Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રમેશ મહેતા મને કહેતા કે ઉપરવાળા જમવાનું આપઃનરેશ કનોડિયા

રમેશ મહેતા મને કહેતા કે ઉપરવાળા જમવાનું આપઃનરેશ કનોડિયા

11 May, 2019 11:46 AM IST | અમદાવાદ
ભાવિન રાવલ

રમેશ મહેતા મને કહેતા કે ઉપરવાળા જમવાનું આપઃનરેશ કનોડિયા

Image Courtesy : Youtube

Image Courtesy : Youtube


આજે તો ગુજરાતી ફિલ્મો અર્બન થઈ ચૂકી છે. કેડિયા અને ઘોડામાંથી મર્સિડિઝ અને સ્ટાઈલિશ અવતારમાં આવી ચૂકી છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં આ પરિવર્તન છેલ્લા કેટલાક વર્ષોમાં આવ્યું છે. તે પહેલા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી લગભગ મરણપથારીએ હતી. વચ્ચેના કેટલાક વર્ષો છોડી દઈએ તો ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, નરેશ કનોડિયા જેવા કલાકારોએ પોતાના દમ પર ગુજરાતી ફિલ્મોને જીવતી રાખી એમ કહી શકાય. આ જ સમયગાળાના દમદાર કલાકાર હતા રમેશ મહેતા.

ઓ હો હો હો... આ શબ્દો કાને પડતા એક જ ચહેરો યાદવ આવે. આ ચહેરો એટલે ગુજરાતી હાસ્યકલાકાર રમેશ મહેતા. એક સમય એવો પણ હતો જ્યારે રમેશ મહેતા વગરની ગુજરાતી ફિલ્મો બનતી જ નહોતી. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે રમેશ મહેતા જેટલા સારા હાસ્યકલાકાર હતા એટલા જ સારા લેખક પણ હતા. 11 મે એટલે રમેશ મહેતાની પુણ્યતિથિ. ત્યારે ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન એવા નરેશ કનોડિયાથી લઈ ડિરેક્ટર્સ અને ક્રિટક્સ પણ રમેશ મહેતાને યાદ કરી રહ્યા છે.



ઉપરવાળા જમવાનું આપજે : નરેશ કનોડિયા


ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા નરેશ કનોડિયા રમેશ મહેતા સાથેની યાદો વાગોળે છે. નરેશ કનોડિયા કહે છે કે તેમના રમેશ મહેતા સાથેના સંબંધો ખાસ હતા. રમેશભાઈ સાથેની ક્ષણોને યાદ કરતા તેઓ કહે છે,'અમે લોકો જ્યારે લકી સ્ટુડિયો કે હાલોલ સ્ટુડિયોમાં શૂટિંગ કરતા હોય તો રોકાવાનું એવું થતું કે મારો રૂમ ઉપર હોય અને રમેશ મહેતાનો નીચે હોય. પણ જ્યારે રતન બા એટલે કે મારા વાઈફ જોડે હોય ત્યારે અમારા માટે જમવાનું તેઓ જાતે બનાવતા. એટલે શૂટિંગ પત્યા બાદરમેશ મહેતા હંમેશા કહેતા કે હે ઉપરવાળા જમવાનું થઈ ગયું હોય તો આપજે. અમે જ્યાં સુધી જોડે રહ્યા ત્યાં સુધી જોડે જમ્યા.'

 


