સંત જુનૈદ બહુ જાણીતું નામ, બહુ પવિત્ર નામ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
સંત જુનૈદ બહુ જાણીતું નામ, બહુ પવિત્ર નામ. એક વાર સંત જુનૈદ એક હજામ પાસે ગયા અને જઈને તેમણે કહ્યું, ‘ખુદાને ખાતર મારી હજામત કરી આપો...’ સંત જુનૈદ ગયા ત્યારે હજામ કોઈની હજામત કરતો હતો, છતાં તેમણે સંત તરફ ધ્યાન આપ્યું અને નમ્રતા સાથે કહ્યું, ‘આપ થોડી વાર બેસો, હું આ બાબાની હજામત કરી લઉં, પછી તમારો વારો લઈ લઉં... નિરાંતે બેસો.’ સંત જુનૈદ થોડી વાર બેઠા અને પછી ફરીથી તેમણે કહ્યું, ‘જરા જલદી કરો અને મારી હજામત કરી દો.’ એ સમયે હજામનું કામ પૂરું જ થતું હતું એટલે તેમણે સંતને વિનમ્રતા સાથે કહ્યું કે ‘આપે બે જ મિનિટ હવે રાહ જોવાની છે. આમનો ચહેરો સાફ કરી દઉં એટલે તરત જ તમારો વારો લઉં છું.’
આ દરમ્યાન અન્ય બે-ત્રણ લોકો પણ આવી ગયા. તેમને પણ મોડું થતું હતું, પરંતુ હજામે એ બધાને કહી દીધું કે આમના પછી સંત જુનૈદનો વારો છે એટલે બીજા કોઈને આગળ નહીં લઈ શકાય.
બાબાનો ચહેરો ધોઈ, તેમને રવાના કરી હજામે જુનૈદનો વારો લીધો અને તબિયતથી, બહુ સરસ રીતે તેમની હજામત કરી આપી, ચહેરો ધોઈ આપ્યો. સંત જુનૈદ ઊભા થયા અને તેમણે હજામ સામે જોયું. હજામ સમજી ગયો એટલે તેમણે આંખથી જ જવા માટે ઇશારો કરી દીધો અને સંત જુનૈદ ત્યાંથી નીકળી ગયા.
ADVERTISEMENT
થોડા દિવસ પછી જુનૈદને કોઈકે ભિક્ષામાં પૈસા આપ્યા. જુનૈદ તો સીધા પહોંચ્યા હજામની દુકાન, હજામ પાસે. ત્યાં જઈને તેમણે ભિક્ષાના પૈસા હજામની સામે લંબાવ્યા અને કહ્યું, ‘આ તમને અગાઉની હજામતના પૈસા ચૂકવવાના બાકી છે એ રકમ...’ હવે હજામનો જવાબ સાંભળજો, હજામે બહુ પ્રેમથી બાબાને કહ્યું, ‘તમે કહ્યું હતું કે ખુદાને ખાતર કરી દો, તમે એમ નહોતું કહ્યું કે પૈસા ખાતર હજામત કરી દો...’ હજામે બાબા સામે નતમસ્તક કર્યું અને કહ્યું, ‘હવે આ પૈસા મારી સામે લંબાવીને આપ મને શરમમાં ન મૂકો...’જુનૈદની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. સંત જુનૈદે એ પછી અઢળક વાર જાહેરમાં કહ્યું કે નિષ્કામ ભક્તિ મને હજામ પાસેથી શીખવા મળી. આટલું જ નહીં, તેઓ જ્યાં સુધી જીવિત રહ્યા ત્યાં સુધી તેમણે એ હજામને યાદ રાખ્યો અને હજામ વતી પણ નમાજ પઢી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

