ટીવી-ઍક્ટ્રેસ હવે રામાયણમાં લક્ષ્મણનો રોલ કરનાર સુનીલ લહેરીની પુત્રવધૂ બની ગઈ છે
સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને આપ્યા ગુડ ન્યુઝ
ટીવી-ઍક્ટ્રેસ સારા અલી ખાને ગઈ કાલે તેના બૉયફ્રેન્ડ ક્રિશ પાઠક સાથે કોર્ટ-મૅરેજ કરી લીધાં હતાં. સારાએ સોશ્યલ મીડિયામાં આ કોર્ટ-મૅરેજની તસવીરો શૅર કરીને નવા જીવનની શરૂઆતની ખુશી વ્યક્ત કરીને જણાવ્યું છે કે ડિસેમ્બરમાં તેમનાં ધામધૂમથી લગ્ન થશે. સારા અને ક્રિશ એકસાથે મ્યુઝિક વિડિયોમાં કામ કરી ચૂક્યાં છે અને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.
કોર્ટ-મૅરેજની તસવીરો શૅર કરતાં સારાએ કૅપ્શનમાં લખ્યું છે, ‘એકસાથે બંધનમાં બંધાયાં. બે વિશ્વાસ. એક વાર્તા. અંતહીન પ્રેમ... સાઇન થઈ ગયો છે. ‘કુબૂલ હૈ’થી ‘સાત ફેરે’ સુધી, આ ડિસેમ્બરમાં બે દિલ અને બે સંસ્કૃતિ એક થવા જઈ રહી છે. અમારી પ્રેમકહાણી એ મિલનની સાક્ષી બનશે જ્યાં આસ્થાઓ જોડાય છે, ટકરાતી નથી; કારણ કે જ્યારે પ્રેમ સૌથી મોટું સત્ય હોય ત્યારે બાકી બધું માત્ર એક સુંદર ભાગ બની જાય છે. તમારા આશીર્વાદ જોઈએ છે, કારણ કે આ સંબંધ માત્ર અમારો નથી, આપણો બધાનો છે.’
ADVERTISEMENT
સારાએ ૨૦૧૦માં ‘બિગ બૉસ સીઝન ૪’ના અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યાં હતાં, પણ ૨૦૧૧માં બન્નેએ પરસ્પર સહમતીથી છૂટાછેડા લઈ લીધા હતા. સારાનો પતિ ક્રિશ ‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ ભજવનાર સુનીલ લહેરીનો પુત્ર છે. સુનીલની પહેલી પત્ની રાધા સેન હતી. તેની સાથે તેણે છૂટાછેડા લીધા હતા. આ પછી તેણે ભારતી પાઠક સાથે લગ્ન કર્યાં અને તેમને ક્રિશ નામનો દીકરો થયો.


