હું વારંવાર કહીશ કે સંસ્કૃતિ વિના કોઈ પ્રજા જીવે નહીં, સંસ્કૃતિ હોવી જ જોઈએ પણ સંસ્કૃતિને સાયન્સવિરોધી ન બનાવો
પ્રતીકાત્મક તસવીર
સંસ્કૃતિપ્રધાન પ્રજા હોવાના નાતે આપણે બધી વાતોમાં અને બધી જગ્યાએ સંસ્કૃતિને જોડીને રાખીએ છીએ. સંસ્કૃતિપ્રધાન હોવું ખરાબ નથી. ગ્રીક સંસ્કૃતિને ઇટલીવાળા સાચવે જ છે અને એનું પાલન કરે છે, પણ તેઓ સંસ્કૃતિમય નથી રહ્યા. આપણે સંસ્કૃતિમય થઈ ગયા એટલે આપણને બીજું કંઈ દેખાતું નથી. આપણે પશુને જોઈએ છીએ તો લાભ અને શુકન સાથે એને જોડી દઈએ છીએ, પણ પશ્ચિમનો માણસ જુએ તો એની નજરમાં ફરક છે. ગાય જોઈને આપણે ખુશ થઈએ, માથે હાથ મૂકીને આશીર્વાદ લઈએ અને પૂછડું આંખે અડાડીને ક્ષણને શુભ બનાવીએ. આદિથી અંત સુધી ગાય પવિત્ર છે એવું આપણે કહેતા રહીએ છીએ. કાશીના દશાશ્વમેધ ઘાટ પર વાછરડી દ્વારા વૈતરણી તરવાની વાતો સાંભળો તો તમને પણ આશ્ચર્ય થાય, પણ જર્મનીમાં જુદી જ વાત સંભળાય.
જર્મનીમાં ગાયનાં બાવડાં એવડાં મોટાં કે જમીનને અડતાં હોય. વૈતરણી પાર કરવાની વાત તેમના કોઈના મગજમાં જ નથી. એ લોકોના મગજમાં એક જ પ્રશ્ન હોય છે કે આ ગાયમાંથી વધારેમાં વધારે દૂધ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. આપણા મગજમાં આવી કોઈ વાત ક્યારેય આવતી જ નથી.
ADVERTISEMENT
પરિણામ શું આવ્યું?
ગાય આપણી માતા, પણ આપણે ગાયનું સાયન્સ જર્મની પાસેથી લઈ આવવું પડ્યું. માત્ર સાયન્સ જ શું, ગાય માટેનું મેડિકલ સાયન્સ પણ આપણે જર્મની પાસેથી લેવા જવું પડ્યું. ગાય બીમાર પડે તો શું કરવું એની મોટા ભાગની દવા કે એ બનાવવાનું વિજ્ઞાન પશ્ચિમના દેશોએ આપણને આપ્યાં. આપણું પેલું વૈતરણીવાળું સાયન્સ દુનિયાનો કોઈ દેશ લેવા આવ્યું નહીં. આવું શું કામ થયું? આપણે તો ગળું ફાડી-ફાડીને કહેતા રહ્યા કે પૂર્વજોને પાર કરવા હોય તો થોડી ગાયો રાખો અને એ પછીયે આપણને ખબર તો પડી નહીં કે પૂર્વજો પાર થયા કે નહીં, પણ આપણે શ્રદ્ધાને પકડી રાખી, સંસ્કૃતિને વળગી રહ્યા.
હું વારંવાર કહીશ કે સંસ્કૃતિ વિના કોઈ પ્રજા જીવે નહીં, સંસ્કૃતિ હોવી જ જોઈએ પણ સંસ્કૃતિને સાયન્સવિરોધી ન બનાવો. સંસ્કૃતિ જો વિકાસ અને વિજ્ઞાનવિરોધી બને તો એ સંસ્કૃતિને કારણે તમારી પ્રજા પીડા પામતી થઈ જશે અને આજે એવું જ થયું છે. આપણી પ્રજા દુખી થાય છે, પીડાય છે અને સંસ્કૃતિ જીવીને અલમસ્ત થતી જાય છે. હવે સંસ્કૃતિ એ સ્તરે ઘર કરી ગઈ છે કે એ જડ થઈ ગઈ છે અને જડ થઈ ગયેલી સંસ્કૃતિ અધોગતિની દિશામાં આગળ લઈ જાય, જે તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ગાયોના નામે પાંજરાપોળ ખદબદે છે અને શિવાભિષેકના નામે સેંકડો લીટર દૂધ ગટરમાં વહી જાય છે. આસ્થા હોવી જોઈએ પણ એ આસ્થામાં ક્યાંય અંધશ્રદ્ધા ન હોવી જોઈએ એવી જ રીતે સંસ્કૃતિ હોવી જ જોઈએ પણ સંસ્કૃતિના નામે શુકન-અપશુકનની વ્યાખ્યા બંધાવી ન જોઈએ.

