Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > શા માટે ઉજ્જૈનમાં જ વૈદિક ઘડિયાળ ખુલ્લી મુકાઈ?

શા માટે ઉજ્જૈનમાં જ વૈદિક ઘડિયાળ ખુલ્લી મુકાઈ?

03 March, 2024 08:17 AM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

જ્યોતિષી ગણના અનુસાર ઉજ્જૈન ન માત્ર ભારતનું કેન્દ્રબિંદુ છે બલ્કે એ ભારતનો આત્મા પણ છે. બે દિવસ પહેલાં અહીં ખુલ્લી મુકાયેલી વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ તમને લઈ જશે સમયની આરપાર.

ઉજ્જૈનમાં વૈદિક ઘડિયાળ

ઉજ્જૈનમાં વૈદિક ઘડિયાળ


જ્યોતિષી ગણના અનુસાર ઉજ્જૈન ન માત્ર ભારતનું કેન્દ્રબિંદુ છે બલ્કે એ ભારતનો આત્મા પણ છે. બે દિવસ પહેલાં અહીં ખુલ્લી મુકાયેલી વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ તમને લઈ જશે સમયની આરપાર. એ તમને ઘડી, સૂર્યોદય, સૂર્યાસ્ત, પંચાંગ, કાળ-ચોઘડિયાં, નક્ષત્ર, મુહૂર્ત અને દિશાઓની પરિસ્થિતિની સાથે-સાથે ભારતનો સ્ટાન્ડર્ડ ટાઇમ પણ બતાવશે અને ગ્રીનવિચ ટાઇમ પણ. જાણીએ કેમ આ ઘડિયાળ ભારતની સંસ્કૃતિનું ગૌરવ છે એ...


મહાકાલના ધામ ઉજ્જૈનમાં ભારતના સાંસ્કૃતિક વારસાના ગૌરવસમું વૈદિક ઘડિયાળ બે દિવસ પહેલાં પહેલી માર્ચે ખુલ્લું મુકાયું. એક એવું ઘડિયાળ જેના પર હવે વિશ્વ આખું રિસર્ચ કરશે. શા માટે? કારણ કે ભારતના ઋષિમુનિઓએ વર્ષો પહેલાં જે ઘટી, ઘડી, સૂર્યોદય, સૂર્યાસ્ત, પંચાંગ, કાળ, ચોઘડિયાં, નક્ષત્ર, મુહૂર્ત અને દિશાઓની પરિસ્થિતિ અને ગણતરીઓ સાથે જે કોઠાસૂઝ, બુદ્ધિપ્રતિભા અને ભારતીય વિજ્ઞાન વાપરીને એની રચના કરી હતી એ વૈદિક ઘડિયાળ વિશે વિશ્વ આખાને હજી ખબર જ નથી! એટલું જ નહીં, જો કોઈને એવો ભ્રમ હોય કે હાલમાં વિશ્વ જે સમયને અનુસરે છે એ ગ્રીનવિચ સમય અને એના આધારે ચાલતી ઘડિયાળ જ સ​ટિક અને સચોટ છે તો કહી દઈએ કે ભારતમાં શોધાયેલી સમય-ગણનાની આ પદ્ધતિ અને એની ઘડિયાળ વિશ્વમાં આજ સુધીમાં શોધાયેલી કોઈ પણ ઘડિયાળ કે સમય-ગણના પદ્ધતિ કરતાં ક્યાંય વિશેષ, આધુનિક, અત્યંત સચોટ અને સ​ટિક છે. એટલે જ તો આજે હવે આખા વિશ્વમાં ભારતની કાળગણના પદ્ધતિ વિશે જાણવાની, સમજવાની અને રિસર્ચ કરવાની જિજ્ઞાસા શરૂ થઈ છે.



થોડે અગાડી, થોડે પિછાડી


એક સમય હતો જ્યારે આખા વિશ્વના સમયનું સંચાલન ભારતથી અને એમાંય ઉજ્જૈનથી જ થતું હતું. બીજા શબ્દોમાં તમે એમ કહી શકો કે ઉજ્જૈન સમય-ગણનાના ‘મીન’ તરીકે પ્રખ્યાત હતું. તો પછી આ ઘડિયાળ હમણાં કેમ અને એ પણ ફરી એક વાર ઉજ્જૈનમાં જ કેમ એ વિશે સમજવા માટે આપણે થોડા પાછળના સમયમાં જવું પડશે. શરૂઆત કરીએ નજીકના ભૂતકાળથી. ગયા વર્ષનો એ સપ્ટેમ્બર મહિનો યાદ છે? જ્યારે ભારતમાં G20 સમિટ થઈ હતી? દિલ્હીમાં બનેલા મંચને ‘મંડપમ’ નામ આપ્યું ત્યારથી જ કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વને ભારતીય સંસ્કૃતિની ઝાંખી આપવાનું કામ શરૂ થઈ ચૂક્યું હતું. એ સમિટમાં બધા અતિથિ દેશોના વડાઓને રાષ્ટ્રપતિએ ભોજન માટે આમંત્રણ આપ્યું હતું ત્યાં ભારતની નાલંદા વિદ્યાપીઠની છ​બિવાળું બૅકગ્રાઉન્ડ મૂકવામાં આવ્યું હતું. યાદ છે? એની પાછળ પણ એક ચોક્કસ કારણ હતું. એ બૅકગ્રાઉન્ડ દેખાડવાના બહાને વડા પ્રધાને વિશ્વભરથી આવેલા અતિથિઓને નાલંદા વિદ્યાપીઠનું મહત્ત્વ જણાવ્યું અને સમજાવ્યું હતું.

