૨૧ વર્ષ મોટા પૉલિટિશ્યન સાથે દસ વર્ષ પહેલા લગ્ન કર્યાંની જાહેરાત કરી સ્નેહલ રાયે

સ્નેહલ રાયે અને માધવેન્દ્ર કુમાર
સ્નેહલ રાયે ૨૧ વર્ષ મોટા બીએસપીના પૉલિટિશ્યન માધવેન્દ્ર કુમાર સાથે લગ્ન કર્યાં હોવાની જાહેરાત કરી છે. તેણે દસ વર્ષ પહેલાં જ લગ્ન કર્યાં છે. સ્નેહલે ‘ઇશ્ક કા રંગ સફેદ’, ‘જન્મોં કા બંધન’, ‘ઇચ્છાપ્યારી નાગિન’ અને ‘પર્ફેક્ટ પતિ’માં કામ કર્યું છે. એ વિશે કદી તેણે જાહેરમાં જણાવ્યું નથી અને ન તો કદી છુપાવ્યું છે. તેણે જ્યારે લગ્ન કર્યાં ત્યારે સ્નેહલની ઉંમર ૨૩ વર્ષ હતી. બન્નેની મુલાકાત એક ઇવેન્ટમાં થઈ હતી. એ ઇવેન્ટને સ્નેહલ હોસ્ટ કરી રહી હતી અને માધવેન્દ્ર વીઆઇપી ગેસ્ટ તરીકે હાજર હતા. ત્યાર બાદ બન્નેની ફરીથી મુલાકાત બીજા દિવસે ફ્લાઇટમાં થઈ હતી અને તેમની ફ્રેન્ડશિપ આગળ વધી. પછી તો માધવેન્દ્ર કુમારની બધી જ ઇવેન્ટને સ્નેહલ હોસ્ટ કરતી હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ થયો અને તેમણે લગ્ન કરી લીધાં હતાં.