જન્મ, જીવન ને મૃત્યુ તમામ જીવોના જીવનની સામાન્ય ઘટનાઓ છે અને એટલે જ માણસ જે ક્ષણે બાળકના રૂપમાં આ સૃષ્ટિ ઉપર જન્મે છે એ જ ક્ષણથી તેના સંબંધો બનવાનું શરૂ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
જન્મ, જીવન ને મૃત્યુ તમામ જીવોના જીવનની સામાન્ય ઘટનાઓ છે અને એટલે જ માણસ જે ક્ષણે બાળકના રૂપમાં આ સૃષ્ટિ ઉપર જન્મે છે એ જ ક્ષણથી તેના સંબંધો બનવાનું શરૂ થાય છે. સર્વપ્રથમ તો જેની કૂખે તે જન્મે છે તે સ્ત્રી તેની ‘મા’ કહેવાય છે અને તેનો પતિ ‘પિતા’ કહેવાય છે. ત્યાર બાદ તો જેમ-જેમ બાળક મોટો થાય છે તેમ-તેમ સંબંધોની જાણે શૃંખલા બનતી જાય છે. આ બધા જ સંબંધો આમ તો દૈહિક સંબંધ હોય છે અને એમનું પોતાનું આગવું મહત્ત્વ પણ હોય છે અને જવાબદારી તેમ જ અધિકાર પણ હોય છે પરંતુ આ ઉપરાંત પણ ઘણા અન્ય પ્રકારના સંબંધો હોય છે જેને સમજવા જરૂરી છે. દાખલા તરીકે જેમની સાથે વ્યક્તિ રમે છે, મિત્રભાવે હળે-મળે છે એને મૈત્રીપૂર્ણ સંબંધો; એવી જ રીતે જેઓ એકસાથે ભણે છે અથવા એક ગુરુના શિષ્ય હોય છે, તેમને સહાધ્યાયી અથવા ગુરુભાઈ કહેવામાં આવે છે. આ બધા સંબંધો વિશે વાત કરવા પાછળનો મૂળ ભાવ એ સિદ્ધ કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ સંસારમાં એકલી કે સદાને માટે અકર્મણ્ય રહી નથી શકતી, અતઃ અન્યો સાથે તેના કોઈક ને કોઈક રીતે સંબંધ તો બને જ છે કારણ કે સંસારમાં રહીને સંબંધો વિના કર્મ કે જીવન જાણે અસંભવ બની જાય છે અને માણસની ફરજ, જવાબદારી તેમ જ અધિકાર વગેરે પણ આ સંબંધો પર જ આધારિત હોય છે. દાખલા તરીકે પુત્રને પિતા દ્વારા પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવી, પત્નીને પતિ દ્વારા રક્ષણ તેમ જ અન્ય સુખ-સુવિધા પ્રાપ્ત થવી વગેરે આ સંબંધો પર જ આધારિત છે. અને એટલે જ એવું જોવામાં આવે છે કે આપણે સહુ સંબંધોને અનુરૂપ જ કર્મ કરીએ છીએ અને કર્મો પર આશ્રિત જ આપણા સંબંધ હોય છે. અર્થાત્ આપણા વર્તમાન કર્મ આપણા ભવિષ્યના સંબંધોના નિર્માતા હોય છે. યાદ રહે! કર્મ અને સંબંધ આપણા જીવનનાં મૂળભૂત સત્ય છે અને આપણાં સુખ-દુઃખ પણ એમની સાથે જોડાયેલાં હોય છે. અતઃ એમના અસ્તિત્વને ન માનવું અથવા તો એમને મિથ્યા માનવું વાસ્તવમાં મિથ્યા દર્શન છે. જે રીતે આ જગત સત્ય છે એમ આત્મા પણ સત્ય છે અને સંબંધ તથા કર્મ પણ આપણા જીવન સાથે જોડાયેલાં છે અને એમને શ્રેષ્ઠ બનાવવાં એ જ નિજ જ્ઞાન છે. નૈતિક, સામાજિક કે આધ્યાત્મિક મૂલ્યો એને માટે જ છે. દૈવી ગુણોની ધારણાની આવશ્યકતા પણ સંબંધો અને કર્મમાં દિવ્યતા લાવવાને માટે જ છે. યોગાભ્યાસની આવશ્યકતા પણ એમને સાત્ત્વિક, સ્નેહયુક્ત અને શક્તિશાળી બનાવવાને માટે તેમ જ કર્મબંધનથી મુક્ત થવાને માટે જ છે. અતઃ આપણે આ વિધિને શીખીને તેમ જ એમનો અભ્યાસ કરતા સમયે એ ધ્યાન રાખીએ કે આપણા સંબંધ ‘બંધન’ ન બને અને આપણાં કર્મ ‘વિકર્મ’ની શ્રેણીનાં ન હોય.

