તેની ઍક્ટિંગને બાદ કરવામાં આવે તો રવિ જાધવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘તાલી’માં પાત્ર સાથે ઇમોશનલ કનેક્ટ નથી થતો : સ્ક્રિપ્ટ ઉપરછલ્લી લખવામાં આવી છે તેમ જ શ્રીગૌરી સાંવતની લાઇફ જેટલી પ્રેરણાત્મક છે એવો શો નથી બન્યો
`તાલી : બજાઉંગી નહીં, બજવાઉંગી`
વેબ-શૉ : `તાલી : બજાઉંગી નહીં, બજવાઉંગી`
કાસ્ટ : સુસ્મિતા સેન, અંકુર ભાટિયા, સુવ્રત જોષી
ADVERTISEMENT
ડિરેક્ટર : રવિ જાધવ
રિવ્યુ : અઢી સ્ટાર
સુસ્મિતા સેનની ‘તાલી : બજાઉંગી નહીં, બજવાઉંગી’ હાલમાં જ જિયો સિનેમા પર સ્ટ્રીમ થઈ રહી છે. છ એપિસોડની આ સિરીઝના દરેક એપિસોડ ૩૦ મિનિટની આસપાસના છે. આ એક બાયોગ્રાફિકલ ડ્રામા સિરીઝ છે જેને રવિ જાધવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ટ્રાન્સજેન્ડર ઍક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની લાઇફ પરથી આ સિરીઝ બનાવવામાં આવી છે. આ શોમાં તેમનું પાત્ર સુસ્મિતા સેન દ્વારા ભજવવામાં આવ્યું છે.
સ્ટોરી ટાઇમ
આ શોની શરૂઆત ગૌરીના જન્મથી થાય છે. ગૌરી જન્મથી ગણેશ હતો. તેના પિતા પોલીસમાં હતા. ગણેશને ડાન્સનો ખૂબ જ શોખ હતો. તેને જ્યારે સ્કૂલમાં પૂછવામાં આવ્યું કે તે મોટો થઈને શું કરવા માગે છે ત્યારે તે કહે છે કે મમ્મી બનવા માગે છે. તેને બાળપણથી જ કઈ-કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યાંથી લઈને તેણે તેના જેવા લોકો, જેને આજે ભારતમાં ત્રીજા જેન્ડરનું નામ આપવામાં આવ્યું છે અને આ જેન્ડરની જગ્યા અપાવવા માટે જે જહેમત તેણે ઉઠાવવી પડી હતી એની સ્ટોરી આ શોમાં કરવામાં આવી છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ શોના ક્રીએટર અર્જુન સિંહ બારન અને કાર્તિક ડી. નિશાનદાર છે. આ સ્ટોરીને ક્ષિતિજ પટવર્ધન દ્વારા લખવામાં આવી છે જેને રવિ જાધવે ડિરેક્ટ કરી છે. આ સ્ક્રિપ્ટને નૉન-લિનિયર સ્ટાઇલમાં લખવામાં આવી છે અને એ ફિલ્મનો પ્લસ પૉઇન્ટ છે. જોકે સ્ક્રિપ્ટને એટલી ડીટેલમાં કહો કે પછી ઊંડાણમાં લખવામાં નથી આવી. તેમ જ આ સ્ક્રિપ્ટને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં વધુ ડ્રામાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની નેગેટિવ ઇફેક્ટ પડી છે. તેમ જ કેટલાક ડાયલૉગને વધુ ડ્રામેટિક અને ફિલ્મી લખવામાં આવ્યા છે. આ ડાયલૉગને નૉર્મલ બનાવી શકાયા હોત. રવિ જાધવ દ્વારા શોને નૉન-લિનિયર સ્ટાઇલમાં બનાવવામાં જરૂર આવ્યો છે, પરંતુ એમ છતાં એમાં ઘણી માહિતી મિસિંગ છે. સ્ટ્રોરીમાં ઇમોશનલી કનેક્ટ નથી થવાતું. ક્ષિતિજ પટવર્ધનના લખાણમાં એ મિસિંગ છે. ગૌરી સાથે શું-શું થયું એ દેખાડવામાં આવ્યું છે, પરંતુ એની સાથે કનેક્ટ નથી થઈ શકાતું. સ્કૂલનું દૃશ્ય અને ત્યાર બાદ ગણેશનું તેની મમ્મી સાથેનું જે દૃશ્ય છે એ સારું છે. જોકે ત્યાર બાદ તરત જ ટ્વિસ્ટ લાવવા માટે સ્ટોરીને ભગાવવામાં આવી હોય એવું લાગે છે. તેમ જ એક તરફ દેખાડવામાં આવે છે કે ગૌરીને ક્યારેય કોઈનો સપોર્ટ નહોતો મળ્યો, પરંતુ જ્યારે પણ તેના પર કોઈ મુશ્કેલી આવે છે તેની પડખે કોઈને કોઈ ઊભું હોય છે. ગૌરીને વલ્નરેબલ સાઇડમાં દેખાડવામાં જ નથી આવી. તેમ જ ગૌરીને શું જોઈએ છે લાઇફમાં એ દેખાડવામાં આવ્યું છે, પરંતુ તેની ખુશી અને તેના દુઃખને ઉપરછલ્લાં દેખાડવામાં આવ્યાં છે.
