીતે અહીં દેવને રીઝવવા તેમ જ તેમના માનમાં થતો કોલા ઉત્સવ (નાચ-ગાન) પણ બહુ ડિફરન્ટ છે.

કોરાગજ્જાના પ્રાગટ્ય વિશે અનેક કહાનીઓ છે. અમુક સમુદાયના મતે સ્થાનિક લોકોની પ્રાર્થનાને અનુલક્ષીને ભગવાન શિવ અહીં આતંકી અંદાસુરનો નાશ કરવા કોરાગજ્જાના રૂપમાં પ્રગટ થયા હતા, તો કોઈ કોરગાને ભોલેનાથનું સ્વરૂપ કહે છે. સો, સચ્ચાઈ જે હોય એ. કોરાગજ્જાની પૂજા તુલુનાડુના લોકો માટે મહત્ત્વપૂર્ણ સંસ્કૃતિ છે. લોકો કહે છે કે આ મંદિરની વિઝિટ માત્રથી વ્યક્તિની નેગેટિવિટી દૂર થઈ તેનામાં સકારાત્મકતાનો સંચાર થાય છે. આથી જ હવે દ્રવિડિયન્સ જ નહીં દરેક કાસ્ટ, રિલિજિયનના લોકો આ હૉલીસ્પિરિટના અસ્તિત્વને પૂજે છે. મંદિર સવારે સાડાપાંચ વાગ્યાથી સાંજ સુધી ખુલ્લું રહે છે અને ગણેશચતુર્થીએ અહીં ભારે ધામધૂમ હોય છે.

મુંબઈથી મૅન્ગલોર કે ઉડિપી પહોંચવું સાવ સરળ છે. અહીંથી ટ્રેનો અને ફ્લાઇટ્સના અઢળક ઑપ્શન છે. રહેવા માટે પણ બેઉ સિટી ઉપરાંત મુડબિદ્રીમાં અનેક રિસૉર્ટ, હેરિટેજ સ્ટે, હોટેલ્સ તેમ જ ગેસ્ટહાઉસ છે. કટિલુમાં તો માતાના મઢના પરિસરમાં પણ આવાસો છે. જમવાની વાત કરીએ તો દુનિયાઆખીમાં હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ખ્યાતનામ બનેલા ઉડિપીની સિગ્નેચર ડિશો (ઇડલી, વડાં, ઢોસા, ઉત્તપ્પા) અહીં બધે મળી રહે છે. મૅન્ગલોરી લંચમાં કાચાં કેળાંની ભાજી, ફણસનાં ભજિયાં કે ચિપ્સ, કેળાંની પૂરી મજેદાર બની રહેશે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

- કોરાગજ્જા સ્વામીનું મુખ્ય મંદિર આદિસ્થલ કુથારમાં છે જે મૅન્ગલોર જંક્શન રેલવે-સ્ટેશનથી ફક્ત ૧૦ કિલોમીટરના અંતરે છે. રિક્ષા દ્વારા જઈ શકાય છે. ઍન્ડ કુથાર ટુ કટિલુ ઇઝ ૩૧ કિલોમીટર, એટલે જો તમારે એક દિવસમાં બેઉ મંદિરમાં દર્શન કરવાં હોય તો મૅન્ગલોરથી પહેલાં કુથાર ને ત્યાંથી કટિલુ જઈ શકાય.

- શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિર ટ્રસ્ટ હેઠળ વિદ્યાદાન, અન્નદાનના અનુઠા કાર્યક્રમ ચાલે છે. મંદિર સંચાલિત શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે. યુ કૅન વિઝિટ ધિસ.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2024 08:50 AM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK