બીજા દેશોની તુલનામાં આપણી પાસે નિવૃત્ત પશુઓની ઘણી મોટી સંખ્યા છે અને ઉત્પાદક પશુઓની ઉત્પાદકતા ઘણી ઓછી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગઈ કાલે કહ્યું એમ, મેં ઘણી એવી પાંજરાપોળો જોઈ છે જ્યાં રાખવામાં આવેલાં નિવૃત્ત ઢોરોની દશા જોઈને રાજી ન થવાય અને સામા પક્ષે મેં એવી કોઈ પાંજરાપોળો જોઈ નથી જ્યાં નિવૃત્ત પશુઓ અલમસ્ત દશામાં રહેતાં હોય, ચૂંટી ખણો તો લોહી નીકળે એવાં હોય એવું તો મેં જોયું નથી. કદાચ મારા જોવાની બહાર રહી ગયું હોય એવું પણ બને અને જો એવું બન્યું હોય તો આવી વ્યવસ્થા કરનારને પણ ધન્યવાદ જ આપવા જોઈએ કે ચાલો, ખરેખર એક વીરલો એવો છે જેણે એવી વ્યવસ્થા તો કરી છે, પણ મોટો પ્રશ્ન એ છે કે આ માત્ર એકાદ ટકાની જ વ્યવસ્થા કરી શકાઈ છે. બાકીનાં ૯૯ ટકા નિવૃત્ત ઢોરોનું શું કરવું? કેટલાક લોકો એવું માનીને બેઠા છે કે કતલખાનાંઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઈએ. જોકે કોઈ પણ સરકાર માટે આ શક્ય નથી. એમ છતાં માની લો કે સંપૂર્ણપણે કતલખાનાં બંધ કરી દેવાય તો શું થાય એનો વિચાર પણ કરવો રહ્યો.
એક અંદાજ પ્રમાણે દેશમાં કુલ વીસેક કરોડ પશુઓ છે. એમાંથી કદાચ પ્રતિ વર્ષ પચાસેક લાખ પશુઓ કતલખાને જતાં હશે. સદીઓથી આ પ્રક્રિયા ચાલી રહી છે, છતાં પશુઓની સંખ્યા લગભગ અકબંધ છે. બીજા દેશોની તુલનામાં આપણી પાસે નિવૃત્ત પશુઓની ઘણી મોટી સંખ્યા છે અને ઉત્પાદક પશુઓની ઉત્પાદકતા ઘણી ઓછી છે. આપણી આઠ-દશ ગાયો જેટલું દૂધ આપે છે એટલું જ દૂધ પશ્ચિમની એક ગાય આપે છે અને એ પછી પણ દેશની દૂધની ડેરીઓ પૂરું દૂધ લઈ શકતી નથી. જો ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાંથી બીજા પ્રાંતમાં આપણું દૂધ જાય છે. દૂધ-ઘી-માખણનો ઘણી વાર ભરાવો થઈ જાય છે. જો આપણે પશુઓમાં સુધારો કરીએ અને પશ્ચિમના જેવા બનાવીએ તો આજની તુલનામાં ચાર-પાંચ ગણું દૂધ ઉત્પાદન થવા માંડે, તો કાં તો પશુઓની સંખ્યા ઘટાડવી પડે કે પછી દૂધનો વપરાશ વધારવો પડે. બીજો વિકલ્પ ઉત્તમ છે, પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે આપણે પશુઓની ગુણવત્તા-ઉત્પાદકતા વધારવા માગીએ છીએ ત્યારે એકાદ લિટર જેટલું દૂધ માંડ આપનારાં પશુઓનું શું થશે? કેવી રીતે આ દેશ સમૃદ્ધ થશે? કેવી રીતે પ્રશ્નો ઉકેલાશે? જો આપણે કશું જ ન કરીએ અને જેમ ચાલે છે તેમ જ ચલાવતા રહીએ તો આપણો દેશ કંગાળ માણસો અને કંગાળ પશુઓનો દેશ થઈ જશે. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે કઈ રીતે જીવવું છે, સમૃદ્ધિ સાથે આગળ વધવું છે કે પછી કંગાળિયત અવસ્થામાં જીવન જીવવું છે? જો સમૃદ્ધિ જોઈતી હોય તો કડવાં દેખાતાં પગલાં લેવાની પણ તૈયારી રાખવી પડે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)