૫૦ વર્ષની આસપાસના એક ભાઈએ આવીને વાતની શરૂઆત કરી. નિયમિત પ્રવચનમાં આવે અને મન મૂકીને એ સાંભળે. ભાગ્યે જ પ્રવચનમાં ન આવ્યા હોય એ સૌ કોઈના ધ્યાનમાં.
તસવીર સૌજન્ય : એ.આઈ
‘મહારાજસાહેબ, પ્રવચનમાં આપે કરેલી પ્રેરણાને ગઈ કાલે અમલી બનાવી અને એના અનુભવમાં જે આનંદ આવ્યો એ શબ્દોમાં કઈ રીતે વર્ણન કરું એ જ મને સમજાતું નથી.’
૫૦ વર્ષની આસપાસના એક ભાઈએ આવીને વાતની શરૂઆત કરી. નિયમિત પ્રવચનમાં આવે અને મન મૂકીને એ સાંભળે. ભાગ્યે જ પ્રવચનમાં ન આવ્યા હોય એ સૌ કોઈના ધ્યાનમાં.
ADVERTISEMENT
‘શો અનુભવ થયો?’
‘ધંધાનાં કારણોસર બહારગામ ગયો હતો.’ એ મહાશયે વાત શરૂ કરી, ‘રાતની ટ્રેનમાં નીકળીને સવારે ઇન્દોર આવ્યો. નાનો ભાઈ ગાડી લઈને લેવા માટે આવ્યો હતો પણ મારા મનમાં આપે કરેલી પ્રેરણાના હિસાબે એક જ વિચાર ચાલતો હતો કે આખી ટ્રેનના બધા યાત્રિકો આખી રાત સૂતા હતા અને એ પછી પણ સહીસલામત ઇન્દોર પહોંચ્યા એનો સાચો યશ જો કોઈને જાય તો ટ્રેનના ડ્રાઇવરની ફરજનિષ્ઠાને, શા માટે મારે તેની પાસે જઈ તેને ફરજનિષ્ઠા બદલ ધન્યવાદ ન આપવા?’
આપણે જશ આપવાનું બિલકુલ વીસરી ગયા છીએ. પ્રવચન પણ આ જ મુદ્દા પર હતું. સૂર્યથી માંડીને ચંદ્ર અને ઝાડથી માંડીને પૃથ્વીના એકેકને જો આપણે જશ ન આપતા હોઈએ તો સ્વાભાવિક છે કે માણસને ક્યાંથી જશ આપીએ.
પેલા મહાશયે વાત આગળ ધપાવી.
‘મેં મારા ભાઈને એટલું જ કહ્યું કે તું ગાડી લઈને પાછો જા. હું થોડી વારમાં ઘરે આવું છું. નાનો ભાઈ રવાના થયો એટલે હું છેક એન્જિન સુધી પહોંચી ગયો અને પેલા ડ્રાઇવર પાસે જઈ અમને સહુને સહીસલામત લઈ આવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી અને તેને એ બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ આપ્યા.’ વાત કરતાં-કરતાં પણ એ ભાઈની આંખોમાં હર્ષ હતો, ‘ડ્રાઇવર તો આ જોઈને સ્તબ્ધ થઈ ગયો. કહે કે આટલાં વર્ષોથી હું ટ્રેનમાં ફરજ બજાવું છું પણ આજ સુધીમાં આવા શબ્દો કોઈનીયે પાસેથી સાંભળવા નથી મળ્યા. તે માનવા તૈયાર જ નહોતો કે એક પૅસેન્જર તરફથી તેને આવા શબ્દો સાંભળવા મળે.’
‘બહુ સારી વાત કહેવાય...’ મેં કહ્યું, ‘આ નિયમ કાયમ રાખજો.’
‘હા મહારાજસાહેબ, મેં એ ટ્રેનના ડ્રાઇવરને પણ કહ્યું કે આ અમારા ગુરુદેવ તરફથી મને ભેટ મળી છે અને આ જ ભેટને હવે તારે પણ આગળ વધારીને જશ આપતાં શીખવાનું છે.’
માણસ જાણતો બધું હોય છે, સમજતો પણ હોય છે પણ એનો અમલ કરવામાં તે ઢીલો પડે છે. આ ઢીલાશ જો કાઢી નાખે તો માણસ બીજાને પ્રેમ કરતાં, લાગણી અને હૂંફ આપતાં જરા પણ ખચકાય નહીં.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