ત્યાર બાદ તેમણે ઉજ્જૈનના મહત્ત્વ અને માહાત્મ્ય વિશે પણ દેશમાં અનેક વાર વાતો કરી. ઉજ્જૈન હિન્દુઓમાં સૌથી પવિત્ર ગણાતી એવી સાત પુરીઓમાંની એક પુરી છે. શા માટે? કારણ કે જ્યોતિષી ગણના અનુસાર ઉજ્જૈન ન માત્ર ભારતનું કેન્દ્રબિંદુ છે બલ્કે એ ભારતનો આત્મા પણ છે. આ એ જ નગર છે જ્યાં મહારાજા વિક્રમાદિત્યએ રાજ કર્યું હતું અને આ એ નગર પણ છે જ્યાંથી ભારતીય વર્ષગણના, ‘વિક્રમ સંવત’ની શરૂઆત થઈ હતી. વળી ઉજ્જૈન એ પૃથ્વીની કર્કરેખા પર સ્થાપિત નગર છે. તેથી હા, એક આશય એ ચોક્કસ જ ખરો કે આ વૈદિક ઘડિયાળ દ્વારા ભારતીય સંસ્કૃતિ અનુસાર સમય-ગણનાની પદ્ધતિથી આખા વિશ્વને અવગત કરાવી શકાય.


વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ

આ ઘડિયાળ જે પહેલી માર્ચે ખુલ્લી મૂકવામાં આવી એ આખા વિશ્વની પહેલી વૈદિક ઘડિયાળ છે. આપણે એને ‘વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ’ પણ કહી શકીએ, કારણ કે એનો વિકાસ અને મૂળત: આધિકા​રિક સ્વીકાર રાજા વિક્રમાદિત્યના કાળમાં થયો હતો. એ સૂર્યોદય અને સૂર્યાસ્તના એટલે કે સૃષ્ટિના નિયમ આધારિત કામ કરે છે. એની શોધ અને બનાવટ બંને પુરાણોકાળમાં ભારતમાં થઈ હતી. ભારત મૂળતઃ જ સંસ્કૃતિની દૃષ્ટિએ આખા વિશ્વમાં સૌથી ઍડ્વાન્સ્ડ, બુદ્ધિજીવી અને આવિષ્કારોનો દેશ રહ્યો છે.

પુરાણોકાળથી ભારતને લોકો વિશ્વગુરુ તરીકે અમસ્તા જ નહોતા ઓળખતા. બીજી વાત તો છોડો, માત્ર આ એક વૈદિક ઘડિયાળ વિશેની જ માહિતી આપણને એ સમજાવવા માટે પૂરતી છે કે શા માટે ભારત વર્ષોવર્ષથી વિશ્વગુરુ રહ્યું છે.

ઉજ્જૈનમાં જ શા માટે?

આપણા ઋષિમુનિઓનું વિજ્ઞાન આખા વિશ્વના આજના આધુનિક વિજ્ઞાન કરતાં ક્યાંય ઉચ્ચતમ કક્ષાનું રહ્યું હતું, રહ્યું છે અને રહેશે! તેમણે જ કોઈ અકળ ગણતરીઓ અને જ્ઞાન દ્વારા એ પુરવાર કરી દેખાડ્યું હતું કે ઉજ્જૈન માત્ર ભારતનું કેન્દ્ર છે; એટલું જ નહીં, પૃથ્વીની કર્કરેખા પર આવેલી આ નગરી કર્કરેખાની પણ બરાબર મધ્યમાં સ્થાપિત છે. જે વાત આજના વિજ્ઞાને અત્યાધુનિક યંત્રો અને ગણતરીઓ દ્વારા શોધી છે એ જ હકીકત આપણા ઋષિઓએ પુરાણકાળમાં જ કહી દીધી હતી. અર્થાત્, જો તમે એક માપપટ્ટી લઈને કર્કરેખા માપવા જશો તો જાણવા મળશે કે એનું મધ્યબિંદુ તો ઉજ્જૈન છે જે ઉજ્જૈનના ડોંગલા નામના સ્થળથી પસાર થાય છે. આથી કંઈક એવું કહી શકાય કે કર્કરેખાનું મધ્યબિંદુ હોવાથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો સ​ટિક સમય અને અંદાજ ઉજ્જૈનથી જેટલો મળી શકે એટલો સચોટ બીજે ક્યાંયથી મળી શકે એમ નથી. આ જ કારણથી તો રાજવી વિક્રમાદિત્યના સમયમાં અહીં ‘સનવૉચ’ - સૂર્યઆધારિત - ઘડિયાળ પણ બનાવવામાં આવી હતી.

