ઉત્તર પ્રદેશ, બિહાર તેમ જ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરવાચૌથ તથા વટસાવિત્રીની જેમ પતિના દીર્ઘ આયુષ્ય માટે સીતાનવમી કરવાની પરંપરા છે. કહેવાય છે કે મહાલક્ષ્મીજીના અવતાર સીતામાતાનું વ્રત કરવાથી સૌભાગ્ય તથા સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે
લવ-કુશ જન્મભૂમિ મંદિર
સીતામાતાનું ઓરિજિનલ જન્મસ્થળ કયું એ માટે જેમ વિવાદ ચાલે છે એનાથીયે વધારે અસમંજસ સીતા સમાહિત સ્થળ અને લવ-કુશની જન્મભૂમિ વિશે છે. ધર્મગ્રંથો અનુસાર શ્રી રામે ધોબીના કહેવાથી સગર્ભા પત્નીનો ત્યાગ કર્યો અને લક્ષ્મણ તેમને જંગલમાં કે વાલ્મીકિના આશ્રમમાં મૂકી આવ્યા એવો ઉલ્લેખ એકસમાન છે, પણ વાલ્મીકિનો એ આશ્રમ કે જંગલ કયું એ સ્થળના પંદરથી વધુ દાવેદાર છે. પંજાબ-હરિયાણાની બૉર્ડર પાસે, રાજસ્થાન-મધ્ય પ્રદેશની સીમાને લાગીને, એ સિવાય મધ્ય પ્રદેશમાં બીજી બે જગ્યાએ, છત્તીસગઢમાં, બિહારમાં બે જગ્યાએ અને ઉત્તર પ્રદેશમાં તો ચારથી વધુ સ્થાનને સીતા સમાહિત સ્થળ માનવામાં આવે છે.



