Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > રામાયણ માત્ર ભારતનું મહાકાવ્ય નથી, એ તો છે વૈશ્વિક સંસ્કૃતિઓને જોડતો ઇતિહાસ

રામાયણ માત્ર ભારતનું મહાકાવ્ય નથી, એ તો છે વૈશ્વિક સંસ્કૃતિઓને જોડતો ઇતિહાસ

Published : 09 August, 2026 04:01 PM | IST | Mumbaim
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

રણબીર કપૂરની રામાયણ ફિલ્મનું ટ્રેઇલર લૉન્ચ થયું છે ત્યારથી આ મહાગ્રંથ ચર્ચામાં છે.  આ મહાગ્રંથના જીવનમૂલ્યોને કારણે તે વિશ્વ સંસ્કૃતિનો અભિન્ન અંગ બન્યો છે. આજે વિશ્વના એવા દેશોની સફરે જઈએ ત્યાં રામકથા જીવંત અને ઝળહળે છે

બાલીમાં શ્રી રામનું ભવ્ય અને પૂજનીય પૂતળું.

બાલીમાં શ્રી રામનું ભવ્ય અને પૂજનીય પૂતળું.


રામાયણ માત્ર મહાકાવ્ય નથી, માનવસંસ્કૃતિને જોડતો વૈશ્વિક સાંસ્કૃતિક ઇતિહાસ છે. ભારતથી શરૂ થયેલી શ્રી રામચંદ્રજીની ગાથાને જે રીતે ભાષાની સીમાઓ નથી એ જ રીતે રામાયણને ધર્મ, રાજકીય સરહદો અને સમયની પણ સીમાઓ નથી. આથી જ તો ભારત સિવાય વિશ્વના બીજા અનેક દેશોએ પણ રામચંદ્રજી અને રામકથાને પોતાની સંસ્કૃતિ અનુસાર અપનાવ્યાં છે, નવા રંગો આપ્યા છે. જોકે એનું મૂળ તત્ત્વ ‘ધર્મ, કર્તવ્ય, સત્ય અને માનવતા’ આજે પણ અવિચળ છે. આથી જ તો હજારો વર્ષ પછી પણ રામાયણ માત્ર ભારતના નહીં, સમગ્ર વિશ્વના અમૂલ્ય સાંસ્કૃતિક વારસા તરીકે જીવંત અને સ્વીકાર્ય છે.
ભગવાન શ્રીરામ અને તેમનું જીવનદર્શન કરાવતું રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ નહીં; આદર્શ જીવન, નૈતિકતા, કર્તવ્ય અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. એશિયાના અનેક દેશોમાં આજે પણ રામાયણ તેમની સંસ્કૃતિ, કલા, નૃત્ય, નાટ્ય, સાહિત્ય અને લોકજીવનમાં જીવંત છે. એથીયે વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આમાંના કેટલાક દેશો તો હિન્દુ બહુમતીવાળા પણ નથી. ચાલો, અલગ-અલગ રીતે રામાયણને પોતાની સંસ્કૃતિમાં વણી ચૂકેલા કેટલાક દેશોની સફરે.

ઇન્ડોનેશિયા : વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ, છતાં જેનું ગૌરવ છે રામાયણ



આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડોનેશિયા એક એવો દેશ છે જ્યાં વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી રહે છે. એમ છતાં આ દેશમાં રામાયણનું એક નોખું સ્થાન છે. ઇન્ડોનેશિયા એકમાત્ર એવો દેશ છે જે મુસ્લિમ બહુમતીવાળો હોવા છતાં રામાયણ એની સાંસ્કૃતિક ઓળખનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય. 
જાવા અને બાલી ટાપુઓ તો એવાં સ્થળો છે જ્યાં દર વર્ષે ભવ્ય રામાયણ બૅલેનું આયોજન થાય છે. એમાં પણ તમને જો ક્યારેક મોકો મળે તો પ્રામ્બાનન મંદિરના પ્રાંગણમાં રામાયણ પર રજૂ થતી નૃત્યનાટિકા એક વાર જોવા જેવી છે. આ નાટિકા માત્ર ઇન્ડોનેશિયામાં જ નહીં, આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભગવાન રામને ‘રામા વિજય’ તરીકે ઓળખતા ઇન્ડોનેશિયન્સમાં રામચંદ્રજી અને રામાયણના સંસ્કાર એટલા ઊંડે સુધી ઊતર્યા છે કે બાલીમાં તો ઘરો, મંદિરો અને જાહેર સ્થળોએ પણ રામાયણનાં દૃશ્યો કોતરાયેલાં જોવા મળે છે. ઇન્ડોનેશિયાની પ્રાચીન કલા ‘વયાંગ કુલિત’ (છાયા નાટક)માં પણ રામાયણની વાર્તાઓ રજૂ કરવામાં આવે છે. અહીંની રાષ્ટ્રીય ઍરલાઇનનું નામ ‘ગરુડા’ છે જે ભારતીય પૌરાણિક પરંપરાથી પ્રેરિત છે.