હાલની ઘડિયાળ અને સમય

કોઈને એ વાત પર કદાચ ભરોસો થશે નહીં કે આજથી લગભગ ૩૦૦-૪૦૦ વર્ષ પહેલાં ઉજ્જૈનથી જ આખા વિશ્વભરનો સ્ટાન્ડર્ડ ટાઇમ નિર્ધારિત થતો હતો. દેશની જાણીતી વેધશાળા જેને ‘જીવાજી વેધશાળા’ તરીકે ઓળખવામાં આવે છે એ રાજા જયસિંહ દ્વિતીય દ્વારા ૧૭૨૯ની સાલમાં ઉજ્જૈનમાં જ બનાવડાવવામાં આવી હતી. એ સમયે સમય જોવા માટે એક ‘સનક્લૉક’ બનાવવામાં આવી હતી; જેના આધારે માત્ર ઉજ્જૈનના જ નહીં, આખા વિશ્વના સમયની ગણના થતી હતી.

ત્યાર બાદ ભારત જ્યારે બ્રિટિશ રૂલના તાબામાં હતું ત્યારે અહીં બે અલગ-અલગ સમય માન્ય ગણવામાં આવવા માંડ્યા. કલકત્તા અને એની આસપાસના વિસ્તારો માટે એક અલગ ટાઇમ ઝોન અને ભારતના બીજા વિસ્તારો માટે એક અલગ ટાઇમ ઝોન. જોકે દેશ આઝાદ થયો અને ત્યાર બાદ એક દેશ-એક સમય અંતર્ગત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ (IST) માન્ય રાખવામાં આવ્યો. જોકે એ IST ગ્રીનવિચ સમય-ગણના અનુસાર નિર્ધારિત થયો અને તેથી જ હાલમાં આપણે GMT +5.30 અનુસરીએ છીએ.

અર્થાત્, ગ્રીનવિચ ‘મીન’ ટાઇમથી ૫.૩૦ કલાક આપણે આગળ છીએ. આ GMT વૈશ્વિક કક્ષાએ સ્વીકારાયેલું એક એવું આકલન છે જેને ‘મીન ટાઇમ’ એટલે કે બેન્ચમાર્ક તરીકે ગણવામાં આવે છે (જે પહેલાં ઉજ્જૈન ગણાતું હતું!). હવે વાસ્તવમાં ગ્રીનવિચ ઇંગ્લૅન્ડનું એક ગામ છે જેને ૧૮૮૪ની સાલમાં વૈશ્વિક કક્ષાએ એક મીન ટાઇમ અને મીન પ્લેસ તરીકે સ્વીકારવામાં આવ્યું. અર્થાત્, ગ્રીનવિચ ગામમાં જે સમય હોય એ સમય બેન્ચમાર્ક તરીકે ‘સ્ટાન્ડર્ડ સમય’ ગણાયો અને એ અનુસાર આખા વિશ્વના દરેક દેશનાં ઘડિયાળ એટલે કે સમયની ગણતરી સેટ કરવામાં આવી.

સમય-ગણના

હવે હમણાં સુધી આખું વિશ્વ ગ્રીનવિચ સમય-ગણનાને અનુસરે છે જેમાં મધરાતના બાર વાગ્યે દિવસ તો બદલાઈ જાય છે, પરંતુ સૂર્યોદય થયો નથી હોતો; જ્યારે વૈદિક ઘડિયાળ સૂર્યોદય અને સૂર્યાસ્તના નિયમને અનુસરતું હોવાને કારણે એ અનુસાર સમય અને દિવસ સૂર્યોદયને અનુસરે છે. અર્થાત્, આ ઘડિયાળ આપણને જે સમય દેખાડે છે એ માત્ર સમય જ નથી દેખાડતી; પરંતુ એના દ્વારા આપણને સૂર્યોદયનો સમય, આખા દિવસના મુહૂર્તકાળ, રાહુકાળથી લઈને નક્ષત્રોની પોઝિશન અને શુભ મુહૂર્ત પંચાંગ જેવી બીજી પણ અનેક માહિતીઓ જાણવા મળે છે.

