આઝાદી પછી સમુદ્રમાર્ગનો ઉપયોગ કરવા પર રીતસર વિરોધયાત્રાઓ ચાલી હતી, જેની પાછળ ક્યાંક ને ક્યાંક ગાંધીજીએ દર્શાવેલો માર્ગ પણ કારણભૂત હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
અહિંસાવાદની માનસિકતાને લીધે આપણે માત્ર ને માત્ર દુશ્મનો સામે જ નહીં, એ સિવાયના પણ અનેક મુદ્દાઓ પર હેરાનગતિ સહન કરવી પડે છે. અહિંસાવાદને કારણે આપણી પ્રજા પાલતુ અને જંગલી એમ બન્ને પ્રકારના અનાવશ્યક-હાનિકારક પશુઓ જેવા સાવ સામાન્ય કહેવાય એવા પ્રશ્નો પણ ઉકેલી શકતી નથી. નાનાં-મોટાં શહેરોના રસ્તાઓ પર પણ વધારાનાં પશુઓ અડ્ડો જમાવીને બેઠાં હોય છે અને માર્ગવ્યવહારને બાધા પહોંચાડતાં હોય છે. આ વિશે આપણે અગાઉ પણ વાત થઈ છે. આ જે અનાવશ્યક-હાનિકારક પશુઓ છે એમને શાસનાધિકારી હાથ પણ લગાડે તો તરત જ અહિંસાની નીતિમાં માનનારા કે પછી જીવદયાનો ઝંડો પકડનારાઓ દોડી આવે છે. માણસ મરે તો ચાલે, પણ તમારે આ પશુઓને કંઈ નહીં કરવાનું એવી જ તેમની નીતિ હોય છે અને એવી જ તેમની રીતભાત હોય છે. આ પશુઓ ખેડૂતોનો ભેલાણનો પ્રશ્ન પણ વિકટ બનાવી રહ્યાં છે અને એ પછી પણ કોઈ કશું કરી શકતું નથી.
અહિંસાવાદને કારણે હિન્દુ પ્રજા સમુદ્રનો ઉપયોગ કરી શકતી નથી. આ તો કેવી વિચિત્ર વાત કહેવાય, પણ મોટા ભાગના ધર્મમાં સમુદ્રના ઉપયોગની ના પાડી છે અને એને લીધે વિરાટ સમુદ્રકિનારો હોવા છતાં પણ આપણે હેરાનગતિ સહન કરવાની આવે છે. આઝાદી પછી સમુદ્રમાર્ગનો ઉપયોગ કરવા પર રીતસર વિરોધયાત્રાઓ ચાલી હતી, જેની પાછળ ક્યાંક ને ક્યાંક ગાંધીજીએ દર્શાવેલો માર્ગ પણ કારણભૂત હતો.
ADVERTISEMENT
એવું નથી કે માત્ર માર્ગ વાપરવાની બાબતમાં જ અહિંસાવાદ નડે છે. ના, સાવ એવું નથી. અહિંસાવાદને કારણે ઘણા યુવાનો સેનામાં પણ જોડાઈ શકતા નથી. અમુક નિશ્ચિત જ્ઞાતિઓ જ સેનામાં જોડાય છે. બાકીની પ્રજા સેનાથી દૂર રહે છે, જેમાં જૈનોનો પણ સમાવેશ થાય છે. આજે અનેક જૈન મહારાજસાહેબો એવા આવ્યા છે જેમણે દેશને એક નવી જ વિચારધારા આપીને આ બાબતમાં રહેલું નીરસ વલણ દૂર કરવાનું કામ કર્યું છે, પણ ખરું કહું તો બહુ મોડું થઈ ગયું કહેવાય. આપણે ત્યાં પ્રજાની જે સંખ્યા છે એની સરખામણીમાં સૈનિક ઉત્પાદકતાનો રેશિયો ઘણો ઓછો, કહો કે સાવ જૂજ કહેવાય એટલો છે. એને લીધે દેશ લડાયક પ્રજા તૈયાર કરી શકી નથી. પરિણામે હિંસાવાદીઓ આ પ્રજાને સતત હેરાન કરતી રહ્યા અને આપણી પ્રજા હેરાન પણ થતી રહી. આ જ અહિંસાવાદે સામાન્ય બાબતમાં કહેવાય એવા મર્દ તૈયાર કરવામાં પણ પાછીપાની કરી છે. તમે જુઓ, ટોળામાં બે જણનો ઝઘડો ચાલતો હોય તો એ જોઈને આપણે તરત ત્યાંથી નીકળી જવાનું પસંદ કરીએ છીએ. કારણ શું?
અહિંસાવાદ. અહિંસાવાદના અતિરેકે આપણા દેશની પ્રજાને નમાલી બનાવવાનું કામ કર્યું, જે સ્વીકાર્યા વિના છૂટકો નથી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


