નકારાત્મકતાને કારણે માણસ પોતાનું તો અહિત કરે જ છે, સાથોસાથ એ સૌનું પણ અહિત કરી બેસે છે જે તેની કરીઅર કે ફૅમિલી લાઇફમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય
પ્રતીકાત્મક તસવીર
માણસ માટે જો સૌથી મોટો દુશ્મન કોઈ હોય તો એ નકારાત્મકતા છે, જે વાતાવરણને કારણે માણસના મનમાં દાખલ થાય છે. નકારાત્મકતાને કારણે માણસ પોતાનું તો અહિત કરે જ છે, સાથોસાથ એ સૌનું પણ અહિત કરી બેસે છે જે તેની કરીઅર કે ફૅમિલી લાઇફમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય.
ગયા રવિવારે કહ્યું હતું એમ જો તમે જૉબ કરતા હો તો ઑફિસ પ્રિમાઇસિસની નકારાત્મકતા દૂર કરવાનું કામ એટલું સહેલું નથી જેટલી સરળતાથી તમે ઘર કે તમારી પર્સનલ ઑફિસ કે શૉપની નકારાત્મકતા દૂર કરી શકો છો. જૉબ કરતા હો અને એવી જગ્યાએ નકારાત્મકતા હોય તો એને દૂર કરવા માટેના રસ્તાઓ પણ છે, પરંતુ એ પહેલાં આપણે વાત કન્ટિન્યુ કરીએ ઘર કે ઑફિસની નકારાત્મકતા દૂર કરવાના ઇલાજોની. ગયા અઠવાડિયે અમુક રસ્તાઓ સૂચવ્યા હતા. આજે એ પછીના રસ્તાઓ જોઈએ.
ADVERTISEMENT
૧. મિરરનો ઉપયોગ કરીને તમે નેગેટિવિટીને દૂર કરી શકો છો અને ઘરમાં સકારાત્મક ઊર્જા લાવી શકો છો. અલબત્ત, એ માટે તમને વાસ્તુશાસ્ત્રના યોગ્ય જાણકારની જરૂર પડી શકે છે, પણ જો દિશાની સભાનતા તમને હોય તો તમે પણ આ કાર્ય કરી શકો છો અને મિરર લગાડીને સકારાત્મક ઊર્જા લાવતી દિશાને આર્ટિફિશ્યલી મોટી કરી, દિશાદોષ દૂર કરી ઘર કે ઑફિસમાંથી નેગેટિવિટી દૂર કરી શકો છો.
૨. સામાન્ય રીતે આપણે દરરોજ ઘરના મંદિર પાસે ધૂપ અને આરતી કરતા હોઈએ છીએ, પણ એક જ જગ્યાએ એવું કરવાને બદલે વીકમાં દરેક રૂમમાં આરતી કે સ્તવનના પાઠ કરવામાં આવે તો એનાથી પણ નકારાત્મકતા દૂર થાય છે. જરૂરી નથી કે આરતી કે સ્તવન તમે જ કરો. ધારો કે દરરોજ જુદા-જુદા રૂમમાં આરતી કે હનુમાન ચાલીસાનું રેકૉર્ડેડ વર્ઝન વગાડવામાં આવે તો પણ રૂમની ઊર્જામાં સકારાત્મકતા આવતી હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શસ્ત્ર કરતાં પણ વધારે તાકાત મંત્રમાં છે એટલે આ વાતને કોઈએ સહજ ધાર્મિક માનસિકતાથી લેવી ન જોઈએ.
ધૂપ પણ દરરોજ દરેક રૂમમાં ફેરવવામાં આવે તો નેગેટિવ એનર્જી દૂર થાય છે. ધૂપ આપવાની પણ એક રીત છે. ઘરના મંદિરથી ક્લૉક-વાઇઝ ઘરમાં ફરવું અને રૂમના દરેક ખૂણામાં ધૂપ આપવો. આખા રૂમમાં ધૂપ આપી દીધા પછી રૂમની બરાબર મધ્યમાં ઊભા રહીને રૂમના કેન્દ્રબિંદુને ધૂપ આપવો, જે નકારાત્મકતાનો ક્ષય કરે છે.
૩. નિમકમાં નેગેટિવિટી શોષવાની જબરદસ્ત ક્ષમતા છે. બાથરૂમમાં આખું નિમક ભરીને એક બાઉલ રાખવું જોઈએ. એ નિમકને મહિના પછી ફ્લશ કરી દેવું. આ ઉપરાંત મહિનામાં એક વાર ઘરમાં નિમકના પાણીનાં પોતાં કરવાં જોઈએ. નિમકના પાણીનાં પોતાં કર્યા પછી જ્યાં સુધી એ સુકાય નહીં ત્યાં સુધી ઘરમાં કોઈએ ચાલવું નહીં. પોતાં સુકાઈ જાય એ પછી સાદા પાણીનાં પોતાં કરવાનાં, એ પહેલાં નહીં.
૪. ઘરની દરેક રૂમમાં વિન્ડ-ચેઇન રાખો અને એ રીતે રાખો જેથી હવાથી એ લહેરાય અને રૂમમાં એનો સાઉન્ડ પથરાય. ધારો કે એ શક્ય ન હોય તો નિયમ બનાવો કે દરરોજ દીવાબત્તી કર્યા પછી આખી રૂમમાં ધૂપ ફેરવવો અને એ પછી દરેક રૂમ, એની કૉર્નર અને રૂમના મધ્ય ભાગમાં મંદિરમાં વપરાતી હોય છે એ ઘંટડીનો રણકાર સંભળાવવો. પહેલાંના સમયમાં રાજામહારાજા આ કામ પોતાના પંડિતને સોંપતાં તો રાજદરબારમાં ઘંટ લગાડવામાં આવતો. દરબારમાં પ્રવેશતી દરેક વ્યક્તિ પહેલાં એ ઘંટ વગાડતી. એવું નહોતું કે જાણકારી આપવાની પ્રક્રિયાના ભાગરૂપે એ ઘંટ વગાડવામાં આવતો, પણ ન્યાય આપનારી વ્યક્તિના મનમાં જો નકારાત્મક આવી હોય તો એ દૂર કરવાના ભાવથી ઘંટ વગાડવામાં આવતો.
ઘરના હૉલમાં ઘંટ લગાડી શકાય અને એવો નિયમ બનાવી શકાય કે ઘરની વ્યક્તિ ઘરમાં આવતી અને જતી વખતે એ બેલ વગાડીને જાય તો અતિ ઉત્તમ.