ઉજ્જૈનની વેધશાળામાં મુકાયેલી આ ઘડિયાળની સાથે ગ્રીનવિચ ઘડિયાળ પણ મૂકવામાં આવી છે, જેથી તમે વૈદિક ઘડિયાળના સમય સાથે ગ્રીનવિચ ઘડિયાળ અનુસાર કેટલો સમય થયો એ પણ જાણી શકો અને સરખામણી પણ કરી શકો. મતલબ કે બંને સમય એકસાથે જોઈ શકો.

આપણને એ તો ખબર છે કે વિશ્વની કોઈ પણ ઘડિયાળ કે આધુનિક ગણતરી આપણને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યારે થશે એ વિશે જણાવે એ પહેલાં જ આપણું હિન્દુ પંચાંગ આખા વર્ષ દરમિયાનનાં બધાં જ ગ્રહણો વિશેની પૂર્ણ માહિતી આપણને જણાવી દેતું હોય છે. એટલું જ નહીં, એ કયા-કયા વિસ્તારોમાં દેખાશે એ વિશે પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. ખરું કે નહીં? તો હવે એ જાણીને આનંદાશ્ચર્ય થવું જોઈએ કે આ વૈદિક ઘડિયાળ IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ તો બતાવશે જ, સાથે ગ્રીનવિચ સમય એટલે કે GMT પણ દેખાડશે. જોકે આ વૈભવી વારસાનો વૈભવ અહીં જ પૂરો નથી થતો. એ સિવાય વૈદિક ઘડિયાળ ત્રીસેત્રીસ મુહૂર્ત અને ચોઘડિયાં સાથે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની પણ પૂર્ણ માહિતી દર્શાવશે. વળી એમાં ઊંડાણપૂર્વકની અને અત્યાધુનિક એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે ‘વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ’ નામની એક મોબાઇલ ઍપ્લિકેશન પણ એની સાથે સિન્ક્રોનાઇઝ્ડ હશે જેના દ્વારા તમે મુંબઈમાં કે ગુજરાતમાં પોતાના ઘરે બેઠાં-બેઠાં પણ અલગ-અલગ સ્થળનો સૂર્યોદય સમય, મુહૂર્તકાળ, વિક્રમ સંવત કૅલેન્ડર, રાહુકાળ અને શુભ મુહૂર્ત, પંચાંગ જેવી બીજી અનેક માહિતીઓ મેળવી શકશો.

કેવું છે વૈદિક ઘડિયાળ?

​હિન્દુ સનાતન ધર્મમાં દરેક નાનામાં નાની વસ્તુનું મહત્ત્વ છે અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે એ દરેક નાનામાં નાની વસ્તુ અને એના મહત્ત્વ વિશે ​હિન્દુ ધર્મમાં ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક કહેવાયું છે. એ જ રીતે ​હિન્દુ ધર્મગ્રંથો અને વેદોમાં સમય અને સમય-ગણના વિશે પણ વિસ્તૃત આલેખન મળે છે.

આ વૈદિક ઘડિયાળ પણ વહેંચાયેલી તો ૨૪ કલાકના સમયમાં જ હોય છે, પરંતુ એ ચોવીસ કલાકને કુલ ૩૦ મુહૂર્તમાં વહેંચવામાં આવ્યા હોય છે. આ દરેક મુહૂર્તનું ધાર્મિક નામકરણ થયેલું હોય છે. દરેક મુહૂર્ત અને નામોનું ધાર્મિક અને તાર્કિક મહત્ત્વ પણ એટલું જ હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના આધારે ચાલતી આ ઘડિયાળ એટલી તો સચોટ છે કે પંચાંગ અને ગ્રહણ સિવાય ઋતુ અને વાતાવરણની જાણકારી પણ સ​ટિક આપી શકે છે.

ભવ્ય સંસ્કૃતિનો ભવ્ય વારસો અને ભવ્યાતિભવ્ય જ્ઞાન ભારત પાસે સદીઓથી રહ્યું છે, જે વિશે વિગતે જાણવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એક જન્મ પણ ઓછો પડે. આ વૈદિક ઘડિયાળ તો એનું માત્ર એક નાનું દૃષ્ટાંત છે. આવી વિશાળ અને અત્યંત સમૃદ્ધ સંસ્કૃતિના આપણે વંશજ હોવાનું સ્વમાનભેર ગૌરવ અનુભવીએ અને આશા કરીએ કે આ વૈદિક ઘડિયાળના કાંટા હવે આપણા બધાના જીવનમાં સુખમય સમય દેખાડે. સો પૂછો બિન્દાસ, ટાઇમ ક્યા હુઆ હૈ ભાઈસાબ?

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2024 08:17 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK