ભગવાન ભક્તનાં બધાં જ કર્મોને ખાઈ જાય છે. એક જ શરત કે ભગવાનને બધું જ અર્પણ કરો.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ધારો કે પ્રેમદેવતા બહુ દૂરથી આવ્યા છે, કરુણા કરીને આવ્યા છે. તેમણે હૃદયમાં પગ મૂકી દીધો છે. ચરણ ધોવાનાં છે. સાધકે પ્રેમદેવતાને પૂછ્યું તો કહેવામાં આવ્યું કે તારી પાસે આંખોનું જળ છે? એ જળથી ચરણ ધોવામાં આવે છે.
સાધકે પૂછ્યું, ‘તમે કહો તો ચંદન કરુણ.’
ADVERTISEMENT
પ્રેમદેવતાએ કહ્યું, ‘તારા હૃદયની શીતળતાનું જ ચાલે. તારું હૃદય શાંત છે?’
સાધકે કહ્યું, ‘તમે આવ્યા ત્યારે એ શાંત થઈ ગયું.’
પ્રેમદેવતાએ ઉદારતા દર્શાવી. પૂછ્યું, ‘ફૂલ ચડાવું?’
દેવતાએ કહ્યું, ‘તારું પવિત્ર મન ચડાવ. એ જ સુમન ચાલશે.’
‘ધૂપ કરું.’
‘હા, કરો.’
સાધકે પૂછ્યું, ‘કયો કરું?’
‘વૈરાગ્યના અગ્નિમાં વાસનાને સળગાવો. એ ધૂપ થઈ જશે. એ જ મારા માટે સુગંધ બની જશે.’
‘આરતી કરું?’
એટલે પ્રેમદેવતાએ કહ્યું, ‘સજ્જનના આચરણના રૂની વાટ બનાવો. જ્ઞાનનું ઘી, ચારિયની વાટ બનાવીને મારી આરતી ઉતારો.’
ભક્તે આરતી ઉતારી લીધી. પછી પ્રેમદેવતાએ કહ્યું, ‘તારાં સારાં-ખરાબ કર્મોનો ભોગ ધર.’
ભગવાન ભક્તનાં બધાં જ કર્મોને ખાઈ જાય છે. એક જ શરત કે ભગવાનને બધું જ અર્પણ કરો.
‘તુલસીપત્ર કયું મૂકું?’ સાધકે પૂછી લીધું.
પ્રેમદેવતાએ કહ્યું, ‘અનુરાગનું તુલસીપત્ર મૂકો.’
વાત આવી ભેટ ધરવાની એટલે પ્રેમદેવતાએ કહ્યું, ‘તારો રહ્યોસહ્યો અહંકાર દઈ દે, હું એનો સદુપયોગ કરીશ.’
બધું થઈ ગયું. આશીર્વાદ બાકી રહ્યા. સાધક ઝોળી ફેલાવી બેઠો છે, માગવાની હિંમત નથી થતી. પ્રેમદેવતાએ પૂછ્યું, ‘શું વરદાન જોઈએ છે?’
સાધકે બહુ સરસ જવાબ આપ્યો, ‘એ સમજણ હોત તો સાધનાથી તને પકડી ન લેત? તેં કરુણા કરી. હવે શું આપવું અને શું ન આપવું એ તું જ નક્કી કર.’
પ્રેમદેવતાએ તથાસ્તુ કહેતાં કહી દીધું, ‘હવે ઝોળી ફેલાવ અને સંભાળ ઝોળી.’
પ્રેમદેવતાએ શરણાગતિ આપી દીધી. સાધક ધ્રૂજવા લાગ્યો.
‘આ સંપત્તિને હું કેવી રીતે સંભાળું?’
એક જ કામ બાકી હતું હવે. બેઠા રહેવાનું, તાકતા રહેવાનું, રડતા રહેવાનું. નિઃસ્વાર્થ પ્રેમે સાધકને શરણાગતિ સુધી પહોંચાડી દીધો. આ જે શરણાગતિ છે એ સુખમય જીવનનો અનુભવ છે.
