પ્રતીક ગાંધીએ જણાવ્યું છે કે તે વર્ષોથી સ્ટેજ પર ગાંધીબાપુનો રોલ કરતો આવ્યો હોવાથી તેને ઘણુંબધું શીખવા મળ્યું છે.
પ્રતિક ગાંધી
પ્રતીક ગાંધીએ જણાવ્યું છે કે તે વર્ષોથી સ્ટેજ પર ગાંધીબાપુનો રોલ કરતો આવ્યો હોવાથી તેને ઘણુંબધું શીખવા મળ્યું છે. વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મેહતા સ્ટોરી’માં તેણે ભજવેલો રોલ લોકોને ખૂબ ગમ્યો હતો. હવે તે આગામી સિરીઝ ‘ગાંધી’માં ગાંધીબાપુની ભૂમિકામાં દેખાશે. એ વિશે પ્રતીક ગાંધીએ કહ્યું કે ‘મારા માટે આ રોલ ખૂબ અગત્યનો છે. આ શો મારી લાઇફમાં કરેલા શોની સરખામણીએ મોટો શો છે, કારણ કે હું એમાં મોહનદાસ કરમચંદ ગાંધીના રોલમાં જોવા મળીશ. તેમની લાઇફ અને તેમની જર્નીને સારી રીતે દેખાડવાનો અમે પ્રયાસ કરીશું. મનોરંજનના ઇતિહાસમાં આ પહેલો એવો શો હશે. કેટલાંય વર્ષોથી હું સ્ટેજ પર તેમનું પાત્ર ભજવતો આવ્યો છું. ગાંધીજી એક સામાન્ય વ્યક્તિ હતા અને એમાંથી મહાન વ્યક્તિ બનવા અને સ્વતંત્રતા સેનાની બનવા માટે તેમણે લીધેલાં મહત્ત્વનાં પગલાંઓ વિશે જણાવીશું. હું ગાંધીજીથી અને તેમની સાદગીથી પ્રેરિત છું. મારી આસપાસ એવા અનેક લોકો છે જેમણે તેમની સાદગીને અપનાવી છે અને એનાથી પણ મને ખૂબ પ્રેરણા મળે છે.’