મહાદેવનો નાદ એવો ઓમકાર કેવી રીતે ગણપતિની હથેળીમાં અંકિત થયો અને લીડરના જીવનમાં આ ઓમકાર શું સૂચવે છે એ જાણવા જેવું છે
પ્રતીકાત્મક તસવીર
ઓમકાર અને મહાદેવને સીધો સંબંધ છે. ધ્યાનમગ્ન મહાદેવના સ્વરમાં ઓમકાર છે તો સાથોસાથ ઓમકારને પૃથ્વી પરનો પહેલો એવો સ્વર ગણવામાં આવ્યો છે કે એ યુનિવર્સલ સાઉન્ડ છે. કેટલીક ફિલ્મોમાં એવું દેખાડ્યું પણ હતું તો નાસા જેવી અમેરિકાની વિખ્યાત સ્પેસ રિસર્ચ એજન્સી પણ એવું કહી ચૂકી છે કે ઓમકારના ધ્વનિને યુનિવર્સમાંથી રિપ્લાય મળે છે. વૈશ્વિક સ્વર એવો ઓમકાર કેવી રીતે ગજાનનના હાથમાં આવ્યો અને કેવી રીતે એ કાયમી સ્વરૂપમાં હથેળીમાં રહ્યો?
વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે મહાદેવ અને મા પાર્વતીની ત્રણ વાત ગજાનને કાયમ માટે પોતાની સાથે રાખી છે; જેમાંથી એક, ભાલમાં રહેલા ત્રિશૂળના તિલકની વાત આપણે કરી, તો મહાદેવના નાદ એવા ઓમકારની વાત હવે કરવાની છે. જ્યારે મા પાર્વતી સાથે જોડાયેલા એક ચિહ્નની વાત આપણે હવે પછી કરીશું.
ADVERTISEMENT
પહેલાં વાત કરીએ ઓમકારની.
કેવી રીતે આવ્યો હથેળીમાં ઓમકાર?
બાલ્યાવસ્થા ધરાવતા હતા એ સમયે ગજાનન કોઈને કહ્યા વિના કૈલાસધામમાં એ સ્થાન પર ચાલ્યા ગયા જે સ્થાન પર મહાદેવ ધ્યાન ધરતા હતા. ધ્યાન દરમ્યાન મહાદેવની નાભિમાંથી છૂટતા સ્વરે ગણપતિને પોતાની તરફ ખેંચ્યા હતા. ગજાનન માટે મહાદેવની આ ધ્યાનમગ્ન અવસ્થા અચરજ પમાડનારી હતી એટલે તે ધીમેકથી મહાદેવ પાસે જઈ તેમના ખોળામાં બેસી ગયા, પણ પેલો અવાજ હજી પણ તેમને ખેંચી રહ્યો હતો એટલે ગજાનને મહાદેવના મોઢા પર હાથ મૂકી દીધો અને જોવાનું શરૂ કર્યું કે પોતાને જે સ્વર ખેંચતો હતો એ સ્વર મહાદેવના મોઢામાંથી આવે છે કે નહીં?
થોડી ક્ષણ સુધી મહાદેવના મોઢા પર હાથ રાખ્યો હશે, પણ ત્યાં જ મહાદેવના ગણાધિકારી ત્યાં પહોંચી ગયા અને તેમણે ગજાનને મહાદેવના ખોળામાંથી ઉતારી લીધા અને ગણપતિને લઈને તે મા પાર્વતી હતાં એ સ્થાન પર રવાના થઈ ગયા. નાનું બાળક જે રીતે પોતાનાં માબાપને બોલતાં અટકાવવા માટે તેમના મોઢા પર હાથ મૂકી દે એ જ રીતે ગજાનને મહાદેવના મોઢા પર હાથ મૂક્યો હતો, પણ મહાદેવના સ્વરમાં અને ઓમકારમાં એવી તાકાત હતી કે ગજાનનના હાથ પર એ ઓમકાર કાયમ માટે અંકિત થઈ ગયો, જે આપણે આજે પણ તેમની મૂર્તિમાં આશીર્વાદ મુદ્રામાં રહેલા હાથમાં જોઈએ છીએ.
ગજાનનનો આશીર્વાદ મુદ્રામાં રહેલો આ હાથ સૂચવે છે કે ગજાનનની નિશ્રામાં રહેવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જ્ઞાનની વૃષ્ટિ અકબંધ રહે છે.
આ જ વાત લીડરના દૃષ્ટિકોણથી પણ જોડી શકાય અને કહી શકાય કે જે સુખ, શાંતિ, સમૃદ્ધિ આપવાની સાથોસાથ શૈક્ષણિક વિકાસનું કાર્ય પણ કરે એ ગજાનનના ઓમ અંકિત હાથ સમાન છે.
હથેળીમાં ઓમકાર, એક સિમ્બૉલ
હથેળીમાં રહેલો ઓમકાર કહે છે કે લીડર ક્યારેય કોઈનું અહિત ન કરી શકે અને એવું ત્યારે જ શક્ય બને જ્યારે તે પોતાનો સ્વાર્થ જોવાનું કામ ન કરતા હોય. લીડર થકી વિકાસ આવતો રહે, સુવિધા વધતી રહે અને તેમની સાથે કામ કરનારાઓને ઓમકારમાં રહેલાં સુખ-શાંતિ પ્રાપ્ત થતાં રહે એ સમજાવતાં ગજાનનનો ઓમકાર અંકિત હાથ કહે છે કે અહિત જેનો સ્વભાવ નથી એ જ લીડર તરીકે સર્વોચ્ચ છે. સુખ અને શાંતિ ઉપરાંત ઓમકાર જ્ઞાનનું પણ પ્રતીક છે. ઓમકાર અંકિત હાથ કહે છે કે જેની પાસેથી જ્ઞાનનું પણ સતત સિંચન થતું રહે, જેની પાસેથી સતત નવું શીખવા મળતું રહે અને જે માનસિક સ્તરે પણ વૃદ્ધિ કરતું રહે એ જ સાચો લીડર. ઓમકાર ધર્મનો માર્ગ પણ દર્શાવે છે, જેનો એક ભાવાર્થ એવો પણ કરી શકાય કે જેની સાથે જોડાયા પછી આજીવિકા માટે વાનપ્રસ્થ અવસ્થા એટલે કે નિવૃત્તિ સુધી બીજે ક્યાંય જવાનું મન ન થાય એવી વ્યક્તિના સંગાથમાં રહેવું.


