દુર્ભાગ્યવશ અત્યારના સમયમાં ધર્મરક્ષકનું પદ ઓસામા બિન લાદેન અને મૌલાના મસૂદ જેવાને મળવા લાગ્યું

મિડ-ડે લોગો
આતંકવાદીઓના મગજમાં કૂટી-કૂટીને મજહબ ભર્યો છે. કોઈ ચુસ્ત ધાર્મિક બને તો વાંધો નહીં, પણ એ વધુ નેકી-ટેકીવાળો બનવો જોઈએ. જોકે આવી ક્રૂરતા? તમે કોઈનો જીવ લેવાની હદ સુધી પહોંચી જાઓ એ તો કેવી રીતે સહ્ય કહેવાય?
એનો જવાબ એ છે કે મજહબ ભરવાનું જેણે કામ કર્યું છે તેણે ચુસ્તતા સાથે નફરત ભરવાનું કામ કર્યું છે. તાલીમકેન્દ્રોમાં પોતપોતાના ધર્મના ઉચ્ચ આદર્શોના પાઠ પઢાવવામાં આવે એનાથી રૂડું શું હોય. જોકે પોતાના ઉચ્ચ આદર્શોની સાથે અથવા કહો કે એના વિના પણ બાકીના બધા પ્રત્યે નફરતની આગ ઓકવામાં આવે તો માણસ જેવો માણસ ધર્મ દ્વારા, ધર્મ માટે ભયંકરમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે.
દુર્ભાગ્યવશ અત્યારના સમયમાં ધર્મરક્ષકનું પદ ઓસામા બિન લાદેન અને મૌલાના મસૂદ જેવાને મળવા લાગ્યું છે. તેઓ ધર્મનું પ્રતીક બની ગયા છે. એક કૅમ્પમાં આતંકવાદીઓને નિશાન લેતાં શીખવવામાં આવતું હતું. એમાં નિશાન માટે સામે અમેરિકન પ્રમુખની છબિ મૂકવામાં આવી હતી. નિશાન લેવાના પ્રયોગની સાથે માનસિકતા તૈયાર કરવાનો પ્રયોગ પણ થઈ રહ્યો છે. મુસલમાનોમાં એક ઝનૂની વર્ગ એવો તૈયાર થઈ રહ્યો છે જે અમેરિકા, ભારત અને ઇઝરાયલ તથા પશ્ચિમી રાષ્ટ્રોને ધર્મના શત્રુ માને છે. શત્રુતા માનવામાં એક તબક્કે અમેરિકા મોખરે હતું. અત્યારે ત્યાં થોડી શાંતિ છે, પણ એ શાંતિ કેટલો વખત રહેશે એની ખાતરી કોઈ ન આપી શકે.
ઇઝરાયલની યાત્રામાં મેં જોયું હતું કે એ દેશમાં દસ ટકા કરતાં વધારે આરબ પ્રજા છે અને આરબ દેશો કરતાં એ પ્રજા વધુ સુખી છે. પાડોશી પૅલેસ્ટીન પ્રદેશમાંથી હજારો આરબો પ્રતિદિન રોજી કમાવા ઇઝરાયલથી આવ-જા કરે છે. તેમનું અર્થતંત્ર ઇઝરાયલ આધારિત છે. જ્યારે-જ્યારે ઇઝરાયલ સીમા બંધ કરી દે ત્યારે-ત્યારે આ લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ જાય છે. અમેરિકા અને યુરોપમાં લાખ્ખો મુસ્લિમો વસે છે, તેમની ભવ્ય મસ્જિદો છે અને તેઓ પોતપોતાના ધર્મ પ્રમાણે જીવન જીવે છે. તેઓ જે-જે દેશોમાંથી અમેરિકા આવ્યા હોય છે એ દેશો કરતાં તેમનું જીવનસ્તર ઘણું ઊંચું હોય છે. વિશ્વવ્યાપાર કેન્દ્રનાં બન્ને ટાવર તૂટ્યા પછી અને આ તોડનારા ઓસામાના આરબ કે બીજા મુસ્લિમ માણસો છે એવો પ્રચાર થતાંની સાથે અમેરિકામાં સિખો, આરબો વગેરે પર હુમલા થવા માંડ્યા હતા. જો ભારતમાં આવું કંઈક થયું હોત તો કેવાં રમખાણો થાત એ કલ્પના પણ ધ્રુજાવી દે એવી છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)