થાઇલૅન્ડ : રાજાનું નામ જ રામા

થાઇલૅન્ડ રામાયણને સ્થાનિક સ્વરૂપે રામાકિયન તરીકે ઓળખે છે. અહીંની સંસ્કૃતિ અને સંસ્કારોમાં રામચંદ્રજી અને રામાયણ એવાં સંકળાયેલાં અને સ્વીકારાયેલાં છે કે થાઇલૅન્ડનો રાજવંશ સદીઓથી પોતાના રાજાઓને ‘રામા’ની ઉપાધિ દ્વારા જ સંબોધે છે. વર્તમાન રાજા ‘રામા દસમ’ તરીકે ઓળખાય છે.
ક્યારેક બૅન્ગકૉક જવાનું થાય તો ત્યાંના ગ્રૅન્ડ પૅલેસની મુલાકાત લેજો. એની દીવાલો પર પણ રામાકિયનનાં કથાચિત્રો અંકિત કરવામાં આવ્યાં છે. અરે, થાઈ શાસ્ત્રીય નૃત્ય, સંગીત અને લોકનાટકોમાં પણ રામાયણને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. થાઇલૅન્ડમાં રાવણને ‘તોસાકાન’ અને હનુમાનને અત્યંત શૂરવીર તથા બુદ્ધિશાળી યોદ્ધા તરીકે રજૂ કરવામાં આવે છે.


કંબોડિયા : મંદિરથી નૃત્ય સુધીની સંસ્કૃતિ

કંબોડિયા અલગ દેશ, અલગ નામ પણ કથા અને કથાનાયક એ જ રામાયણ અને રામચંદ્રજી. કંબોડિયામાં રામાયણ ‘રીઅમકેર’ નામથી ઓળખાય છે. વિશ્વવિખ્યાત અંગકોર વાટ મંદિર વિશે તો આપણે બધા જાણીએ છીએ. કંબોડિયાના એ મંદિરની દીવાલો પર પણ રામાયણના અનેક પ્રસંગો અદ્ભુત શિલ્પો તરીકે કોતરાયેલા છે. અરે, સંસ્કૃતિની પણ વાત કરીએ તો અહીંની પરંપરાગત રાજકીય નૃત્યશૈલીમાં પણ રામાયણને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કંબોડિયા માટે રીઅમકેર માત્ર ધાર્મિક ગ્રંથ નથી, કંબોડિયાની રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક ઓળખનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

લાઓસ : રાષ્ટ્રીય સાંસ્કૃતિક કથા ‘ફ્રા લાક ફ્રા લામ’

લાઓસમાં રામાયણનું આગવું સ્વરૂપ એટલે ફ્રા લાખ ફ્રા લામ.  ફ્રા લાક એટલે લક્ષ્મણ અને ફ્રા લામ મતલબ રામ. અહીં ભગવાન રામચંદ્રજી અને અનુજ ભાઈ લક્ષ્મણનું બૌદ્ધ પરંપરા સાથે ઐક્ય કરવામાં આવ્યું છે. લાઓસનાં અનેક મંદિરોમાં રામકથાનાં ભીંતચિત્રો તો જોવા મળે જ છે, સાથે જ ધાર્મિક ઉત્સવો દરમ્યાન એનું પઠન પણ થાય છે.

 મ્યાનમાર : રામાયણ એટલે યામા ઝટડો

ભારત સાથે પોતાની બૉર્ડર વહેંચતા આ દેશ મ્યાનમારમાં રામાયણ યામા ઝટડો કહેવામાં આવે છે. થાઇલૅન્ડ અને લાઓસની જેમ જ અહીંનાં પરંપરાગત નાટકો, સંગીત અને કઠપૂતળી પ્રદર્શનોમાં પણ યામા ઝટડો એટલે કે રામાયણની કથા રજૂ થાય છે. અલબત્ત, ત્યાંની સ્થાનિક ભાષા અને સંસ્કૃતિ અનુસાર એમાં કેટલાક પ્રસંગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તોય કથાનો મૂળ સંદેશ અખંડિત રહ્યો છે.

