Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આવો ગણેશભક્ત કદી નહીં જોયો હોય તમે

આવો ગણેશભક્ત કદી નહીં જોયો હોય તમે

17 September, 2021 07:23 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

કાંદિવલીનો ૧૭ વર્ષનો યશ રાજગરિયા ગજાનનનો એટલો જબરો ફૅન છે કે તેના ઘરમાં લગભગ ૧૫૦થી વધુ ગણરાયાનું કલેક્શન કર્યું છે. દર વર્ષે જીદ કરીને નવા ગણેશજીની પધરામણી તેના ઘરે થાય અને કદી એનું વિસર્જન થતું નથી

ચાર-પાંચ વર્ષની ઉંમરે કાંદિવલીના યશ રાજગરિયાને રસ્તા પરના પંડાલોમાં બનતી મૂર્તિઓ જોવાનું અને ઘરે લઈ આવવાનું બહુ ગમતું

ચાર-પાંચ વર્ષની ઉંમરે કાંદિવલીના યશ રાજગરિયાને રસ્તા પરના પંડાલોમાં બનતી મૂર્તિઓ જોવાનું અને ઘરે લઈ આવવાનું બહુ ગમતું


જે ઉંમરે બાળકો જાતજાતની ગેમ કે ટૉય કાર અપાવવા માટે જીદ પકડે એ ઉંમરે કાંદિવલીનો યશ ગણેશજીની મૂર્તિ લેવા માટે જીદ કરતો. ચાર-પાંચ વર્ષની ઉંમરે કાંદિવલીના યશ રાજગરિયાને રસ્તા પરના પંડાલોમાં બનતી મૂર્તિઓ જોવાનું અને ઘરે લઈ આવવાનું બહુ ગમતું. પહેલાં એક-બે મૂર્તિ તો મમ્મી-પપ્પાએ એમ જ લાવી આપી, પણ પછી થયું કે દીકરો ગણેશજીની જ મૂર્તિઓ કેમ ભેગી કરે છે? યશનું હુલામણું નામ ક્રિષ્ના છે અને ફ્રેન્ડ્સ કે સોસાયટીમાં બધા તેને ક્રિષ્ના તરીકે જ ઓળખે છે. દીકરાનો ગણેશ પ્રત્યેનો લગાવ ક્યારથી જોવા મળેલો એની વાત કરતાં તેનાં મમ્મી અનીતાબહેન કહે છે, ‘મારા દીકરાને ગણેશજી કેમ આટલા ગમે છે એ ખબર નથી, પણ છેક બાળપણથી આવું છે. તેને ક્યાંક પણ ગણેશજીની મૂર્તિ ગમી જાય તો એ તેને લેવી જ હોય. બીજા કશાય માટે તેણે આજ દિન સુધી જીદ નથી કરી. હું તેને પંડાલોથી દૂર મૉલમાં ફરવા લઈ જતી તો ત્યાં પણ તે ફરતા-ફરતા કોઈ શોરૂમમાં જઈને ગણેશની મૂર્તિ પાસે જઈને જ ઊભો રહી જાય. એટલે પછી અમે તેને કહ્યું કે જો ગમતા ગણેશ લાવવા હોય તો એ તારે અર્ન કરવા પડશે. અમુક એક્ઝામમાં સારા માર્ક્સ આવશે કે કોઈ ઍક્ટિવિટીમાં સારું પર્ફોર્મ કરશે તો ગણેશજી લાવી આપીશું. એમ કરતાં કંઈ પણ સારું થાય એટલે અમારે ત્યાં ગણેશની મૂર્તિ આવે જ આવે. સાચું કહું તો મને તો બધી જ ગણેશની મૂર્તિઓ લગભગ એક જેવી જ લાગે, પણ ક્રિષ્ના એ દરેકની જુદી લાક્ષણિતાઓને તારવી આપે.’
રૂમ ભરીને કલેક્શન
અનાયાસે જ શરૂ થયેલું ગણેશનું કલેક્શન હવે એટલું મોટું થઈ ગયું છે કે ન પૂછો વાત. ઘરની એક રૂમમાં લગભગ ૧૫૦થી વધુ મૂર્તિઓ સજાવેલી છે એમ જણાવતાં અનીતાબહેન કહે છે, ‘પહેલાં એક રૅક બનાવેલો જેના પર મૂર્તિઓ મૂકતા. એ ભરાઈ ગયો એટલે બીજો રૅક બનાવ્યો. એમ રૅક પર રૅક બનતા ગયા અને હવે એક આખી રૂમની બે દીવાલો ગણેશની મૂર્તિઓથી ભરાઈ ગઈ છે. આ રૂમની સાફસફાઈ પણ મારો દીકરો બીજા કોઈને કરવા ન દે. તેની મૂર્તિને કંઈ ન થવું જોઈએ. મૂર્તિઓ પર ધૂળ તો તેને 
ચાલે જ નહીં, રૂમ પણ તે જાતે જ 
