° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


લઈ લો, લઈ લો, લઈ લો, એક વેબ-શો ૧૦ રૂપિયામાં

25 September, 2022 03:21 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

હા, આ પ્રકારે વેબ-શો અને ફિલ્મ પાઇરસી માર્કેટમાં વેચાય છે. તમારે ઑનલાઇન પેમેન્ટ કરવાનું. પેમેન્ટ જેવું રિસીવ થાય કે તરત તમારી ગૂગલ ડ્રાઇવ કે ટેલિગ્રામ પર શો કે ફિલ્મ ડિલિવર થઈ જાય

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક ઍન્ડ ઍકશન...

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

આમ તો આજે મારે વાત કરવી હતી ‘છેલ્લો શો’ની, પણ ગયા રવિવારે ‘તામિલ રૉકર્સ’ની વાત કર્યા પછી આવેલા રિસ્પૉન્સને લીધે આપણે ‘તામિલ રૉકર્સ’ની વાત જ કન્ટિન્યુ કરીએ. સોની લિવના આ વેબ-શોના સેન્ટરમાં પાઇરસી છે અને પાઇરસી આજે દરેકેદરેક ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને જબરદસ્ત નડે છે.

પાઇરસી કરનારા હવે તમને વેબ-શો અને ફિલ્મનું એક આખું લિસ્ટ મોકલે અને એમાંથી તમારે ફિલ્મ કે વેબ-શો સિલેક્ટ કરવાનો. એક વેબ-શો કે ફિલ્મની પ્રાઇસ ૧૦ રૂપિયા. તમે જેવા એ ૧૦ રૂપિયા ટ્રાન્સફર કરો કે તરત હાઇ-ડેફિનેશન પ્રિન્ટ સાથેનો વેબ-શો કે ફિલ્મ તમે માગો એ રીતે ટ્રાન્સફર કરી દેવામાં આવે. તમે કહો તો તમને તમારી ગૂગલ ડ્રાઇવ પર આપી દે અને તમે કહો તો તમને ટેલિગ્રામ પર પણ ટ્રાન્સફર કરે. ગયા વીકમાં આ સ્કીમમાં નવી ઑફર આવી. એક શો કે ફિલ્મ ખરીદો તો ૧૦ રૂપિયા અને બે ખરીદો તો ટોટલ પ્રાઇસ પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ. જો તમે એ લિસ્ટમાં રહેલી તમામેતમામ ફિલ્મ અને શો ખરીદવા માગતા હો તો ૨૦૦ રૂપિયા.

૨૩ વેબ-સિરીઝ અને ૧૨ ફિલ્મો એ લિસ્ટમાં હતી. મેં તેની સાથે વધારે વાત કરવાની કોશિશ કરી તો તેણે તરત જ ફોન ડિસ્‍કનેક્ટ કરી નાખ્યો. બીજી અને ત્રીજી વાર તેને ફોન કર્યો એટલે તેણે મેસેજ કરીને મને કહ્યું કે ‘સર, તમારો નંબર ફલાણા ડિરેક્ટરે આપ્યો છે એટલે સામેથી મેસેજ કર્યો. જો વાતો કરવી હોય તો હું તમને બ્લૉક કરી દઉં!’ ‘તામિલ રૉકર્સ’માં પાઇરસી માટે જે વાત કહેવામાં આવી છે અને એને લીધે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના વિશે ડિટેઇલમાં વાત કરી છે.

