ગુજરાતીઓમાં નૂતન વર્ષની આવી પરંપરાઓનું શું મહત્ત્વ છે અને એની શરૂઆત કઈ રીતે થઈ એ તમામ વિશે જાણીએ રસપ્રદ વાતો
પ્રતીકાત્મક તસવીર
બદલાતા સમય સાથે ઘણી પરંપરાઓ વીસરાઈ જતી હોય છે. આવી જ એક પરંપરા એટલે બેસતા વર્ષે શુકન માટે આખું મીઠું ખરીદવાની પરંપરા. એક સમય હતો જ્યારે કરિયાણાની દુકાને નમક લેવા માટે લાઇન લાગતી. ગુજરાતીઓમાં નૂતન વર્ષની આવી પરંપરાઓનું શું મહત્ત્વ છે અને એની શરૂઆત કઈ રીતે થઈ એ તમામ વિશે જાણીએ રસપ્રદ વાતો
આપણે ત્યાં નવા વર્ષના દિવસે વહેલી સવારે શુકન માટે સબરસ ખરીદવાની પરંપરા છે. એમ કહેવાય છે કે નવા વર્ષની શરૂઆત મીઠું ખરીદીને કરવાથી આખું વર્ષ જીવનમાં સ્વાદ, મીઠાશ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. સબરસ શબ્દનો અર્થ થાય છે મીઠું, જેમાં બધા જ રસ સમાયેલા છે. જેમ મીઠા વગર ભોજન બેસ્વાદ લાગે છે એમ સબરસ ઘરમાં લાવવાથી આવનારા આખા વર્ષ દરમ્યાન જીવનનાં તમામ સંબંધો અને કાર્યોમાં મધુરતા જળવાઈ રહે છે.
ADVERTISEMENT
પરંપરા અને રિવાજ
સબરસની પરંપરા મુંબઈમાં રહેતા લોકોને કદાચ ખબર ન હોય, પણ ગુજરાતમાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. બેસતા વર્ષની વહેલી સવારે પોળો અને ગલીઓમાં નાનાં બાળકો હાથમાં મીઠાના ગાંગડા ભરેલી ટોપલી કે થેલી લઈને નીકળે છે અને ઘરની બહાર આવીને સપરમે દહાડે સબરસ લ્યો...ની બૂમો પાડે છે. તેઓ ઘરના આંગણે કે દરવાજે આવીને મીઠું આપે છે. ઘરની ગૃહિણી કે વડીલ આ મીઠાને ખૂબ આદરપૂર્વક સ્વીકારે છે અને બદલામાં શુકનના પૈસા આપે છે. હવે દરેક કરિયાણાની દુકાને તમને બેસતા વર્ષે મીઠાના ગાંગડા મળે છે.
સબરસનું શું કરવું?
શુકનના મીઠાનું શું કરવાનું હોય છે એ વિશે માહિતી આપતાં પંડિત ભૌતેશ જોશી કહે છે, ‘આ મીઠું આપણે વર્ષભર માટે જાળવીને રાખવાનું હોય છે. ઘણા પરિવારોમાં આખા વર્ષ દરમ્યાન સુખ-સમૃદ્ધિ બની રહે એ માટે સબરસને તિજોરીમાં શુકન તરીકે મૂકવામાં આવે છે. ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા પર કે ઘરની બહાર કપડામાં મીઠું બાંધીને પોટલી લટકાવે છે એટલે ઘરમાં નકારાત્મક ઊર્જા ન આવે. એ સિવાય કેટલાક લોકો રસોડામાં કાચની બરણીમાં મીઠું ભરીને આખું વર્ષ સાચવીને રાખે છે જેથી સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે.’
આ પરંપરાનું ધાર્મિક મહત્ત્વ
સબરસ પરંપરાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં ભૌતેશ જોશી કહે છે, ‘એમ કહેવાય છે કે એક વાર રુક્મિણીજીએ શ્રીકૃષ્ણને પૂછ્યું કે તેઓ રુક્મિણીને કેટલો પ્રેમ કરે છે. શ્રીકૃષ્ણે જવાબ આપેલો કે તું મને મીઠા જેટલી વહાલી છે. રુક્મિણીજીને આ સાંભળીને અપમાન લાગ્યું, કારણ કે તેમણે મીઠાને એક સામાન્ય વસ્તુ ગણી. ત્યાર બાદ શ્રીકૃષ્ણે એક યુક્તિ કરી. તેમણે રુક્મિણીજીને મીઠા વગરનું ભોજન બનાવવાનો આદેશ આપ્યો. મીઠા વગરનું ભોજન જ્યારે પીરસાયું ત્યારે રુક્મિણીજીને એનો સ્વાદ બિલકુલ ન ગમ્યો અને તેઓ જમી શક્યાં નહીં ત્યારે શ્રીકૃષ્ણએ સમજાવ્યું કે જીવનમાં ભલે ગમે તેટલાં પકવાન હોય, પરંતુ નમક વગર એ બધું નિરર્થક છે. એવી જ રીતે રુક્મિણીજીનું સ્થાન તેમના જીવનમાં મીઠા જેટલું જ અનિવાર્ય અને અમૂલ્ય છે. આ પ્રસંગ પછી શ્રીકૃષ્ણએ મીઠાને સબરસ નામ આપીને એને શુકનવંતું ગણાવ્યું અને નૂતન વર્ષના દિવસે એની ખરીદી કરવાનું મહત્ત્વ સમજાવ્યું.’
