જો કોઈ વસ્તુ સડે જ નહીં તો ખેતી જ ન થઈ શકે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
આપણે વાત કરીએ છીએ સૂક્ષ્મ જંતુઓની અને આ જ વિષયમાં વાત શરૂ થઈ સડાની. જો કોઈ વસ્તુ સડે જ નહીં તો ખેતી જ ન થઈ શકે, કારણ કે જમીનમાં સડવાની પ્રક્રિયા થાય તો તે ઉર્બરક બને. બીજ પણ એવું ને એવું જ પડ્યું રહે તો અંકુર નીકળે નહીં. ખાધેલું પચે જ નહીં. વિષ્ટા હજારો વર્ષ સુધી વિષ્ટા જ રહે. જમીનમાં પરિવર્તિત થાય જ નહીં. ચારે તરફ જ્યાં જોશો ત્યાં પરિવર્તન થઈ રહ્યું છે એ બધું બૅક્ટેરિયાને આભારી છે.
બૅક્ટેરિયા વિના જીવનવ્યવસ્થાની કલ્પના જ કરી શકાય નહીં એટલે વાયુના બૅક્ટેરિયાનો સદંતર અભાવ કરી શકાય નહીં. કદાચ કરવામાં આવે તો એ હાનિકારક અને લાભકારક એમ બન્ને પ્રકારના હોય છે. એટલે જ્યાં હાનિકારક બૅક્ટેરિયા ન હોય એમને સારી હવા કે શુદ્ધ હવા કહેવાય છે. ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઝેરી રસાયણો વાયુમાં ભળવાથી જેમ હવા દૂષિત થાય એમ રોગના જીવાણુઓ મોટા પ્રમાણમાં જ્યાં ભળ્યા હોય કે ભળતા હોય એ હવાને પણ દૂષિત કહેવાય. સંક્રામક રોગોના બૅક્ટેરિયા જ્યાં વધુ પ્રમાણમાં હોય ત્યાં રહેવું હિતાવહ ન કહેવાય. જોતજોતામાં કોલેરા, પ્લેગ, ફ્લુ જેવા રોગો ફેલાઈ જતા હોય છે અને હજારો માણસોને મારી નાખતા હોય છે. અગાઉ કહ્યું એમ આવા ભયંકર રોગિષ્ઠ વાયુવાળા વાતાવરણમાં પણ કેટલાક લોકોને ચેપ વળગતો નથી હોતો અને તેઓ સ્વસ્થતાથી રહી શકતા હોય છે, કારણ કે તેમની અંદર રહેલા સૈનિક બૅક્ટેરિયા રોગ બૅક્ટેરિયાની સાથે યુદ્ધ કરીને એમને મારી નાખતા હોય છે એટલે એમની અસર થતી નથી હોતી.
આ કુદરતી મંગલમય વ્યવસ્થા છે. આપણી જાણ બહાર આપણી અંદર સતત બૅક્ટેરિયાનું ભીષણ યુદ્ધ ચાલ્યા કરતું હોય છે. જ્યાં સુધી આપણા સૈનિકો બળવાન હોય છે ત્યાં સુધી જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ઍન્ટિ-બાયોટિક્સ દવાઓથી રોગના જીવાણુઓ મરી જતા હોય છે, પણ સાથે-સાથે રક્ષક સૈનિકો પણ મરી જતા હોય છે. એટલે રોગીનો રોગ તો મટી જાય છે; પણ રોગી પોતે અશક્ત થઈ જાય છે, તેને ભૂખ નથી લાગતી અને ખોરાકમાં સ્વાદ નથી આવતો એટલે કુશળ ડૉક્ટર સારા બૅક્ટેરિયા વધારવા માટેની પણ દવા સાથે-સાથે આપે છે જેથી સારા બૅક્ટેરિયા વધી જાય અને માણસ તંદુરસ્ત થઈ જાય. નિસર્ગોપચારવાળા ઍન્ટિ-બાયોટિક્સ દવાઓનો ઉપયોગ નથી કરતા એટલે સંક્રામક રોગો કે બીજા ભયંકર રોગો બહુ ધીરે-ધીરે સારા થતા હોય છે અથવા નથી પણ થતા હોતા.
પર્યાવરણની દૃષ્ટિએ હવાની અશુદ્ધિ અલગ વસ્તુ છે. અમુક પ્રકારના કપડાની પટ્ટી કે માસ્ક પહેરવાથી થોડા પ્રમાણમાં હવાનાં દૂષણોથી બચી શકાય છે, પણ બૅક્ટેરિયા એટલા સૂક્ષ્મ હોય છે કે એમનાથી બચવું કઠિન છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)