મેં લખેલા ગંગાસતીના પાત્રો રમેશ મહેતાને ખૂબ ગમતાઃકેશવ રાઠોડ

તો રાઈટર, ડિરેક્ટર કેશવ રાઠોડ અને રમેશ મહેતા પણ ગાઢ મિત્રો હતા. રમેશ મહેતા અને કેશવ રાઠોડ નાટકના સમયથી જ એકબીજાને ઓળખતા પરંતુ કેશવ રાઠોડ કહે છે કે તેમણે મેં લખેલી ફિલ્મો રાજા ગોપીચંદ અને ગંગા સતીની કોમેડીને વખાણી ત્યારે હું ખુશખુશાલ હતો. કેશવ રાઠોડ કહે છે કે,'ગુજરાતી ફિલ્મોના હાસ્યના બેતાજ બાદશાહ રમેશ મહેતાએમની સાથેનો મારો પહેલો પરિચય તો જ્યારે તેઓ ભાંગવાડી થિયેટરની બાજુમાં કલ્પના દીવાનની બાજુમાં રહેતા હતા અને હસ્તમેળાપ નામની ફિલ્મના સંવાદો લખતા હતા ત્યારે થેયલો કારણ કે હું પણ ભાંગવાડી થિયેટરમાં દેશી નાટક સમાજમાં જુદા જુદા નાટકો લખતો હતો. એ પછી તેમનું જેસલ તોરલ રજૂ થયું અને તેમને સોનાનો સૂરજ ઉગ્યો. અને ચારે તરફ રમેશ મહેતા છવાઈ ગયા.

ઘણા વર્ષો પછી મેં પણ ગુજરાતી ફિલ્મોમાં લખવાનું શરૂ કર્યું અને લક્ષ્મી સ્ટુડિયોવાળા મેના ગુર્જરી પછી સતના પારખા નામની ફિલ્મ જે મેં લખી, તે ફિલ્મમાં રમેશ મહેતા અને હું નજીક આવ્યા. અમારી મિત્રતા થઈ. રમેશ મહેતા ખૂબ સારા લેખક હતા. મારા પ્રિય સંવાદ લેખક હતા. ખૂબ સરસ લખતા. અમારી જે મિત્રતા થઈ એમાં મે લખેલી સંખ્યાબંધ ફિલ્મોમાં રમેશ મહેતાએ એક્ટિંગ કરી. એક દિવસ રમેશ મહેતાએ મને કહ્યું કેશવ તે જે ફિલ્મો લખી તેમાં મને રાજા ગોપીચંદની કોમેડી અને ગંગા સતીની કોમેડી મારી જિંદગીની સર્વશ્રેષ્ઠ કોમેડી છે. ગંગાસતીમાં રમેશ મહેતા ત્રિપલ રોલમાં હતા. જ્યાં સુધી તેઓ જીવ્યા ત્યાં સુધી અમારી મિત્રતા અકબંધ હતી.ઠ

ત્રણ કલાકની વાતચીત પણ કોમેડીયન તરીકેના સવાલ ન પૂછવા દીધા: જીતેન્દ્ર બાંધણિયા

રમેશ મહેતાની ઓળખાણ મોટા ભાગે કોમેડિયન તરીકેની જ છે. પરંતુ તેમણે ગુજરાતી ફિલ્મોમાં સંવાદો પણ લખ્યા છે, ફિલ્મો પણ લખી છે. આ અંગેનો એક અનુભવ ગુજરાતી ફિલ્મોના સમીક્ષક જીતેન્દ્ર બાંધણિયા પણ શૅર કરી રહ્યા છે. જીતેન્દ્ર બાંધણિયાનું કહેવું છે કે,' રમેશ મહેતા એટલે ગુજરાતી ફિલ્મના સૌથી મોટા કોમેડીયન.. આવું આપણે સૌ જાણીએ છીએ.. પણ.. એમનું એક પાસું લગભગ દરેકથી અજાણ્યું છે, તે પાસું એટલે તેઓ બહુ સારા રાઈટર હતા.

આ પણ વાંચોઃ ફિલ્મ 'જલસાઘર'માટે એક પણ કલાકારે નથી લીધું પેમેન્ટ

જેસલ તોરલ હોય કે કુંવરબાઈનું મામેરું કે પછી રાનવઘણ હોય.. કેટકેટલીય ફિલ્મની ક્રેડિટ લાઇન વાંચો તો તેમાં તમને લેખક-સંવાદ લેખક તરીકે રમેશ મહેતાનું નામ વાંચવા મળે. મારે એક મુલાકાત માટે તેમની અપોઈન્ટમેન્ટ લેવાની હતી.. ત્યારે તેમણે કોમેડીયન તરીકેના એક પણ સવાલ નહી પૂછવાની શરત મૂકી, એ વખતે માત્ર રાઈટરના મુદ્દે સવા ત્રણ કલાકનો વાર્તાલાપ મારુ યાદગાર સંભારણું છે."

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2019 11:46 AM IST | અમદાવાદ | ભાવિન રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK