Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > CultureCon 2026: મુંબઈમાં 6-7 ઓગસ્ટે યોજાશે ક્રિએટિવ ઇકોનોમી પર દેશની પ્રતિષ્ઠિત કોન્ફરન્સ

CultureCon 2026: મુંબઈમાં 6-7 ઓગસ્ટે યોજાશે ક્રિએટિવ ઇકોનોમી પર દેશની પ્રતિષ્ઠિત કોન્ફરન્સ

Published : 04 August, 2026 05:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Creative Economyથી લઈને AI, Performing Arts, Networking અને Creative Careers સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા દેશભરના કલાકારો, ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાતો મુંબઈના NCPA ખાતે CultureCon 2026માં મળશે.

ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસ માટે કલ્ચર કોન પ્રકારનો મંચ અનિવાર્ય છે - ફાઇલ તસવીર

ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસ માટે કલ્ચર કોન પ્રકારનો મંચ અનિવાર્ય છે - ફાઇલ તસવીર


ભારતમાં ફિલ્મ, સંગીત, ડિઝાઇન, ગેમિંગ, પરફોર્મિંગ આર્ટ્સ અને હેરિટેજ જેવા સર્જનાત્મક ક્ષેત્રો હવે માત્ર કલા પૂરતા મર્યાદિત રહ્યા નથી. તેઓ રોજગાર, ઉદ્યોગસાહસિકતા, ટેક્નોલોજી અને અર્થતંત્રના મહત્વના ભાગ બની રહ્યા છે. આ બદલાતી ક્રિએટિવ ને કેન્દ્રમાં રાખીને કલ્ચર કોન 2026ની ચોથી આવૃત્તિ 6 અને 7 ઓગસ્ટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ (NCPA) ખાતે યોજાશે. આર્ટ એક્સ કંપની, ફેસ્ટિવલ્સ ઑફ ઇન્ડિયા અને NCPAના સહયોગથી યોજાતી આ બે દિવસીય કોન્ફરન્સમાં કલાકારો, લેખકો, ફિલ્મમેકર્સ, ડિઝાઇનર્સ, સંગીતકારો, ક્યુરેટર્સ, સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પૉલિસી મેકર્સ, ફંડર્સ અને ક્રિએટિવ આંત્રપિન્યોર્સ એક જ મંચ પર મળશે. કોન્ફરન્સનો ઉદ્દેશ માત્ર ચર્ચા પૂરતો નથી, પરંતુ સર્જનાત્મક ક્ષેત્રમાં નવી તકો, સહયોગ અને ટકાઉ વિકાસ અંગે અર્થપૂર્ણ સંવાદ ઊભો કરવાનો છે.

2020માં શરૂ થયેલું CultureCon આજે ભારતમાં સર્જનાત્મક ક્ષેત્ર માટેનું મહત્વનું પ્લેટફોર્મ બની ચૂક્યું છે. દર વર્ષે બદલાતી થીમ સાથે યોજાતી આ કોન્ફરન્સમાં કલા, સંસ્કૃતિ અને વ્યવસાય વચ્ચેના સંબંધો પર ચર્ચા થાય છે. આ વર્ષની થીમ ક્રિએટિવ ઇકોનોમી છે, જેમાં સંસ્કૃતિ, મૂડીરોકાણ, વેપાર, જાહેર નીતિ, ટેક્નોલોજી અને સર્જનાત્મક કારકિર્દી વચ્ચેના બદલાતા સંબંધો પર વિવિધ સત્રો યોજાશે. ભારતમાં ફિલ્મ, સંગીત, ડિઝાઇન, ડિજિટલ મીડિયા, પબ્લિશિંગ, પરફોર્મિંગ આર્ટ્સ અને હેરિટેજ જેવા ક્ષેત્રો આગામી વર્ષોમાં અર્થતંત્રમાં વધુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં CultureCon 2026 વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકોને એકત્ર લાવી વિચારોના આદાનપ્રદાન માટેનું મંચ પૂરું પાડશે.



કેવા સેશન્સ યોજાશે? 


કોન્ફરન્સ દરમિયાન અનેક પેનલ ડિસ્કશન્સ, કીનોટ સેશન્સ, વર્કશોપ્સ અને મેન્ટોરશીપ સેશન્સ યોજાશે. મુખ્ય સત્રોમાં સામેલ છે: ટીમવર્ક આર્ટ્સના Managing Director સંજય રોય ભારતની ક્રિએટિવ અને સાંસ્કૃતિક નીતિઓ પર કીનોટ એડ્રેસ આપશે. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિએટિવ ટેક્નોલૉજીઝ (IICT)ના ડૉ. આશિષ કુલકર્ણી સર્જનાત્મક ક્ષેત્રમાં સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારીની નવી તકો અંગે ચર્ચા કરશે. રોશન અબ્બાસ અને વિજય સુબ્રમણ્યમ વચ્ચે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને માનવીય સર્જનાત્મકતાના ભવિષ્ય અંગે ચર્ચા યોજાશે. ભારતમાં લાઇવ મ્યુઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા અંગે ગિરિશ `બોબી` તલવાર, શિલ્પી ગુપ્તા, દીપ્તિ રાવ અને જિષ્ણુ દાસગુપ્તા પોતાના વિચારો રજૂ કરશે.

જિષ્ણુ દાસગુપ્તા પર્યાવરણમૈત્રી કન્સર્ટ ટૂર અને સૌર ઊર્જાથી સંચાલિત કન્સર્ટ્સ અંગેના પોતાના અનુભવો પણ શેર કરશે. `અનસેન્ટર્ડ` નામના વિશેષ સત્રમાં હિમાચલ પ્રદેશ, મેઘાલય, લડાખ, મિઝોરમ સહિતના વિસ્તારો તેમજ ઓસ્ટ્રેલિયાના સર્જકો સાથે `રિવર્સ પિચ` ફોર્મેટમાં ચર્ચા યોજાશે. આ સત્રમાં મેટ્રો શહેરોની બહાર વિકસતી સર્જનાત્મક પહેલો અને પ્રાદેશિક પ્રતિભાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે.


નેટવર્કિંગની તક

CultureCon માત્ર ચર્ચાઓ પૂરતું મર્યાદિત નથી. કોન્ફરન્સ દરમિયાન માસ્ટરક્લાસ, મેન્ટરશિપ લેબ્સ, નેટવર્કિંગ સેશન્સ અને વર્કશોપ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રના અનુભવી વ્યાવસાયિકો સાથે સીધો સંવાદ સાધવાની તેમજ નવા સહયોગોની તકો શોધવાની તક સહભાગીઓને મળશે. બંને દિવસની ચર્ચાઓ બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 6 ઓગસ્ટે રોશન અબ્બાસ તેમના લાઇવ સોલો પરફોર્મન્સ `ડોન્ટ વરી હો જાયેગા` રજૂ કરશે. જ્યારે 7 ઓગસ્ટે બી-સ્પોટ પ્રોડક્શન દ્વારા રજૂ થનાર `રંગ બિરંગી લાવણી` કાર્યક્રમમાં પરંપરાગત લાવણી નૃત્યને સમકાલીન દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવશે, જેમાં જાતિ, વર્ગ અને જેન્ડર જેવા મુદ્દાઓને પણ સ્પર્શવામાં આવશે.

આયોજકોનું શું કહેવું છે?

કલ્ચર કોનના ડાયરેક્ટર અને આર્ટ એક્સ કંપનીનાં સ્થાપક રશ્મિ ધનવાનીના જણાવ્યા અનુસાર, ભારતમાં ક્રિએટિવને મજબૂત બનાવવા માટે માત્ર ફંડિગ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી. વિવિધ ક્ષેત્રના લોકો વચ્ચે સંવાદ, સહયોગ અને જ્ઞાનની આપ-લે એટલી જ જરૂરી છે, અને કલ્ચરકોન તે માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યું છે. NCPAના થિએટર અને ફિલ્મ વિભાગના વડા બ્રુસ ગથ્રીએ જણાવ્યું હતું કે કલ્ચર કોન જેવી પહેલ વિવિધ કલાત્મક ક્ષેત્રોને એક જ મંચ પર લાવી ભવિષ્ય અંગે અર્થપૂર્ણ ચર્ચા શરૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના જણાવ્યા મુજબ, ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસ માટે આવા સહયોગી પ્લેટફોર્મ્સ સમયની જરૂરિયાત છે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK