Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ગણપતિની પ્રતિમા તમને શું સૂચવે છે?

ગણપતિની પ્રતિમા તમને શું સૂચવે છે?

19 September, 2023 11:53 AM IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

કહી શકાય કે પ્રવર્તમાન સમયમાં જીવન જીવવાનો જેવો પ્રગાઢ સંદેશ શ્રીમદ ભગવદ્ગીતા આપે છે એટલો જ ગાઢ સંદેશ વિનાયકની પ્રતિમા પણ આપે છે.

ગણેશ બાપ્પા

ગણેશ બાપ્પા


આજના મૉડર્ન યુગમાં ગણપતિની મૂર્તિ સાથે જોડાયેલી દરેક વાત એક સંદેશ આપે છે. કહી શકાય કે પ્રવર્તમાન સમયમાં જીવન જીવવાનો જેવો પ્રગાઢ સંદેશ શ્રીમદ ભગવદ્ગીતા આપે છે એટલો જ ગાઢ સંદેશ વિનાયકની પ્રતિમા પણ આપે છે. આ પ્રતિમા સાથે જોડાયેલા અને બહુ ઓછી જાણીતાં ચિહ્નનોની વાતો આપણે કરીશું.
ગણપતિનું લાંબુ નાક, મોટા કાન, વિશાળ પેટ જેવાં અંગો આજના વ્યવહારુ જીવનમાં શું સૂચવે છે એની વાતો તો અગાઉ અનેક વખત લખાઈ ચૂકી છે એટલે આપણે આ સિરીઝમાં એના પર વધારે ફોકસ કરવાને બદલે, ગણપતિ સાથે જોડાયેલી એવી ચીજવસ્તુ કે પછી તેમનાં એવાં અંગોની વાતો કરીશું જેના વિશે ભાગ્યે જ કોઈ જાણે છે કે લખ્યું છે. કહેવું જ રહ્યું કે સામાન્ય જીવનમાં જેટલું જ્ઞાન કૃષ્ણ ભગવાનની શ્રીમદ ભગવદ્ગીતા આપે છે એટલું જ પ્રગાઢ જ્ઞાન ગજાનનની એક પ્રતિમા આપે છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલાં તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાં એકમાત્ર ગણપતિ એવા ભગવાન છે જેને અનેક પ્રકારનાં વસ્ત્રોથી લઈને સ્વરૂપ અને અવતારમાં દર્શાવવામાં આવ્યા છે. ગણપતિ એકમાત્ર એવા ભગવાન છે, જેને આભૂષણોની પણ કોઈ નિશ્ચિત બાધા નથી અને ગણપતિ હિન્દુ શાસ્ત્રોના એકમાત્ર એવા ભગવાન છે જેમને સ્થાનનું પણ કોઈ ચોક્કસ બંધન આપવામાં આવ્યું નથી.