સાવરણી ફેરવવાની પરંપરા
બેસતા વર્ષના દિવસે વહેલી સવારે ઊઠીને આખા ઘરમાં સાવરણી ફેરવીને કચરો બહાર કાઢવાની પરંપરા હતી. આ પરંપરા પાછળનું આધ્યાત્મિક રહસ્ય સમજાવતાં ભૌતેશ જોશી કહે છે, ‘શાસ્ત્રોમાં સાવરણીને સાક્ષાત્ મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવી છે. ધનતેરસ કે દિવાળીના શુભ દિવસે ઘરમાં નવી સાવરણી લાવીને વિધિવત્ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પૂજાયેલી નવી સાવરણીનો વિશેષ ઉપયોગ બેસતા વર્ષના પ્રભાતે કરવામાં આવતો હતો. નૂતન વર્ષના દિવસે લોકો વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠી જતાં. નવી સાવરણીથી ઘરના ખૂણે-ખૂણેથી કચરો વાળીને એને ઘરની બહાર ફેંકવામાં આવતો હતો. આ વિધિ પાછળનો મુખ્ય આશય માત્ર ધૂળ-માટી દૂર કરવાનો નહોતો, વીતેલા આખા વર્ષ દરમ્યાન ઘરમાં પ્રવેશેલી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા, આંતરિક કલેશ, અશુભ તત્ત્વો અને અલક્ષ્મી કે દરિદ્રતાને નવા વર્ષનો સૂર્યોદય થતાં પહેલાં જ ઘરબહાર કરી દેવાનો હતો. જૂની બદીઓ અને કચરો બહાર નીકળી જાય એ પછી જ ઘરના મુખ્ય દ્વારે રંગોળી પુરાતી, દીવા પ્રગટાવાતા અને આસોપાલવનાં તોરણ બાંધીને દેવી લક્ષ્મીનાં સ્વાગતની તૈયારી થતી. માન્યતા એવી છે કે નવા વર્ષના પહેલા પ્રભાતે આ રીતે થયેલી શુદ્ધિથી આખું વર્ષ ઘરમાં અખૂટ બરકત રહે છે, સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને પરિવારમાં સુખ, શાંતિ તથા ધન-ધાન્યની ક્યારેય કમી રહેતી નથી; પરંતુ આજના બદલાતા યુગમાં મોડે સુધી સૂવાની ટેવ અને આધુનિક જીવનશૈલીના કારણે સૂર્યોદય પહેલાં સાવરણી ફેરવીને અલક્ષ્મીને વિદાય આપવાની આ પરંપરા નવી પેઢીમાંથી ધીરે-ધીરે લુપ્ત થઈ રહી છે.’
મિતિ નાખવાની પરંપરા
બેસતા વર્ષના દિવસે માત્ર નવા કૅલેન્ડરની જ નહીં, નિર્મળ મન અને ચોખ્ખા હિસાબ સાથે નવા સંબંધોની શરૂઆત પણ થતી. દિવાળીના ચોપડા-પૂજન સાથે સંકળાયેલી આવી જ એક અત્યંત મહત્ત્વપૂર્ણ છતાં વીસરાતી જતી પ્રથા એટલે મિતિ નાખવી. આ પરંપરાનો મૂળ અર્થ અને એનું સામાજિક મહત્ત્વ સમજાવતાં ભૌતેશ જોશી જણાવે છે, ‘દિવાળીના પવિત્ર તહેવાર પર ચોપડા-પૂજન કરવાની આપણી વર્ષો જૂની પરંપરા રહી છે. સામાન્ય અને સરળ ગુજરાતી બોલચાલમાં આ ચોપડાને રોજમેળ કહેવામાં આવતો, જેમાં રોજેરોજ થતી આવક અને તેની સામે થતા ખર્ચનો પાકો હિસાબ રખાતો. દિવાળીના દિવસે આ ચોપડાનું વિધિવત્ પૂજન કર્યા બાદ બેસતા વર્ષની વહેલી સવારે ઈશ્વરની આરાધના કરીને નવા ચોપડામાં પહેલું લખાણ શરૂ કરવામાં આવતું જેને આપણી ભાષામાં મિતિ નાખવી કહેવાય છે. મિતિ નાખતી વખતે એવો સંકલ્પ લખાતો કે આજથી આપણે નવા વર્ષની શુભ શરૂઆત કરીએ છીએ. પરંપરાગત રીતે રોજમેળ રાખવા પાછળ માત્ર હિસાબ-કિતાબ કે ધંધાનો નફો જોવાનો આશય નહોતો, એક મોટો નૈતિક અને સામાજિક ઉદ્દેશ્ય હતો. આખા વર્ષ દરમ્યાન કદાચ કોઈના પૈસા ચૂકવવાના રહી ગયા હોય કે કોઈ કારીગરનો પગાર બાકી હોય તો હિસાબનો ચોક્કસ તાળો મેળવીને નવું વર્ષ બેસતાં પહેલાં જ બધી ચુકવણી કરી દેવાતી જેથી માથે કોઈનું દેવું કે બોજ ન રહે. આ પરંપરા આપણને શીખવે છે કે હિસાબ ચોખ્ખો કરીને નવા વર્ષે આપણે માત્ર નવા વેપાર કે કાર્યની જ નહીં, એક શુદ્ધ મન સાથે નવા સંબંધોની પણ શરૂઆત કરીએ છીએ. જોકે બદલાતા સમય અને ડિજિટલ હિસાબો વચ્ચે બેસતા વર્ષે સવારે નવા ચોપડામાં મિતિ નાખવાની આ પ્રથા હવે ધીરે-ધીરે વીસરાઈ રહી છે.’