પર્ફોર્મન્સ
આ શોમાં ગૌરી સાવંતનું પાત્ર સુસ્મિતાએ ભજવ્યું છે. તેને પસંદ કરવાનાં બે કારણ છે. પહેલું કે જો ગૌરીને પસંદ કરવામાં આવી હોત તો એ ડૉક્યુમેન્ટરી બની હોત, પરંતુ આ શોને એક ડ્રામા સિરીઝ બનાવવામાં આવી હોવાથી તેને પસંદ કરવામાં નથી આવી. બીજું કારણ કે સુસ્મિતાને તેની ગજબની ઍક્ટિંગ ટૅલન્ટને કારણે પસંદ કરવામાં આવી છે. સુસ્મિતાએ તેના પર્ફોર્મન્સ દ્વારા એ સાબિત કરી દેખાડ્યું છે કે તે કોઈ પણ પાત્રને ખૂબ જ સરળતાથી ભજવી શકે છે. તેણે તેની બૉડી-લૅન્ગ્વેજ જ નહીં, તેની બોલવાની સ્ટાઇલ અને એક્સપ્રેશન પર પણ ખૂબ જ મહેનત કરી છે. તે પોતે જ ગૌરી સાવંત બની ગઈ હતી. આ શોમાં જો કોઈ એક વસ્તુ સારી હોય તો એ છે સુસ્મિતાની ઍક્ટિંગ. તેની હાજરીથી સ્ક્રીન પર એક ગજબની એનર્જી આવે છે. છઠ્ઠા એપિસોડની શરૂઆતનું એક દૃશ્ય ખૂબ જ જોરદાર છે. આ દૃશ્યમાં સુસ્મિતાની ઍક્ટિંગ એક નંબર છે. તે ખૂબ જ ઓછા ડાયલૉગ બોલે છે, પરંતુ તેની બૉડી-લૅન્ગ્વેજ અને એક્સપ્રેશન્સ રૂંવાડાં ઊભાં કરી દે છે. તેમ જ આ સમયે જે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપવામાં આવ્યું છે એ પણ ખૂબ જ જોરદાર છે. આ શોમાં અંકુર ભાટિયાએ તેના સપોર્ટરનું પાત્ર ભજવ્યું છે. તે પોતે ગે હોય છે અને એક એનજીઓ પણ ચલાવતો હોય છે. જોકે તેની સ્ટ્રગલને પણ નજરઅંદાજ કરવામાં આવી છે. આ સાથે જ ગૌરીના નજીકના મુન્નાનું પાત્ર સુવ્રત જોષીએ ભજવ્યું છે. તેને પણ જે પાત્ર આપવામાં આવ્યું હતું એને તેણે સારી રીતે ભજવ્યું છે.
આખરી સલામ, સુસ્મિતા સેનની ઍક્ટિંગને કારણે પણ આ શો જોવા જેવો છે. ગૌરી સાવંતની લાઇફ ખૂબ જ પ્રેરણાત્મક છે, પરંતુ સ્ક્રીન પર એને એટલી પ્રેરણાત્મક દેખાડવામાં નથી આવી.

