આજે પણ રસ્તામાં લોકો મને ‘કુમકુમ’ના નામે બોલાવે છે
જુહી પરમાર
સ્ટાર પ્લસ પર ૨૦૦૨માં શરૂ થયેલી સિરિયલ ‘કુમુકુમ-એક પ્યારા સા બંધન’માં જુહી પરમાર અને હુસેન કુવાજેરવાલા લીડ રોલમાં હતાં. આ સિરિયલ ૨૦૦૯ સુધી ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. સિરિયલ શરૂ થયાનાં બાવીસ વર્ષ બાદ પણ લોકો કુમકુમના એ કૅરૅક્ટરને ભૂલી શક્યા નથી. લોકો આજે પણ કુમકુમના નામે જુહીને બોલાવે છે. યલો સાડી પહેરીને તેણે એક રીલ શૅર કરી છે અને એના બૅકગ્રાઉન્ડમાં એ સિરિયલનો ટાઇટલ ટ્રૅક પ્લે થઈ રહ્યો છે. એ રીલને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જુહીએ કૅપ્શન આપી, ‘બાવીસ વર્ષ પસાર થઈ ગયાં છે અને આજે પણ એવું લાગે છે જાણે કે ગઈ કાલની જ વાત હોય. કુમકુમ આજે જુહીનો પર્યાય બની ગઈ છે. આજે પણ હું જ્યારે રસ્તા પર નીકળું છું તો લોકો મને કુમકુમ કહીને બોલાવે છે. એનું ગીત આજે પણ મને તરોતાજા કરી દે છે. સાત વર્ષ શૂટિંગ કરવાની યાદ તાજી થઈ ગઈ છે. શોના સીન્સ અને લોકો સાથે જે તાલમેલ અમે શૅર કર્યો હતો આ બધું લખતી વખતે હું ખૂબ ઇમોશનલ થઈ છું. જો ‘કુમુકુમ’ ન હોત તો મારી લાઇફ ક્યાં હોત એની કલ્પના પણ નથી કરી શકતી. આ શોએ મને ઘણુંબધું આપ્યું છે એથી હું આભારી છું. એ અણમોલ છે. ૧૫ જુલાઈએ આ શોને બાવીસ વર્ષ થવાનાં હોવાથી સેલિબ્રેશન શરૂ કર્યું છે અને સાથે મળીને ‘કુમુકુમ’ પ્રત્યેનો પ્રેમ સેલિબ્રેટ કરીશું, કારણ કે તમારા વગર આ જર્ની શક્ય નહોતી. શુક્રિયા.’

