તે હાલમાં ‘રબ સે હૈ દુઆ’માં હૈદરનું પાત્ર ભજવી રહ્યો છે
કરણવીર શર્મા
કરણવીર શર્માનું કહેવું છે કે ડરને દૂર કરવા માટે એનો સામનો કરવો ખૂબ જ જરૂરી છે. તે હાલમાં ‘રબ સે હૈ દુઆ’માં હૈદરનું પાત્ર ભજવી રહ્યો છે. એમાં એક દૃશ્ય ભજવવા માટે તેણે પોતે સ્ટન્ટ કરવા પડ્યા હતા. આ દૃશ્યમાં ગઝલ તેને બ્લૅકમેલ કરે છે અને તેની સાથે લગ્ન ન કર્યાં તો તે સુસાઇડ કરશે એવી ધમકી આપે છે. હૈદર તેને ખાઈમાંથી પડતી અટકાવે છે. જોકે કરણવીરને ઊંચાઈથી ડર લાગે છે. આ વિશે વાત કરતાં કરણવીર શર્માએ કહ્યું કે ‘મારું માનવું છે કે ડરને દૂર કરવા માટે એનો સામનો કરવો જરૂરી છે. મને ઊંચાઈથી ડર લાગતો હોવા છતાં મેં આ સ્ટન્ટ કરવાનું પોતે નક્કી કર્યું, કારણ કે મારે એ ડરને દૂર કરવો હતો. મને હાઇટથી ડર લાગે છે અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે આવું દૃશ્ય કરવું પડશે. મને જ્યારે આ સ્ટન્ટ કરવાની તક મળી તો મેં મારા ડરને દૂર કરવાનું નક્કી કરી લીધું હતું. ત્રણથી ચાર કલાક સુધી ખાઈ પાસે રહેવું અને શૂટ કરવું ખૂબ જ મુશ્કેલ હતું.’