વાહન તરીકે મૂષક શું કામ? 
મહાકાય વિઘ્નહર્તાના વાહન તરીકે સ્વભાવિક રીતે વાહન પણ એવું જ પ્રચંડ હોવું જોઈએ, પણ આપણાં શાસ્ત્રોમાં ગણપતિના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદરને દર્શાવવામાં આવ્યું છે, જેની પાછળ શાસ્ત્રોમાં કથા પણ વર્ણવવામાં આવી છે. પહેલાં શાસ્ત્રોમાં કહેવામાં આવેલી એ વાત જાણીએ અને એ પછી પ્રવર્તમાન જીવનનો સંદેશ જાણીએ.
એ સમયમાં મૂષકનો ત્રાસ અતિશય હતો, જેને લીધે ખેતરોમાં પાકને બહુ નુકસાન થતું. ઉંદરોના ટોળેટોળાં ખેતરમાં દાખલ થઈ જતાં અને એક રાતમાં તો ખેતરોનાં ખેતરો તહસનહસ કરી નાખતાં. લોકો ફરિયાદ લઈને મહાદેવ પાસે ગયા અને ઉંદરોને કાબૂમાં રાખવાની જવાબદારી મહાદેવે ગણપતિને આપી. પિતાશ્રીનો આદેશ એટલે ગણપતિજી પણ ચુસ્તપણે કામે લાગી ગયા અને પોતાને ધરવામાં આવતો લાડુઓનો થાળ તેમણે ઉંદરોની સામે મૂકવાનું શરૂ કરી દીધું. પત્યું, ઉંદરો તો ગણપતિની આજુબાજુમાં જ રહેવા માંડ્યા અને પછી ધીમે-ધીમે ગણપતિનું માનવાનું પણ શરૂ કરી દીધું.
મૂષક કઈ રીતે ગણપતિનું વાહન બન્યું એ વિશે અન્ય પણ કથાઓ શાસ્ત્રોમાં છે, પણ આ કથા આપણે ત્યાં વધારે પૉપ્યુલર છે, જેની સામે પૂર્વીય ભારતના વિસ્તારમાં સાવ અવળી જ કથા પૉપ્યુલર છે. એ કથા મુજબ મહાકાય ગજાનનને તેમના દેહ મુજબ જ ભૂખ લાગતી. જમ્યાના અડધા કલાકમાં લંબોદર ફરીથી ભૂખ્યા થઈ જતા એટલે તે હળવા પગલે અન્યના ઘરથી માંડીને ખેતરોમાં અનાજ ખાતા, પણ એમાં બનતું એવું કે મહાકાય શરીરને કારણે પગલાંનો અવાજ ભારેખમ આવતો અને એને લીધે લોકો સાવચેત થઈ જતા. આવું વાંરવાર બન્યું એટલે ગણપતિજીએ નક્કી કર્યું કે તે પોતાના શરીરને હળવુંફૂલ રાખી ઝડપભેર ઘર કે ખેતરમાં જશે અને ત્યાંથી ત્વરા સાથે નીકળી પણ જશે, જેને માટે ગણપતિએ મૂષકનો ઉપયોગ કર્યો અને આમ મૂષક તેમનું વાહન બન્યું.
વાત ભલે જુદી-જુદી હોય, પણ દરેકેદરેક વાતનો સાર એક છે કે ગણોના પતિ એવા ગણપતિનું પોતાનું કોઈ વજન નથી અને એટલે જ મુઠ્ઠીમાં પકડી શકાય એવું કદ ધરાવતો ઉંદર પણ એને વહન કરાવી શકે છે.


એક વાહન, એક સિમ્બૉલ
મૂષકને વાહન બનાવી એના પર સવારી કરતા ગજાનન લીડરશિપનો બહુ સરસ સંદેશ આપે છે. 
મૂષક વાહન થકી ગજાનન કહે છે કે તમે ઉપરી હો, તમે તમારા જુનિયર પર સવારી કરતા હો તો પણ તેને તમારો ભાર લાગવો ન જોઈએ. અહીં ભારનો અર્થ માત્ર વજનની દૃષ્ટિએ જ નથી જોવાનો. અહીં વાત સ્વભાવથી માંડીને માનસિકતા અને પદનો ભાર પણ ગણવાનો છે. મૂષક થકી ગજાનન એ પણ કહે છે કે લીડરે જુનિયર કે પછી ટીમને સાચવવી પણ પડે અને એને સાચવવા માટે તમારે તમારા લાભનો થાળ પણ એની સામે ધરી દેવો પડે. જો એવું કરવામાં ન આવે કે પછી લીડર બધો ભાર ટીમ પર મૂકશે તો વાહક એવી ટીમ ચોક્કસપણે એની ક્ષમતા મુજબ વર્તી નહીં શકે અને જો એવું બન્યું તો એનાથી વિકાસ તમારો જ રૂંધાવાનો છે, કાર્ય-લીડરનું જ અટકવાનું કે બગડવાનું છે માટે બહેતર છે કે તમારા ભારનું વહન તમે પોતે કરો અને આગળ વધવા માટે માત્ર આસન તરીકે તમારા વાહનનો ઉપયોગ કરો. 
જો તમે ગેરવાજબી રીતે ભાર તમારા વાહન પર લાદી દેશો, તમારી ટીમ પર લાદી દેશો તો એ ચોક્કસપણે કચડાઈ જશે. એવું બને એના કરતાં તમારા વજનને અન્ય કોઈ પર લાદવાનું છોડી ટીમને એવી રીતે તૈયાર કરો, જેને ગર્વ હોય કે એ એક મહાકાય લીડર કે ઑર્ગેનાઇઝેશનને લઈને આગળ વધી રહ્યા છે.


19 September, 2023 11:53 AM IST | Mumbai | Acharya Devvrat Jani

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK