સામાન્યતઃ મોટા ભાગના લોકો સ્વયં પ્રત્યે ‘ક્ષમાભાવ’ રાખતા હોય છે, પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો આપણે અન્યોના પ્રત્યે ક્ષમાભાવ રાખવો જોઈએ
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
કહેવાય છે કે ભૂલ કરવી એ તો માનવીય સંસ્કાર છે અને ‘ક્ષમા’ કરવું એ ઈશ્વરીય સદ્ગુણ. માટે જ ‘ક્ષમાભાવ’ને દૈવી ચરિત્રનો એક વિશેષ ગુણ માનવામાં આવે છે, પરંતુ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે મનુષ્યો દેવી-દેવતાઓને તેમની વિશેષતાની સાથે પૂજીએ જરૂર છીએ, પરંતુ તેમના સમાન ક્ષમાશીલ નથી થઈ શકતા. આનું મૂળ કારણ એ છે કે આપણી અંદર નકારાત્મકતાનાં મૂળિયાં એટલાં બધાં ઊંડાં હોય છે કે આપણે કોઈ કાળે મોટું દિલ રાખીને બીજાની ભૂલને માફ કરી જ નથી શકતા અથવા તો એમ કહીએ કે આપણી સહનશીલતાનું સ્તર ખૂબ જ નિમ્ન હોય છે જેને કારણે આપણે બીજાઓની ભૂલને અવગણી નથી શકતા. પણ શું આપણો આ અભિગમ આપણે પોતે કોઈ ભૂલ કરીએ છીએ ત્યારે પણ આવો જ રહે છે? કદાચ નહીં!
સામાન્યતઃ મોટા ભાગના લોકો સ્વયં પ્રત્યે ‘ક્ષમાભાવ’ રાખતા હોય છે, પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો આપણે અન્યોના પ્રત્યે ક્ષમાભાવ રાખવો જોઈએ. અમુક લોકો ‘ક્ષમા’નો અર્થ પણ ખોટી રીતે ઉપાડતા હોય છે. દાખલા તરીકે માની લો કે રસ્તે ચાલતાં તમારું પાકીટ કોઈકે ખિસ્સું કાપીને ચોરી લીધું તો શું તેની ફરિયાદ પોલીસમાં જઈને નહીં કરવાની? શું જાતમહેનતથી કમાયેલાં અમૂલ્ય નાણાં ગુમાવીને આમ જ બેસી રહેવાનું નામ ‘ક્ષમા’ છે? જરાય નહીં! એ ગુમાવેલાં નાણાં મેળવવા માટેના પ્રયત્ન કરવા આવશ્યક છે, પરંતુ આ પ્રયત્નો કરતી વખતે આપણે ફક્ત એટલું ધ્યાન રાખવું આવશ્યક છે કે આપણે પેલી વ્યક્તિના અવગુણોનું ચિંતન ન કરીએ તેમ જ પોતાના મનને દુખી અને અશાંત ન કરીએ. જો એ વ્યક્તિ ન્યાયાલય દ્વારા દંડને પાત્ર બને તો એમાં પણ એનું જ કંઈ કલ્યાણ સમાયેલું છે એવું આપણે વિચારીએ. આમ કરવાથી, પહેલાં તો તેને પોતાની ભૂલ મહેસૂસ થશે અને બીજો ફાયદો એ થશે કે ભવિષ્યમાં તે આ ચોરી કરવાની ખોટી આદતમાંથી મુક્ત થઈ જશે. અતઃ આવી વ્યક્તિ પ્રત્યે પણ શુભ ભાવના રાખવી એ આપણી ફરજ છે, કારણ કે મૂળભૂત રીતે ‘ક્ષમા’ એ એક આંતરિક ભાવના છે, માટે આપણે પોતાના મનમાં બધા પ્રત્યે શુભ ભાવના, શુભકામના અને દિલનો પ્રેમ રાખવો જરૂરી છે જેથી આપણું મગજ સદા શાંત અને પ્રેમાળ રહે અને આપણે વેર વાળવાની આગમાં પોતાની જાતને બાળવા તેમ જ અમૂલ્ય સમયને વેડફવામાંથી બચી જઈએ. યાદ રહે કે ‘ક્ષમાભાવ’થી જીવનમાં મીઠાશ આવવા માંડે છે જેને કારણે વેરભાવ, કટુતા ઇત્યાદિ બધું જ સમાપ્ત થઈ જાય છે અને શ્રેષ્ઠાચારી-નિર્મળ માર્ગ પર આપણી જીવનયાત્રાનો આરંભ થઈ જાય છે. તો આવો, આજથી જ ક્રોધ, તિરસ્કાર, વેર જેવા સૂક્ષ્મ અવગુણોને છોડીને શાશ્વત અને દિવ્ય પ્રેમના સ્રોત એવા ‘ક્ષમાભાવ’ને પોતાના જીવનમાં અપનાવીએ અને સરળ-સુખી જીવનનો લાભ લઈએ, કારણ કે ‘ક્ષમા’ વગર આપણું કોઈ ભવિષ્ય નથી.
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી (રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)