શા માટે આપણે એવું નથી વિચારતા કે ‘જે થયું સારું થયું’ અથવા ‘જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે’.
પ્રતીકાત્મક તસવીર
બજારમાં આપણને એક જ મોબાઇલ ફોનના સેંકડો આકાર-પ્રકાર જોવા મળે છે. આ વિવિધ પ્રકારના ફોન દેખાડીને દુકાનદાર પણ ખુશ થાય છે અને ગ્રાહક પણ એવી જ દુકાનમાં જવાનું પસંદ કરે છે જ્યાં એકથી એક ચડિયાતા ફોન તેને જોવા મળે છે. જે રીતે આપણે વસ્તુઓનાં વિવિધ સ્વરૂપો અને રંગોને જોઈને આનંદિત થઈએ છીએ એવી જ રીતે સર્વોચ્ચ રચનાકાર દ્વારા રચાયેલી આ સૃષ્ટિના મનુષ્યોનાં રૂપ, રંગ, ભાવ-સ્વભાવની ભિન્નતા જોઈને પણ તો આપણે એટલું જ ખુશ થવું જોઈએને? શા માટે આપણે આ આમ કેમ કરે છે, પેલો એવું કેમ કરે છે, આણે આમ કરવું જોઈએ, પેલાએ એમ કરવું જોઈએ જેવા પ્રશ્નોને કરીને પોતાની ખુશી ગુમાવીએ છીએ? શા માટે આપણે એવું નથી વિચારતા કે ‘જે થયું સારું થયું’ અથવા ‘જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે’. ઈંટનો જવાબ પથ્થરથી આપવાને બદલે જવા દો, છોડી દો, ભૂલી જાઓ જેવા વિચારો કેમ નથી આવતા?
આપણે મોટા ભાગનો સમય મનુષ્યો વચ્ચે રહીને જ વિતાવીએ છીએ અને લેન-દેન પણ તેમની સાથે જ કરીએ છીએ, પરંતુ નાની-નાની વાતોમાં અસહિષ્ણુ બનીને એકબીજાથી નાખુશ પણ થતા રહીએ છીએ. આપણી ચાલતી ગાડી સાથે અચાનક કોઈ પશુ ટક્કર મારી દે તો આપણે એને ધુતકારીને આગળ વધી જઈશું અને ભૂલી પણ જઈશું, પરંતુ જો કોઈ સ્કૂટરસવાર વ્યક્તિનું વાહન આપણા વાહનને સ્પર્શ પણ કરી લે તો કયું દૃશ્ય ઊભું થાય છે એ તો આપણે સૌ અનુભવીએ જ છીએને? આપણામાંથી મોટા ભાગના લોકો ગાળાગાળ અને મારામારી કરવા પર આવી જઈએ છીએ અને પોતાના પરનું નિયંત્રણ ખોઈ બેસીએ છીએ. તો એનો અર્થ એમ થયો કે આપણે જડ વસ્તુઓ અને પશુઓ પ્રત્યે સહિષ્ણુ છીએ, પરંતુ મનુષ્યો પ્રત્યે નહીં. જ્યારે થવું એમ જોઈએ કે જેની સાથે આપણે મહત્તમ સમય પસાર કરીએ છીએ એ મનુષ્યો દ્વારા થયેલા જાણ્યા-અજાણ્યા વ્યવહારને આપણે સહન કરી લેવો જોઈએ અને તેમને ક્ષમા કરતાં શીખવું જોઈએ. ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે લાંબા સમય સુધી કોઈના ખોટા વર્તનને કઈ રીતે સહન કરી શકાય? આનો જવાબ એ જ છે કે સહન કરવું એ તેના દુર્વ્યવહારને ફુલસ્ટૉપ લગાડવા સમાન છે, નહીંતર આ દુર્વ્યવહારનો ખેલ સદાય ચાલતો જ રહેશે. જો આપણે વ્યાવહારિક જીવનમાં કોઈની કહેલી વાતને પોતાના મન પર લઈએ જ નહીં અને સામે તેને કંઈ કહીએ પણ નહીં તો બોલચાલ, ઝઘડા અને દલીલનો ખેલ આગળ ચાલશે જ નહીં. હવે આનો નિર્ણય તો આપણે કરવાનો છે કે આપણે પ્રશ્ન ઉપાડીએ કે પ્રસન્નચિત્ત રહીએ? સ્મરણ રહે! જીવન ખૂબ ટૂંકું છે, અતઃ એને વ્યર્થ પ્રશ્નોમાં ન ઉલઝાવીને પ્રસન્નચિત રહીએ એ જ બધાના હિતમાં છે.
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