હું તમને સીધું ગણિત સમજાવું. દોઢથી બે કરોડની ફિલ્મના બજેટ સાથે બનેલી ફિલ્મનું ઇન્વેસ્ટમેન્ટ છૂટું ત્યારે થાય જ્યારે એ ફિલ્મ મિનિમમ ચારથી પાંચ કરોડનો બિઝનેસ કરે. ગુજરાતી ફિલ્મની જ વાત કરીએ તો અહીં કોઈ એવી મ્યુઝિક-કંપની નથી જે પ્રોડ્યુસર પાસેથી મ્યુઝિક-રાઇટ્સ ખરીદે અને એની કોઈ આવક થાય. ગુજરાતી ફિલ્મ્સની જ વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પાસે ડિજિટલ કે પછી સૅટેલાઇટ રાઇટ્સ માટે એવા કોઈ ઑપ્શન નથી જેમાંથી મોટી ઇન્કમ થઈ શકે. બહુ ઓછા ઑપ્શન છે આ બાબતમાં એટલે ત્યાં પણ તમે મેજર બાર્ગેઇન કરી શકતા નથી. કહેવાનો અર્થ એ છે કે આવા સમયે પાઇરસીને કારણે સીધો જ પ્રોડ્યુસર મરે છે. હા, પ્રોડ્યુસર અને માત્ર ને માત્ર પ્રોડ્યુસર જ મરે છે. ફિલ્મની કાસ્ટ અને ક્રૂને તો ફિલ્મ  રિલીઝ થાય એ સમયે જ પેમેન્ટ મળી જાય છે એટલે રિલીઝ સમયે ફક્ત પ્રોડ્યુસર અને ફાઇનૅન્સર બે જ ફિલ્મ સાથે આર્થિક રીતે સંકળાયેલા હોય છે. આવા સમયે જો ફિલ્મ રિલીઝ થયાના બીજા જ દિવસે પાઇરસી માર્કેટમાં આવી જાય તો નૅચરલી એનું ટેન્શન બૂસ્ટ થાય.

આ જ વાતને જરા જુદી રીતે જોઈએ.

ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થતી ફિલ્મો ત્રણ કે પછી એનાથી પણ ઓછા કલાકમાં પાઇરસી માર્કેટમાં આવી જાય છે. આવા સમયે બને છે એવું કે ઑડિયન્સ ડિજિટલ પ્લૅટફૉર્મનું સબસ્ક્રિપ્શન લેવાનું ટાળી દે છે. પરિણામ એ આવીને ઊભું રહે છે કે જે ફિલ્મ ‘પે પર વ્યુ’ના ફૉર્મેટ પર વેચાઈ હોય છે એ ફિલ્મના પ્રોડ્યુસરના હાથમાં આવે છે માત્ર બાબાજી કા ઠુલ્લુ અને છેલ્લે બને છે એવું કે એ બહુ મોટો લૉસ કરે છે. આ જે લૉસ છે એ લૉસને લીધે અનેક પ્રોડ્યુસરે પોતાનાં ઘરબાર વેચવા પડ્યાં છે તો અનેક એવા પણ છે જેમણે કશું વેચવું નથી પડ્યું, પણ ગુજરાતી ફિલ્મના નામે તેઓ રીતસર દૂર ભાગતા થઈ જાય છે. આ રીતે નહીં ટકે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. જો એને ટકાવવી હશે તો આપણે તાત્કાલિક રીતે આ પાઇરસી માર્કેટને બ્રેક મારવી પડશે.

‘તામિલ રૉકર્સ’માં પાઇરસી અટકાવવા માટે જીવના જોખમે લડવામાં આવે છે અને એ જ કરવાનું છે. જો કાયદાનું, પોલીસનું પ્રોટેક્શન નહીં મળે તો આવતી કાલે સવારે આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું સાહસ કોઈ નહીં કરે. કારણ કે પ્રોડ્યુસર સમજી જશે કે તેની મહિનાઓની મહેનત બે કલાકમાં પાણી થઈ જશે અને એ પાણી થશે ત્યારે ભલભલાને પરસેવો છૂટી ગયો હશે.

25 September, 2022 03:21 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો

વેબ સિરીઝ

‘ખાકી: ધ બિહાર ચૅપ્ટર’ માટે આઇપીએસ ઑફિસરનો આભાર માન્યો કરણ ટૅકરે

આ સિરીઝમાં ૨૦૦૦ના દાયકામાં ઘટેલી બિહારની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે.

06 December, 2022 03:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘પિચર્સ’ની બીજી સીઝન બની રહી છે વધુ ગ્રૅન્ડ

આ સિરીઝને વૈભવ બુન્ધૂ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે અને એને Zee5 પર સ્ટ્રીમ કરવામાં આવશે

06 December, 2022 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ખાકી: ધ બિહાર ચૅપ્ટર’માં મારો રોલ કપરી સ્થિતિમાં પણ શાંત રહે છે : આશુતોષ રાણા

આ સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થઈ છે.

02 December, 2022 05:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK