આજે છે ગુડ ફ્રાઈડે : ખ્રિસ્તી ધર્મના લોકોનો ખાસ તહેવાર
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આજે એટલે કે સાત એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે (Good Friday) ઉજવવામાં આવી રહ્યો છે. ગુડ ફ્રાઈડે એક એવો તહેવાર છે, જેને ભગવાન ઈશુના બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલા માટે તેને બ્લેક ફ્રાઈડે પણ કહેવામાં આવે છે અને આ દિવસે લોકો ભગવાન ઈશુના બલિદાનને યાદ કરીને શોક મનાવે છે.
ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતા. એટલા માટે લોકો આ દિવસને શોક દિવસ તરીકે પણ ઉજવે છે. આ જ કારણ છે કે ગુડ ફ્રાઈડેના દિવસે સામાન્ય દિવસોની જેમ ચર્ચમાં ઘંટ વગાડવાને બદલે લાકડાના ઘૂંટડા વગાડવામાં આવે છે અને ક્રોસ પસંદ કરીને ભગવાન ઈશુને યાદ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ગુડ ફ્રાઈડેને બ્લેક ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને હોલી ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. યહૂદી શાસકોએ ઈશુને ઘણી શારીરિક અને માનસિક યાતનાઓ આપી હતી. એવું માનવામાં આવે છે કે, જે દિવસે ભગવાન ઈશુને લાકડાના ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા તે દિવસે શુક્રવાર હતો. આટલો ત્રાસ આપવા છતા ઈશુએ તેમના છેલ્લા શબ્દોમાં કહ્યું હતું કે, “ભગવાન તેમને માફ કરો, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. હે પિતા! હું મારા આત્માને તમારા હાથમાં સોંપી દઉં છું.” મૃત્યુ પહેલા પણ ઈશુના મોંમાંથી છેલ્લા શબ્દો ક્ષમા અને કલ્યાણના નીકળ્યા હતા.
આ પણ વાંચો - ઈશુએ કહ્યું છે એમ કહીને ૩૭,૦૦૦ ફુટ ઊંચે ઊડતા વિમાનનો દરવાજો ખોલવાનો મહિલાએ કર્યો પ્રયાસ
ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઈબલ મુજબ ભગવાન ઈશુએ માનવજાતના કલ્યાણ માટે પ્રેમ, જ્ઞાન અને અહિંસાનો સંદેશો આપ્યો હતો. તેથી જીસસ ક્રાઈસ્ટ પ્રત્યે લોકોનો લગાવ વધી રહ્યો હતો. જીસસની વધતી જતી લોકપ્રિયતાએ યહૂદીઓ માટે મુશ્કેલી ઊભી કરવાનું શરૂ કર્યું અને તેઓને લાગ્યું કે જીસસની લોકપ્રિયતાને કારણે કદાચ તેમની પાસેથી તેમની શક્તિ છીનવાઈ જશે. એટલા માટે યહૂદીઓએ જીસસને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યો અને તે પછી તેમને ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા હતા. ઈશુએ માનવજાતના કલ્યાણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ પણ વાંચો - ઈસુનું આબેહૂબ શિલ્પ જોઈને લોકો સ્તબ્ધ
ગુડ ફ્રાઈડે પહેલા, ખ્રિસ્તીઓ ૪૦ દિવસ સુધી ઉપવાસ કરે છે. તે જ સમયે, કેટલાક લોકો માત્ર ગુડ ફ્રાઈડેના રોજ ઉપવાસ રાખે છે. આને લેન્ટ કહેવામાં આવે છે. ગુડ ફ્રાઈડે પર, ચર્ચને શણગારવામાં આવે છે અને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે લોકો કાળા કપડાં પહેરીને ચર્ચમાં જાય છે અણે શોક વ્યક્ત કરે છે. તેમજ તેમના પાપો માટે ઈશુ પાસે ક્ષમા માંગે છે. ગુડ ફ્રાઇડે પછીના રવિવારે ઇસ્ટરની ઉજવણી કરવામાં આવે છે.