સાફ કરે. બારેમાસ ગણપતિની મૂર્તિઓ સાથે ગાળ્યા છતાં ગણેશોત્સવ 
આવે એના ત્રણ મહિના પહેલાંથી આ વખતે કેવી મૂર્તિ લાવીશું ને કેવી 
થીમ રાખીશું એનું બ્રેઇનસ્ટૉર્મિંગ શરૂ થઈ જાય.’
દરેક ગણેશનું જુદું સ્વરૂપ
પાંચ-દસ મૂર્તિઓ સાથે પડી હોય તો આપણને દરેક ગણેશમાં શું ફરક છે એની બહુ ખબર ન પડે, પણ ક્રિષ્નાને એ તરત જ પરખાય. ક્રિષ્ના કહે છે, ‘બધા કહે છે કે ગણેશની મૂર્તિઓ તો બધી સરખી જ હોય, પણ ના એવું નથી. મારી પાસે જેટલી પણ મૂર્તિ છે એ દરેક યુનિક છે. એકેય તમને સિમિલર નહીં મળે. દરેકની પોતાની ખાસિયત છે. નાનો હતો ત્યારે બાંગુરનગર અને મહાવીરનગર પાસેના ગણેશ પંડાલોમાં મૂર્તિ બનતી હોય એ જોતો. કોઈ પણ સારો ઓકેઝન આવે એટલે મેં નક્કી કરેલું જ હોય કે મને પસંદ આવે એ મૂર્તિ લાવવાની. એમ કરતાં-કરતાં ઘરમાં સારુંએવું કલેક્શન થયું છે. હું હજીયે આ ક્રમ ચાલુ રાખવાનો છું.’
બધી તૈયારી જાતે જ કરે
આ વખતે ક્રિષ્ના બારમા ધોરણમાં છે એમ છતાં તેણે ગણેશોત્સવની ઉજવણીમાં કોઈ કચાશ નથી રાખી. આ વખતે તો તે ત્રણ ફુટની મૂર્તિ લાવ્યો છે એની વાત કરતાં અનીતાબહેન કહે છે, ‘ગણેશના ડેકોરેશનની તમામ તૈયારી તેણે જાતે જ કરી છે. સ્ટેજ બનાવવું, ફૂલો સજાવવાં, મૂર્તિને સજાવવી બધું જ તેણે પોતાની નિગરાનીમાં કર્યું છે. મને તો તે વચ્ચે પડવા જ ન દે કેમ કે હું તેને ક્યાંક પણ ટોકું એ તેને ન ગમે. તેના પપ્પા તેને બધો જ સાથ આપે એટલે બાપ-દીકરો મળીને બધું જ સંભાળી લે. આ વખતે તો ઘરમાં રાજસ્થાની મહેલ જેવી થીમ બનાવી છે. લોકોને ગણેશદર્શન માટેનું ઇન્વાઇટ પણ તેણે જાતે જ ડિઝાઇન કર્યું છે. ગણપતિની રૂમની બહાર કોવિડની ગાઇડલાઇન જણાવતું પોસ્ટર પણ જાતે ડિઝાઇન અને પ્રિન્ટ કરાવ્યું છે. અમારે ત્યાં આરતી પણ લાંબી અને ૪૦ મિનિટની થાય. ઓરિજિનલ મરાઠી આરતી તેને શબ્દશઃ યાદ છે એટલે તે આખી ગાય. આ દસ દિવસ તે કાંદા-લસણ ખાવાનું પણ છોડી દે છે. ગણપતિ માટે ભોગ પણ તે જાતે જ કુક કરે. આમાંનું કશું જ અમે તેને કહ્યું નથી પણ તે મનથી કરે છે. ખરેખર ગણેશ માટેનું તેનું આ ફૅસિનેશન સમજી ન શકાય એવું છે.’
વિસર્જનનો તો વિચાર જ નહીં
સામાન્ય રીતે ગણેશોત્સવમાં પધરામણી કરેલા ગણેશને વિસર્જનના દિવસે વિદાય આપવાની હોય, પણ ક્રિષ્નાને ગજાનન એટલા વહાલા છે કે મૂર્તિનું વિસર્જન કરવાનો તો અમે વિચાર પણ ન કરી શકીએ. એનું કારણ જણાવતાં અનીતાબહેન કહે છે, ‘તે થોડોક નાનો હતો ત્યારે કોઈક રિલેટિવને ત્યાં મૂર્તિનું વિસર્જન થતું જોયું. મૂર્તિ પાણીમાં ડૂબી ગઈ એ જોઈને તે એટલું જોર-જોરથી રડ્યો હતો કે ન પૂછો વાત. મૂર્તિને વિસર્જિત થતી તે જોઈ નથી શકતો એટલે અમે વિસર્જનના દિવસે ઘરે જ પાણીના ટબમાં મૂર્તિને ત્રણ વાર ડૂબકી મરાવીને કાઢી લઈએ અને ફરીથી સજાવીને રાખીએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2021 07:23 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK