મારે ઘરના ઈએમઆઇ ભરવા માટે પૈસાની જરૂર હતી.
સ્મૃતિ ઈરાની
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’માં તુલસીના રોલથી ફેમસ થયેલાં યુનિયન મિનિસ્ટર ઑફ માઇનૉરિટી અફેર્સ સ્મૃતિ ઈરાનીએ પોતાના સ્ટ્રગલ્સના દિવસોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મને મિસકૅરેજ થયા બાદ હું બીજા જ દિવસે શૂટિંગના સેટ પર પહોંચી ગઈ હતી. એ દરમ્યાન તેઓ એકતા કપૂરની ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ સાથે જ રવિ ચોપડાની ‘રામાયણ’ સિરિયલમાં પણ કામ કરી રહ્યાં હતાં. મિસકૅરેજના એ અનુભવ વિશે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ‘મને જાણ નહોતી કે હું પ્રેગ્નન્ટ છું. હું ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ના સેટ પર હતી. મેં જણાવ્યું કે શૂટ કરવા માટે મારી તબિયત ઠીક નથી અને મને ઘરે જવા દો. જોકે આમ છતાં મેં કામ કર્યું અને તેમણે મને જ્યારે ઘરે જવાનું કહ્યું તો એ વખતે સાંજ પડી ગઈ હતી. ડૉક્ટરે મને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી હતી. અધવચ્ચે જ મને બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું અને એ વખતે વરસાદ પડી રહ્યો હતો. એક રિક્ષા રોકીને મેં તેને હૉસ્પિટલ લઈ જવા કહ્યું હતું. હું હૉસ્પિટલ પહોંચી તો એક નર્સ દોડીને મારી પાસે ઑટોગ્રાફ માગવા આવી હતી. બ્લીડિંગ જેવી સ્થિતિમાં પણ મેં તેને ઑટોગ્રાફ આપ્યા. તેને મેં પૂછ્યું કે ‘મને ઍડ્મિટ કરશો? મને કદાચ મિસકૅરેજ થયું છે.’
પોતાની આ સ્થિતિ વિશે તેમણે જ્યારે ‘રામાયણ’ના રવિ ચોપડાને જણાવ્યું તો તેમણે આરામ કરવાની સલાહ આપી હતી. રવિ ચોપડા સાથે થયેલી વાતચીત વિશે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ‘તેમણે મને કહ્યું કે ‘તુમ્હારા દિમાગ ખરાબ હૈ? એક બાળકને ગુમાવવાની ફીલિંગ શું હોય છે એ તું જાણે છે? એમાંથી તું હાલમાં પસાર થઈ છે. કલ આને કી ઝુર્રત નહીં હૈ.’ જોકે આમ છતાં મેં તેમને મનાવવાના પ્રયાસ કર્યા કે આવતી કાલે સન્ડેનો એપિસોડ છે અને સીતાનું કૅરૅક્ટર રિપ્લેસ ન કરી શકાય.’
ADVERTISEMENT
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ના તેના કો-સ્ટારે એકતા કપૂરને જઈને જણાવ્યું હતું કે સ્મૃતિ મિસકૅરેજ વિશે ખોટું બોલી રહી છે એથી તેઓ પોતાનાં મેડિકલ પેપર્સ લઈને એકતા પાસે પહોંચી ગયાં હતાં. એ વિશે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ‘એ વ્યક્તિને એ એહસાસ ન થયો કે હું પાછી આવી છું, કારણ કે મને પૈસાની જરૂર હતી. મારે ઘરના ઈએમઆઇ ભરવા માટે પૈસાની જરૂર હતી. બીજા જ દિવસે હું મારાં મેડિકલ પેપર્સ લઈને એકતા પાસે ગઈ અને જણાવ્યું કે આ બધું ડ્રામા નથી. તે અન્કમ્ફર્ટેબલ થઈ અને મને જણાવ્યું કે પેપર્સ દેખાડવાની જરૂર નથી. મેં તેને જણાવ્યું કે ફિટસ બાળક નથી, નહીં તો એ પણ દેખાડી દેત.’