EXCLUSIVE: ‘સ્કૅમ 1992’ના યંગ DOPમાં એવું તે શું છે કે દિગ્દર્શક હંસલ મહેતા પણ થયા ફિદા

Updated: 26th October, 2020 10:47 IST | Rachana Joshi | Mumbai

અમદાવાદના પ્રથમ મહેતાએ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’માં ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી તરીકે અદ્ભુત કામ કર્યું છે, આવો જાણીએ તેના વિશે વધુ

‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ના સેટ પર પ્રથમ મહેતા
‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ના સેટ પર પ્રથમ મહેતા

શેર દલાલ હર્ષદ મહેતા (Harshad Mehta)ના જીવન પર આધારિત હંસલ મહેતા (Hansal Mehta) દિગ્દર્શિત વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story)ના ચારેય તરફ વખાણ થઈ રહ્યાં છે. સોની લીવ પર 9 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ સિરીઝ દિવસેને દિવસે નવા રેકૉર્ડ સર કરી રહી છે. ત્યારે આ સિરીઝને આ મુકામ સુધી પહોંચાડવા પાછળ અનેક લોકોનો મોટો ફાળો છે. જેમાં એક નામ છે, યંગ, એન્યુ અને પૅશનૅટ એવા ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી (DOP) પ્રથમ મહેતા (Pratham Mehta)નું.

ફોટોગ્રાફીનું ડાયરેક્શન કોઈપણ ફિલ્મનું હોય કે વૅબ સિરીઝનું તે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ‘સ્કૅમ 1992’માં આપણે જોઈ શકીએ છીએ કે, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી કેટલી અદ્ભુત છે. આ અદ્ભુત કામગીરી પાછળ હાથ છે, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી પ્રથમ મહેતાનો. વૅબ સિરીઝમાં આ યંગ DOPએ એટલું સરસ કામ કર્યું છે કે, દિગ્દર્શક હંસલ મહેતા પણ તેના પર ફીદા થઈ ગયા છે. પ્રથમ મહેતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેમના સફર, જીવન અને ‘સ્કૅમ 1992’ વિશે વાત કરી છે. આવો જાણીએ તેમના જીવન અને તેમની કામગિરી વિશે.

બાળપણ:

પ્રથમ મહેતાનો જન્મ 21 જાન્યુઆરી 1994ના રોજ અમદાવાદમાં થયો છે. તે મૂળ મારવાડી છે. પણ બાળપણથી જ અમદાવાદમાં ઉછર્યો છે. પ્રથમને નાનપણથી જ પેન્ટિંગમાં રસ હતો અને ફિલ્મોમાં પણ. નાનપણમાં અમદાવાદમાં અનેક પેન્ટિંગ એક્ઝિબેશનમાં ભાગ લીધો હતો પ્રથમે.

અભ્યાસ:

ફૅમેલી પ્રેશરને કારણે અગિયાર અને બાર ધોરણમાં સાયન્સ લીધું હતું. પરંતુ સાયન્સમાં પ્રથમને જરાય રસ નહોતો. પહેલેથી જ આર્ટસમાં રસ હતો. તેમ છતા ગમે તેમ કરીને બે વર્ષ ભણવાનું પુર્ણ કર્યું. ત્યારબાદ ફૅમેલીએ કહ્યું કે, હવે આગળ જે અભ્યાસ કરવો હોય તે કરી શકે છે. ત્યારે નક્કી કર્યું કે આર્ટસનો અભ્યાસ કરવો છે. આમેય આર્ટસમાં બાળપણથી જ રસ હતો. એટલે પછી ઉપડયા લંડન ફાઈન આર્ટસ ભણવા માટે. અહીં લંડનની આર્ટસ યુનિર્વસિટી ‘સેન્ટ્રલ સૈન્ટ માર્ટિન્સ’માં આર્ટસનો અભ્યાસ કર્યો. ફાઈન આર્ટસમાં વર્ષનો અભ્યાસ કર્યો ત્યારે પ્રથમ મહેતાને અહેસાસ થયો કે, આ ફાઈન આર્ટસની ફિલ્ડ મારી માટે છે જ નહીં. કારણકે આ ફિલ્ડ એવી છે જ્યાં એકલા રહેવું પડે. પણ ફિલ્મ અને ફિલ્મ મેકિંગ એવું છે જ્યાં ઘણા બધા લોકો સાથે રહીને કામ કરી શકીએ. ફિલ્મ મેકિંગ આર્ટસ કરતા વધારે રસપ્રદ લાગતા તેની તરફ આકર્ષણ થયું અને આમેય નાનપણથી ફિલ્મોમાં રસ તો હતો જ. એટલે નક્કી કર્યું કે, ફિલ્મ મેકિંગની ફિલ્ડમાં આગળ વધવું. પછી લૉસ ઍન્જલસની કૉલ્મબિયા કૉલેજ હૉલીવુડમાંથી બેચલર્સ ઈન સિનેમા કર્યું.

