જીવનને કુદરતસહજ થવા દો. કુદરત જ મોટા ભાગના પ્રશ્નોને સહજતા અને સરળતાથી ઉકેલે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મહામૂર્ખાઓ જ્યારે વિજ્ઞાનનો અપપ્રચાર કરીને લોકોના જીવનમાં અધોગતિ લાવવાનું કામ કરે ત્યારે બહુ ગુસ્સો આવે અને અત્યારના સમયે મોટા ભાગે એ જ થઈ રહ્યું છે. એ લોકોની વાતો સાંભળો તો તમને એમ જ થાય કે જીવવિજ્ઞાનની જે વાતો આપણને ભણાવવામાં આવે છે એનો કોઈ અર્થ સરતો નથી, એ વાતો અને એ વિજ્ઞાન અર્થહીન છે, પણ એવું નથી. જો કુદરતસહજ સંભોગ દ્વારા વીર્યને સ્ખલિત થવા દેવામાં ન આવે તો બીજા કોઈ ને કોઈ રસ્તે કે પ્રકારે વીર્ય સ્ખલિત થઈ જ જાય છે. ભ્રાન્તિનો પ્રચાર બંધ થવો જોઈએ. યુવાધનને બરબાદ થતું અટકાવવું જોઈએ. કાલ્પનિક વાતોથી ભ્રમ ફેલાવીને ઊલટાનું લોકોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય થઈ રહ્યું છે.
કુદરતી માર્ગનો ત્યાગ કરીને અકુદરતી માર્ગનું સેવન કરનારાઓના ચહેરા જોજો તમે. મ્લાન, ફિક્કા, નિસ્તેજ, ડાચાં બેસી ગયાં હોય, હારેલા-થાકેલા, ચીડચીડિયા, ક્રોધી, રોગી અને અલ્પજીવી. આ બધાં પરિણામો સંભોગને મહાપાપ માનીને સ્ત્રીત્યાગી થવાથી અખંડ બ્રહ્મચર્યના દ્વારા મોક્ષ મેળવવા નીકળેલા ગુમરાહીઓને મળતાં દેખાયાં છે. ઘણી વાર તો સજાતીય અથવા સ્વજાતીય સંભોગના રવાડે ચડીને નાનાં બાળકોનું જીવન પણ નષ્ટ કરનારા થઈ જતા હોય છે. મૂળ વાત કુદરતી માર્ગના પરિત્યાગની જ છે. જો આ બધાને યોગ્ય ઉંમરે પરણાવવામાં આવ્યા હોત તો આવાં અનેક અનિષ્ટોથી તેઓ બચી શક્યા હોત. ફરી પાછો પ્રશ્નનોય મહાપ્રશ્ન આવે છે, જે એ છે કે બે અબજ જંતુઓના વિનાશથી માણસ બચી શક્યો ખરો?
ADVERTISEMENT
આ બધાં નકારાત્મક ચિંતનો અને વલણોનું મૂળ કારણ કુદરતી પ્રક્રિયાને અનુકૂળ જીવન જીવવાની જગ્યાએ કુદરતવિરોધી જીવનને શ્રેષ્ઠ મહત્ત્વ આપવામાં છે એ છે.
જીવનને કુદરતસહજ થવા દો. કુદરત જ મોટા ભાગના પ્રશ્નોને સહજ અને સરળતાથી ઉકેલે છે. આ ધોરીમાર્ગ છે. જંતુઓને લાખ પ્રયત્નો કરીને લાંબું જિવાડી શકાતાં નથી. કુદરતી વ્યવસ્થા પ્રમાણે એનો નાશ થતો હોય તો થવા દો. એની કોઈ ચિંતા કે ગ્લાનિ કરવાની જરૂર નથી. જરૂર છે, જે લાંબું જીવી શકે છે અને બચી શકે છે તેને બચાવવાની તથા નીરોગી બનીને રહેવાની. જરૂર છે એવું તંદુરસ્ત આયુષ્ય જીવવાની જે અન્યને કામ લાગે અને અન્યને ઉપયોગી બને. બિનઉપયોગી બનીને જીવવા કરતાં બહેતર છે કે સમાજ અને રાષ્ટ્રને કામ આવીએ અને એનો ઉદ્ધાર કરવામાં સહભાગી બનીએ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


