આજે મોટા ભાગના સંબંધો આ દોષ કાઢતા રહેવાની નીતિને લીધે જ સંતોષના ઓડકાર સુધી પહોંચતા નથી માટે સંતોષ પામો અને ક્યારેય કોઈના દોષ ન જુઓ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
સારા સંગ, કથા પ્રસંગમાં રુચિ, સંત-સંગ, ગુણગાન, ભજન કરવું, ઇન્દ્રિયો પર સંયમ અને સમાન ભાવ. નવ સૂત્રો પૈકી આ સાત સૂત્રો આપણે જાણ્યાં. હવે વાત કરવાની છે આઠમા સૂત્ર એવા જથ્થા લાભ સંતોષા.
બધાને સારા જોવા, બધામાં સારું જોવું, સૌમાં એ સંકળાયેલો છે એ ભાવ પુષ્ટ કરવો. શું યુવા વર્ગ માટે આ જરૂરી નથી? અત્યંત જરૂરી છે.
ADVERTISEMENT
અરે! પોતાનો સ્વધર્મ નિભાવતાં-નિભાવતાં, પોતાનો કામ-ધંધો કરતાં-કરતાં ઘણું મોટું કામ તમે કરી લીધું, પરંતુ એ કાર્ય કરવાને પરિણામે જે મળ્યું એનાથી સંતુષ્ટ થવું શું યુવા વર્ગ માટે જરૂરી નથી? મારું કહેવું એવું નથી કે તમે મોટું કામ ન કરો. કરો, ઘણું મોટું કામ કરો અને કલ્પનાઓની પણ આગળ જાઓ, પણ સાહસ અને મહેનત પછી જે મળે, જેટલું મળે એનાથી માનસ સંતોષ પામે કે ચાલો, ઠીક છે, મેં મોટું સાહસ કર્યું, જે મળ્યું એ કર્યું. દાનાએ જે આપ્યું એ યોગ્ય છે, તો ભક્તિ થઈ ગઈ કહેવાય અને આ વાત યુવા વર્ગે સમજવી બહુ જરૂરી છે.
સંતોષ પામો અને બીજા લોકોના દોષ ન જુઓ. દોષ જોતા થઈ જશો તો ક્યારેય સંતોષને પામી નહીં શકો. આજે મોટા ભાગના સંબંધો આ દોષ કાઢતા રહેવાની નીતિને લીધે જ સંતોષના ઓડકાર સુધી પહોંચતા નથી માટે સંતોષ પામો અને ક્યારેય કોઈના દોષ ન જુઓ.
હવે વાત કરીએ નવા સૂત્ર એવા નવમ્ સરલ સબ સન છલ હીનાની.
સરળ રહેવું, છળ છોડવું.
આ નવમી ભક્તિનાં લક્ષણો ગોસ્વામીજીએ દર્શાવ્યાં છે. ખાસ કરીને કોઈ એમ ન કહે કે ભક્તિની ચર્ચા માત્ર યુવા વર્ગ માટે જ કેમ? એટલા માટે આ ચર્ચા યુવા વર્ગ માટે છે કે ભૂમિકા સાથે જ આપણે આ વિષય પર વાત શરૂ કરી હતી કે નવ સૂત્રો યુવા વર્ગ માટે આવશ્યક છે. સરળ રહેવાનો સૌથી મોટો લાભ એ કે તમારે કશું વિચારવાનું જ નથી. તમારે તો પ્રવાહ સાથે, તમારામાં રહેલી નિર્દોષતા સાથે આગળ વધતા જવાનું છે. ચિંતા કરશે તે જેને છળ કરવું છે. વિચારોમાં તે રહેશે જેને છળ રમવું છે. પ્રયત્નશીલ તે રહેશે જેને છળનો આશરો લેવો છે, પણ જેને છળ જોઈતું જ નથી, જેને સરળતા છોડવી જ નથી એને કોઈ વાતની ચિંતા જ નથી. એ તો સહજ ભાવ સાથે આગળ વધે છે અને એ સહજ ભાવમાં રહેલી સરળતા જ તેને ઈશ્વરની સમીપ લાવીને મૂકી દે છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