મોઢું મીઠું કરાવવાની
સ્નેહાળ પરંપરા
બેસતા વર્ષે સામેવાળાનું મોઢું મીઠું કરાવવું એ માત્ર એક ઔપચારિકતા નહોતી, આખું વર્ષ સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે એ માટેની એક પરંપરા હતી. આ વિશે વાત કરતાં ભૌતેશ જોશી કહે છે, ‘બેસતા વર્ષના દિવસે જ્યારે સ્નેહીજનો, સગાં-સંબંધીઓ કે પડોશીઓ એકબીજાને સાલમુબારક કે નૂતન વર્ષાભિનંદન કહેવા ઘરે આવતા ત્યારે સૌથી પહેલાં ઘરની સ્ત્રીઓ પોતાના હાથે બનાવેલી ઘારી, મોહનથાળ, ઘૂઘરા કે લાડુ જેવી પરંપરાગત વાનગીઓથી તેમનું મોઢું મીઠું કરાવતી. આ મીઠાશ પાછળનો મુખ્ય ભાવ એ હતો કે વીતેલા વર્ષમાં જો કોઈ કડવાશ, અણબનાવ કે મતભેદ થયા હોય તો એ બધું ભૂલીને નવા વર્ષની શરૂઆત એકદમ મધુરતા અને નિર્મળ મનથી થાય. એની પાછળ એક મોટું વિજ્ઞાન અને અધ્યાત્મ પણ રહેલું છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે અન્નની અંદર બનાવનારના ભાવ અને વિચારોનાં સ્પંદનો એટલે કે વાઇબ્સ ભળેલાં હોય છે. જ્યારે ઘરની સ્ત્રીઓ મારા દીકરા કે સંબંધીને આ ભાવે છે એવા નિઃસ્વાર્થ પ્રેમ અને મમતાથી મીઠાઈ બનાવે ત્યારે એ અન્ન માત્ર પેટ નથી ભરતું પણ સાત્ત્વિક ઊર્જા આપે છે. એ જ પ્રેમથી જ્યારે બેસતા વર્ષે કોઈનું મોઢું મીઠું કરાવાય ત્યારે સામેવાળાના દિલમાં પણ આપણા પ્રત્યે સ્નેહ અને ભીનાશ જન્મે છે. કહેવત છે કે જેવું અન્ન એવો ઓડકાર અને જેવું અન્ન એવું મન. આજે બહારનાં ખાનપાન અને મીઠાઈઓના આંધળા વ્યાપારીકરણના યુગમાં રસોઈ બનાવનારનો ભાવ કે નીયત આપણને ખબર હોતી નથી, જેના લીધે લોકોના સ્વભાવ અને વિચારો પર પણ નકારાત્મક અસર થવા લાગી છે. આજે ઘરે જઈને પ્રેમથી મોઢું મીઠું કરાવવાની જગ્યાએ મોબાઇલમાં ડિજિટલ મેસેજ મોકલી દેવાય છે અથવા બહારથી તૈયાર લાવેલાં બૉક્સ પકડાવી દેવાય છે, પરંતુ જે આત્મીયતા અને સકારાત્મક ઊર્જા પોતાના હાથે રાંધેલા અન્નમાં હતી એ આજે ખોવાતી જાય છે. નવા વર્ષે સંબંધોને સાચા અર્થમાં જીવંત રાખવા માટે ફરી એ જ પ્રેમભાવ અને સાત્ત્વિક ઊર્જાથી બનેલી મીઠાઈથી મોઢું મીઠું કરાવી દિલની કડવાશ દૂર કરવી જરૂરી છે.’