Pratham Mehta

ફિલ્મ મેકર તરીકેની સફર અને બૉલીવુડમાં એન્ટ્રી:

લૉસ એન્જલસમાં બેચલર્સ ઈન સિનેમા કર્યા બાદ ફિલ્મ મેકિંગની શરૂઆત કરી. અહીં પ્રથમે અનેક શોર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મ બનાવી. આ દરમિયાન તેને બૉલિવુડ ફિલ્મનું એક પ્રોજેક્ટ કર્યું હતું. લોસ એજન્લસમાં એક બૉલીવુડ કંપની માટે ફીચર શૂટ કર્યું અને પ્રોડયુસરને આ કામ બહુ જ ગમ્યું અને તેમણે પ્રથમ મહેતાનો હંસલ મહેતા સાથે સંપર્ક કરાવ્યો. આમ બૉલીવુડમાં પ્રથમ માટે એન્ટ્રી ઘણી સરળ રહી હતી. લૉસ ઍન્જલસમાં સારું કામ કરતો હોવા છતા બૉલીવુડમાં કામ કરવાની મહેચ્છાને લીધે મુંબઈ શિફ્ટ થયો. હવે અહીં સફળતા મળતા મુંબઈમાં જ રહેવાનું નક્કી કરી લીધું છે.

‘સ્કૅમ 1992’ના DOP તરીકેની સફર:

સ્કૅમની સફર વિશે વાત કરતા પ્રથમ મહેતાએ કહ્યું હતું કે, ‘આ વૅબ સિરીઝની જરની મારા માટે બહુ સારી, ઘણી બધી વસ્તુ શીખવનારી અને એડવેન્ચરથી ભરપૂર રહી હતી. આ મારું પહેલું બૉલિવુડ પ્રોજેક્ટ હોવાથી હું સંપુર્ણ રીતે કામમાં ઓતપ્રોત હતો. 585 પાનાની સ્ક્રિપ્ટ, 85 દિવસ અને 100 કરતા વધુ લોકેશન પર શૂટ કરવાનું જેટલું ચેલેન્જીંગ હતું એટલું જ મજેદાર પણ હતું. અમે એક જ દિવસમાં અનેક શોટ શૂટ કરતા હતા. જે એકબીજાથી ઘણા અલગ હતા એટલે હંમેશા તૈયાર રહેવું પડતું હતું. થોડાક સમયમાં અનેક એપિસોડ પર કામ કરવાનું હતું. મારો સ્વભાવ એવો છે કે, મને જરાય કોમ્પ્રોમાઈઝ કરવું ન ગમે. એટલે મારું ધ્યાન સિનેમેટોગ્રાફી, ફોટોગ્રાફી, એક્ટર્સના મૂડ દરેક બાબત પર રહેતું. આટલું ક્રિએટીવ કામ કરવાનો અનુભવ સાવ જુદો છે જેને શબ્દોમાં વર્ણવવો ખુબ મુશ્કેલ છે’.

હંસલ મહેતા સાથે કામ કરવાના અનુભવ વિશે પ્રથમ મહેતાએ કહ્યું હતું કે, ‘હંસલ મહેતા બહુ જ મસ્ત અને કુલ માણસ છે. તેઓ ખુબ ફ્લેક્સિબલ છે. એટલે તેમની સાથે કામ કરવામાં બહુ જ મજા આવી. તેઓ કામ કરવા માટે દરેક વ્યક્તિને ભરપુર સ્પેસ આપે છે. જેને કારણે વ્યક્તિની ક્રિએટીવી બહાર આવી શકે અને તે બેસ્ટ ઈનપુટ આપીને તેમનું સુપર આઉટપુટ આપી શકે. હંસલ મહેતા ફક્ત દિગ્દર્શક નહીં પણ બડી જેવા છે. સેટ પર તેઓ મને દીકરાની જેમ રાખતા. અરે ઘણીવાર લોકો સેટ પર એમ સમજી બેસતા કે હું તેમનો દીકરો જ છું. કારણકે પાછી અમારી અટકે એકસરખી મહેતા મહેતા રહીને’.

