Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > પોતાના સામર્થ્યને કારણે સિંહ શાંતિથી ઘસઘસાટ ઊંઘી શકે છે

પોતાના સામર્થ્યને કારણે સિંહ શાંતિથી ઘસઘસાટ ઊંઘી શકે છે

04 July, 2021 11:42 AM IST | Mumbai
Swami Sachidanand

ચકલાંને વળી શાંતિ કેવી? નાના-નાના તણખલા માટે લડ્યા કરવું, ચું-ચેુ-ચું કર્યા કરવું અને એક તાળીનો અવાજ થાય તો પણ ફુર્‍ર્‍ર્ કરીને ઊડી જવું. એનું નામ ચકલાં!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અહિંસા મહાન છે, પણ એ સમર્થની હોય તો અને તો જ. 
જો જંગલનો સિંહ અહિંસાનું વ્રત ધારણ કરે તો તેનું ચિત્ર સમાચારપત્રમાં આવે. જોકે એ વાત જુદી છે કે સિંહ મોટા ભાગે ઓછામાં ઓછો હિંસક હોય છે. મેં આફ્રિકાનાં જંગલોમાં અસંખ્ય વાર સિંહોનું અધ્યયન કર્યું છે. ચાર-પાંચ દિવસે જ્યારે ભૂખ લાગે ત્યારે તે માત્ર એક જ પશુની હિંસા કરે છે. એમાં પણ નાનાં બચ્ચાં પર તે ભાગ્યે જ પંજો ઉપાડે છે. તેની નજીકમાં, બાજુમાં જ કહો તોય ચાલે એ રીતે હજારો હરણો, સાબર, સસલાંઓને નિર્ભ્રાંત ચરતાં મેં જોયાં છે અને એ પછી પણ સિંહ નિરાંતે ઊંઘતો હોય છે. પોતાના સામર્થ્યને કારણે જ સિંહ શાંતિથી ઘસઘસાટ ઊંઘતો હોય છે. બીજી તરફ જુઓ તમે. દેડકાં, ચકલાંને જોજો તમે. આખો દિવસ હાડકાં વિનાની ઇયળો જેવા ક્ષુદ્ર જંતુઓને માર્યા કરશે અને પરસ્પરમાં લડ્યા કરશે. ચકલાંને વળી શાંતિ કેવી? નાના-નાના તણખલા માટે લડ્યા કરવું, ચું-ચેુ-ચું કર્યા કરવું અને એક તાળીનો અવાજ થાય તો પણ ફુર્‍ર્‍ર્ કરીને ઊડી જવું. એનું નામ ચકલાં!
અશાંતિથી ભાગી જનારને શાંતિ નથી મળતી, પણ અશાંતિની સામે જઈને બાથ ભીડનારને શાંતિ મળે છે. આવો ભડવીર જ હજારોને શાંતિ આપે છે. અંગ્રેજોના રાજ્યની ભારતમાં સ્થાપના થઈ એ સમયે આપણે ત્યાં અશાંતિ અને અવ્યવસ્થા હતી. પ્રજા માટે સૌથી મોટો ત્રાસ પીંઢારાઓનો હતો. અત્યંત ક્રૂર તથા નીચ પ્રકૃતિના આ સહસ્ર પીંઢારાઓ હજારોની સંખ્યામાં ટોળે વળીને ગામ અને નગરો ઉપર ત્રાટકતા, પ્રજાને લૂંટતા અને ખૂબ મારઝૂડ તો કરતા જ, પણ સૌથી અસહ્ય જંગલિયત તેમની એ હતી કે તેઓ જુવાન અને રૂપાળી બહેન-દીકરી-વહુઓ-માતાઓને તેમના જ ઘરના માણસોની સામે નગ્ન કરીને જુદી જુદી રીતે બળાત્કાર કરતા. આવા બળાત્કારોને જોવા અને અનુમોદવા ઘરના માણસોને ફરજ પાડતા. અરે, સિસિલી જેવા ટાપુઓમાં તો આવી નીચતા કરતી વખતે સ્ત્રીના પતિને કે દીકરીના બાપને ઊભાં-ઊભાં હસતા મોઢે પંખા વતી હવા નાખતા રહેવાની ફરજ પાડતા! 
ભારતની પ્રજા વર્ષોથી આ પીંઢારાઓના ત્રાસને સહન કરતી ફફડતી. અહીં હજારો યોગીઓ, હજારો સિદ્ધો અને ચમત્કાર બતાવનાર અસંખ્ય સાધુબાવાઓ હતા. તેઓ શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ ભક્તોની આગળ તો શક્તિપાત કરી બતાવતા, પણ આ પીંઢારાઓ અને ગઝનીઓ આગળ તેમના શક્તિપાતને લકવો લાગી જતો. બિચારા પૂર્વજન્મનાં કર્મ, કળિયુગ, સમય બળવાન વગેરે થોથાં—આશ્વાસનોની વાતો કરી દુર્બળ અને ત્રસ્ત પ્રજાને આકાશ સામું બતાવીને આશ્વાસન લેવા કહેતા. આશ્વાસનના એ શબ્દોની વાત આવતી કાલે કરીશું.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2021 11:42 AM IST | Mumbai | Swami Sachidanand

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK