કુંડલી ભાગ્યની ડૉ. પ્રીતા રોરાએ જાહેર કરી પ્રેગ્નન્સી
શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલ
ટીવી-સિરિયલ ‘કુંડલી ભાગ્ય’થી જાણીતી થયેલી ૩૭ વર્ષની શ્રદ્ધા આર્યાએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેની પ્રેગ્નન્સી જાહેર કરી છે. શ્રદ્ધા અને તેનો હસબન્ડ રાહુલ નાગલ પહેલી વાર પેરન્ટ્સ બનવાનાં છે. રાહુલ ઇન્ડિયન નેવીમાં ઑફિસર છે. ૨૦૨૧માં લગ્નગ્રંથિથી બંધાયેલાં શ્રદ્ધા અને રાહુલનાં અરેન્જ્ડ મૅરેજ છે. શ્રદ્ધાની ડ્યુ-ડેટ ડિસેમ્બરની છે.
ઝી ટીવીની સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં ડૉ. પ્રીતા અરોરા લુથરાનો રોલ ભજવતી અને ૨૦૨૪માં ‘ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ’ નામના શોમાં સ્પર્ધક તરીકે ગ્લૅમર-વર્લ્ડમાં આવેલી શ્રદ્ધાએ ૨૦૦૬માં તામિલ ફિલ્મથી ફિલ્મોમાં એન્ટ્રી કરી. અમિતાભ બચ્ચન અને જિયા ખાનને ચમકાવતી રામ ગોપાલ વર્માની ‘નિશબ્દ’માં અને શાહિદ કપૂરની ફિલ્મ ‘પાઠશાલા’માં પણ તેણે કામ કર્યું છે. તામિલ, તેલુગુ, કન્નડા અને પંજાબી ફિલ્મો ઉપરાંત તેણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે; પરંતુ ‘કુંડલી ભાગ્ય’એ તેને સૌથી વધુ લોકપ્રિયતા અપાવી છે.
ADVERTISEMENT
નચ બલિયેમાં ભાગ લેવા રિલેશનશિપ જાહેર કરી, શો પછી બ્રેકઅપ
શ્રદ્ધા ૨૦૧૭થી ‘કુંડલી ભાગ્ય’માં કામ કરી રહી છે અને આ શો દરમ્યાન જ તેણે ૨૦૧૯માં ‘નચ બલિયે’માં પોતાના ત્યારના બૉયફ્રેન્ડ આલમ મક્કર સાથે ભાગ લીધો હતો. આ શોમાં ભાગ લેવાનું નક્કી કર્યા પછી જ શ્રદ્ધાએ આલમ સાથેની રિલેશનશિપ જાહેર કરી હતી, પણ શો પૂરો થયા પછી જોકે તરત તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. એ પહેલાં ૨૦૧૫માં એક NRI સાથે તેની સગાઈ થઈ હતી, પણ પછી આ સગાઈ તૂટી ગઈ હતી. ૨૦૨૧ની ૧૬ નવેમ્બરે શ્રદ્ધાએ રાહુલ નાગલ સાથે લગ્ન કર્યાં હતાં.