વૅબ સિરીઝના સેટ પર પ્રથમનો સૌથી ખાસ મિત્ર હતો હર્ષદ મહેતાનું પાત્ર ભજવતો અભિનેતા પ્રતિક ગાંધી. પ્રતિક ગાંધી સાથેના ઓફ-સ્ક્રીન બોન્ડની વાત કરતા પ્રથમે કહ્યું હતું કે, ‘સેટ પર પ્રતિક મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. તેનું મુખ્ય કારણ એ પણ એક કે, અમે બન્ને જ શાકાહારી હતા. શૂટ પતી જાય પછી અમે સાથે ફરવા અને જમવા જતા. જે લોકેશન પર શૂટ હોય તેની આસપાસની જગ્યાઓએ ફરવા પણ જતા. ઘણીવાર અમે ક્રિકેટ અને ગોલ્ફ પણ રમતા.’

‘સ્કૅમ 1992’ના પ્રથમ મહેતાના મનપસંદ સીન વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘DOP તરીકે મારા દરેક સીન ફૅવરેટ છે. પણ જો કોઈ એક ચોક્કસ સીનની વાત કરું તો મને બીએસસીના રિયલ લોકશનમાં ભીડમાં શૂટિંગ કરવાની સૌથી વધુ મજા આવી હતી’.

Pratham Mehta

‘સેટ પર મોટા ભાગની કાસ્ટ અને ક્રુ ગુજરાતી હોવાથી બધા ગુજરાતીમાં જ વાત કરતા. હું ગુજરાતમાં મોટો થયો હોવાથી મને ગુજરાતી સમજાતુ, પરંતુ બોલતા નહોતું આવડતું. પણ સમજાતું હોવાને લીધે હું હંમેશા દરેક વાતમાં રસ લેતો અને બધા સાથે વતો કરવાની બહુ મજા પડતી’, એમ પ્રથમ મહેતાએ ઉમેર્યું હતું.

ભવિષ્યના પ્રોજેક્ટ વિશે:

ભવિષ્યના પ્રોજેક્ટ વિશે પ્રથમ મહેતાએ કહ્યું હતું કે, ‘અત્યારે તો કોઈ પ્રોજેક્ટ નથી હાથમાં. પણ હું કોઈક વધુ રસપ્રદ અને કંઈક હટકે હોય તેની રાહ જોઈ રહ્યો છું. વૅબ સિરીઝ કે પછી ફિલ્મ કંઈપણ ચાલશે. પણ હા મેં આ વૅબ સિરીઝના શૂટિંગ સમયે એક વાત ખુબ મિસ કરી તેનું ધ્યાન નેક્સ્ટ પ્રોજેક્ટના સેટ પર ખાસ રાખીશ. હું કામમાં એટલો વ્યસ્ત રહેતો કે મને કાસ્ટ અને ક્રુ સાથે વધુ બોન્ડિંગ બનાવવાનો સમય ન મળ્યો. એ વાતનો મને બહુ અફસોસ છે. પણ હા, હવે મેં નક્કી કર્યું છે કે મારા આગામી પ્રોજેક્ટમાં હું બધા સાથે વધુ સારું બોન્ડ બનાવીશ’.

Pratham Mehta

‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ વિશે ટુંકમાં:

હર્ષદ મહેતા 'ભારતીય શેર બજાર'ના 'બિગ બુલ' તરીકે પ્રખ્યાત હતા. વર્ષ1992માં હર્ષદ મહેતાએ દેશનું સૌથી મોટું કૌભાંડ કર્યું હતું. વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવનની વાર્તા જણાવે છે. આ વૅબ સિરીઝ જર્નાલિસ્ટ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુના પુસ્તક ‘ધ સ્કૅમ: હુ વૉન, હુ લૉસ્ટ, હુ હૉટ અવૅ’ પર આધારિત છે. જેનું દિગ્દર્શન હંસલ મહેતાએ કર્યું છે. જેમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક ગાંધી અને શ્રેયા ધન્વન્તરી છે. સાથે જ હેમંત ખેર, અંજલી બારોટ, જય ઉપાધ્યાય, ચિરાગ વોરાસતીષ કૌશિક, શરીબ હાશ્મી, અનંત મહાદેવન, નિખિલ દ્વિવેદી, કે.કે. રૈના, લલિત પરીમુ મુખ્ય ભૂમિકામાં છે.

First Published: 26th October, 2020 09:00 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK