Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સર્વની બાબતમાં આગળ ન વધો ત્યારે શક્યની બાબતને આવકારો

સર્વની બાબતમાં આગળ ન વધો ત્યારે શક્યની બાબતને આવકારો

14 June, 2022 05:09 PM IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

દરેક ક્ષણે મદદ માટે પહોંચી શકાય એમ ન હોય ત્યારે એવું તો નક્કી કરી જ લેવું કે બોલાવવામાં આવે ત્યારે વિષમમાં વિષમ પરિસ્થિતિને પણ અવગણીને મદદ માટે પહોંચી જવું.

મિડ-ડે લોગો

ધર્મ લાભ

મિડ-ડે લોગો


મનને સમજવું સાચે જ મુશ્કેલ છે. ઉઘરાણી ૧૦૦ ટકા આવવાની સંભાવના નથી દેખાતી ત્યારે માણસ ૯૦ ટકા, ૮૦ ટકા અને કોઈ-કોઈ વાર તો ૨૫થી ૩૦ ટકા રકમ લઈનેય ઉઘરાણી વસૂલ કરે છે. જ્યારે ધર્મારાધનાની વાત આવે છે ત્યારે મનને સમજાવે છે કે ધર્મ કરવો તો સો ટકા કરવો. બાકી અઘરો ધર્મ કે ઓછો ધર્મ કરવો એના કરતાં તો ધર્મ ન કરવો સારો! શરીર એકસાથે ચાર-પાંચ રોગોથી ઘેરાઈ ગયું હોય અને બધા જ રોગો શરીરમાંથી દૂર થવાની શક્યતા ન દેખાતી હોય ત્યારે દરદી એક-બે રોગથી મુક્ત થઈ જવા સંમત થઈ જાય છે, પરંતુ પાપ-ત્યાગની વાત આવે છે ત્યારે મન એમ સમજાવે છે કે ત્યાગમાં મર્દાનગી દાખવવી તો પૂરેપૂરી દાખવવી. બાકી અધૂરી મર્દાનગી દાખવીને પાપત્યાગમાં બાંધછોડ કરવી એના કરતાં જેમ ચાલે છે એમ ચાલવા દેવું.
યાદ રાખજો, તપ ન થઈ શકે એમ હોય ત્યારે ત્યાગનો માર્ગ અપનાવી લેવો. જિંદગીભરના બ્રહ્મચર્ય-પાલન માટે મન સંમત ન થતું હોય ત્યારે પાંચ તિથિ પૂરતા બ્રહ્મચર્ય-પાલન માટે મનને તૈયાર કરી દેવું. અનુકૂળતા ન હોય એટલે નિયમિત પ્રભુપૂજા શક્ય ન બને, પણ એવું હોય એવા સમયે નિયમિત પ્રભુદર્શન પણ કરી જ લેવાં માટે પ્રયાસ કરતા રહેવો.
આ જ પ્રકારે જીવનમાં બીજા નિયમોને પણ અમલમાં મૂકવા. જિંદગીભર ટીવીનો ત્યાગ શક્ય ન દેખાતો હોય તો મર્યાદિત સમય માટે પણ એના પર નિયંત્રણ તો લાવી જ દેવું. હોટેલ કે થિયેટરને કાયમ માટે તિલાંજલિ આપવાનું સત્ત્વ જીવનમાં ન ઉમેરી શકાય એમ હોય તો એના પર કાપ તો મૂકી જ દેવો. દરેક ક્ષણે મદદ માટે પહોંચી શકાય એમ ન હોય ત્યારે એવું તો નક્કી કરી જ લેવું કે બોલાવવામાં આવે ત્યારે વિષમમાં વિષમ પરિસ્થિતિને પણ અવગણીને મદદ માટે પહોંચી જવું.
વડીલોને મળવાનું સૌભાગ્ય રોજબરોજના જીવનમાં સામેલ ન થઈ શકતું હોય તો નિશ્ચિત દિવસનો નિયમ તો અચૂક બનાવી લેવો અને એ બનાવ્યા પછી પણ એનું પાલન અચૂક કરવું. ના આવે એવી ઉઘરાણીના બદલે પોણી, અડધી કે પા ઉઘરાણીને પણ મીઠી કરવાની માનસિકતા સ્વીકાર્ય હોય તો બીજી બાબતોમાં કેમ એવું નહીં રાખવાનું? કહેવાનો ભાવાર્થ સહજ અને સરળ છે. 
‘સર્વ’ની બાબતમાં આગળ વધી શકાય એમ ન હોય ત્યારે ‘શક્ય’ની બાબતમાં તો આગળ વધતા જ રહેવું. સર્વ ધર્મપ્રવૃત્તિ નહીં તો છેવટે શક્ય ધર્મપ્રવૃત્તિ, સર્વ પાપનિવૃત્તિ નહીં તો છેવટે શક્ય પાપનિવૃત્તિ! ભૂલતા નહીં, આ માનસિકતા જ જીવનને સર્વોત્તમ બનાવવાનું કામ કરી જશે.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2022 05:09 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK