અનુભવ વિનાનું કોરું જ્ઞાન માખણ વિનાના પાણી જેવું છે
મિડ-ડે લોગો
સાચા જ્ઞાની પુરુષ પાસેથી દ્વિમુખી જ્ઞાન મેળવી શકાય. એક તો શાસ્ત્રજ્ઞાન અને બીજું છે, અનુભવજ્ઞાન. શાસ્ત્રજ્ઞાનની વાત કરીએ તો મૂળ શાસ્ત્રનું જ જ્ઞાન હોવું જોઈએ. કોઈ વાડાબંધીમાં બંધાયેલું બંધિયાર જ્ઞાન ન હોય એની કાળજી રાખવી હિતાવહ છે. વાડાબંધી દ્વારા જન્મેલું જ્ઞાન વ્યક્તિને નૅરો-માઇન્ડ એટલે કે સંકુચિત મનનો બનાવે અને વ્યક્તિની વિશાળતાને હણી લે એટલે ઘણી વાર માણસ જ્ઞાનના નામે ઊલમાંથી ચૂલમાં પડવાનું કૃત્ય કરી બેસે છે. સાચું જ્ઞાન મેળવવા વાડાબંધીથી મુક્ત થવું જરૂરી છે. શાસ્ત્રનાં જે મૂળ તત્ત્વો છે એને જ મહત્ત્વ આપવું જોઈએ એટલે મૂળ શાસ્ત્રો અને ગ્રંથો અને સાથોસાથ માનસિકતાની દૃષ્ટિએ વાડાબંધીથી મુક્ત હોય એવા જ્ઞાની પુરુષને મેળવવા જોઈએ.
અનુભવ વિનાનું કોરું જ્ઞાન માખણ વિનાના પાણી જેવું છે. એને ગમે એટલું વલોવો તો પણ એમાંથી માખણ નીકળવાનું નથી. માણસ જેમ-જેમ સાધના કરતો જાય અને સાધનામય બનતો જાય એમ-એમ તેના અનુભવો પણ વધતા જાય છે. સાધના થકી જ અનુભવો મળતા હોય છે. જેણે કશી સાધના કરી નથી એવા શાસ્ત્રવેત્તા હોય તો પણ અનુભવહીન છે. કેટલીયે વાર એવું પણ બને કે શાસ્ત્રવેત્તા ન હોય, પણ અનુભવો વધારે હોય તો તેવો માણસ આદરણીય છે. એ કૂવામાં પાણી છે. ખરેખર તો અનુભવોને શાસ્ત્રો સાથે મેળવી લેવાથી એની સચ્ચાઈનો ખ્યાલ આવી જશે. શાસ્ત્ર અને અનુભવ બન્નેમાં અનુભવની મહત્તા વધારે છે, પણ એ જાતઅનુભવ હોવા જોઈએ, ઊછીના લીધેલા ન હોવા જોઈએ.
ADVERTISEMENT
એક વધારાની સાવધાની રાખવી જરૂરી છે. કોઈ એકમાત્ર વ્યક્તિ જ તમને જ્ઞાન-વિજ્ઞાન સુધી પહોંચાડી દેશે એવું માની લેવું હિતાવહ નથી. સાચા માણસોની પણ પોતપોતાની કક્ષાઓ હોય છે. એકડો ઘૂંટાવનાર માણસ સાચો હોવા છતાં પણ તેની કક્ષા છે. જો માત્ર તેને જ પકડીને કોઈ બેસી રહે તો તે આગળ વધી શકે નહીં. માધ્યમિક શાળામાં જનારો છાત્ર પ્રાથમિક શાળાનો ત્યાગ કરે તો એ તિરસ્કાર નથી, આવી જ રીતે વધુ આગળ વધવા કોઈ વધુ જ્ઞાની પુરુષ પાસે જવાનું બને તો પૂર્વજ્ઞાનીનો તિરસ્કાર થયો ન કહેવાય, આગળ વધવું હોય તેણે પહેલા પગથિયા પરથી પગ ઉપાડવો જ જોઈએ.
જો એક જ પગથિયે પગ ચોટડૂક થઈ જાય તો ગિરનાર ચડી શકાય નહીં. એક પછી એક ઘણાં પગથિયાં ચડીને ગિરનારના શિખરે પહોંચી શકાય છે. આવી રીતે જ્ઞાન-સાધનામાં પણ અનેક જ્ઞાની પુરુષોનું સેવન કરતા હોય છે. સાચો જ્ઞાની પોતે જ જિજ્ઞાસુને પોતાનાથી વધુ શ્રેષ્ઠ જ્ઞાની પાસે મોકલે અને જૂઠો જ્ઞાની પોતાના જેવા જ ઠગભગત કહેવાય એવા જ્ઞાની પાસે જિજ્ઞાસુને મોકલે. ઉપનિષદ વાંચશો તો ખબર પડશે કે એ સમયે ઋષિઓ પોતાનાથી વધારે જ્ઞાની હોય એની પાસે શિષ્યનો મોકલતા.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