મલેશિયા : રામાયણ એટલે હિકાયત સેરી રામા

મલેશિયામાં રામાયણનું સ્વરૂપ હિકાયત સેરી રામા તરીકે જાણીતું છે. મલેશિયાની મૂળ ભાષા એટલે કે મલય ભાષામાં લખાયેલી રામાયણ ભાગ્યે જ કોઈક મલેશિયાવાસીને નહીં ખબર હોય. આ ગ્રંથ અને ત્યાંની સ્થાનિક લોકસંસ્કૃતિ વચ્ચે એક અનન્ય સમન્વય રચાયેલો જોવા મળે છે. મલેશિયાનાં પરંપરાગત છાયા નાટકોમાં શ્રીરામચંદ્રજીની ગાથા આજે પણ અત્યંત લોકપ્રિય છે.

નેપાલ: માતા સીતાની જન્મભૂમિ

નેપાલ તો આમેય મહાદેવના ધામ તરીકે જાણીતું છે જ, પણ રામાયણ સાથે એનો અનન્ય નાતો છે એ આપણે બધા જાણીએ છીએ. માતા સીતાનું જન્મસ્થાન જનકપુરી નેપાલમાં આવેલું છે એ વાત આપણાથી અજાણી નથી. ભારત સાથે રામાયણ દ્વારા નેપાલનું વિશેષ જોડાણ છે. એ જ જનકપુરમાં આવેલું ભવ્ય જાનકી મંદિર કરોડો ભારતીયો અને નેપાલી શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ છે. દર વર્ષે વિવાહ પંચમી મહોત્સવ દરમ્યાન નેપાલમાં ભગવાન રામ અને માતા સીતાના વૈવાહિક પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

શ્રીલંકા : નામમાં જ રામાયણ

જે રીતે કલાલ માતા સીતાનું ધામ છે એ જ રીતે શ્રીલંકા તો રાવણની જ ભૂમિ. એકમાત્ર રામાયણને કારણે તો શ્રીલંકામાં આખેઆખું પર્યટન અર્થતંત્ર વિકસ્યું છે. 
શ્રીલંકામાં રામાયણ સાથે જોડાયેલાં અનેક સ્થળો પર્યટકો અને લોકલ્સ માટે આજે પણ રામાયણના સાંસ્કૃતિક વારસા તરીકે જળવાયાં છે. અશોકવાટિકા, દિયુરુમપોલા, રાવણગુફા, રાવણધોધ જેવાં અનેક સ્થળો દ્વારા આજ સુધી શ્રીલંકા રામાયણનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અને આ સ્થળો ત્યાંના પર્યટનનો વિશેષ હિસ્સો બની ચૂક્યાં છે. ભારત અને શ્રીલંકાના પ્રવાસીઓ માટે વિશેષ ‘રામાયણ ટ્રેઇલ’ પણ લોકપ્રિય બની છે.

ફિલિપીન્સ : મહારાદિયા લવાણા મહાકાવ્ય એટલે રામાયણ

ફિલિપીન્સના મરાનાઓ સમુદાયમાં રામાયણ પરથી પ્રેરિત મહાકાવ્ય ‘મહારાદિયા લવાણા’ પ્રચલિત છે. મ્યાનમારની જેમ જ અહીં પણ ભલે વાર્તાઓમાં સ્થાનિક ફેરફારો જોવા મળે છે; પરંતુ એના મૂળમાં રામાયણની કથા, કથાનાયક અને એની જ અસરો સ્પષ્ટપણે જોવા મળે છે.

જપાન : રામાએના ગ્રંથના પૂજન સાથે રામકથાઓનું લોકનૃત્ય ફેમસ

જપાનમાં રામાયણનો પ્રવેશ બુદ્ધિઝમની સાથે જ થયો હતો. અહીં રામાયણને રામાએના અથવા રામાએન્શો તરીકે ઓળખવામાં આવે છે. રામાયણ દસમી સદીમાં સામ્બો ઇકોતોબા અને ૧૨મી સદીમાં હોબુત્સુશુ તરીકે લખાયું હતું. અહીં બુગાકુ અને ગાગાકુ જેવી ડાન્સ સ્ટાઇલ છે જે જૅપનીઝ રામાયણની કથાઓનું નિદર્શન કરે છે.

 

Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 04:01 PM IST | Mumbaim | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK