કૉમેડિયન ભારતી સિંહે માફી માગી હોવા છતાં તેના વિરુદ્ધ એફઆઇઆર ફાઇલ કરવામાં આવ્યો છે.
ભારતી સિંહ
કૉમેડિયન ભારતી સિંહે માફી માગી હોવા છતાં તેના વિરુદ્ધ એફઆઇઆર ફાઇલ કરવામાં આવ્યો છે. ભારતી સિંહે હાલમાં જ તેના કૉમેડી શો ‘ભારતી કા શો’માં જૅસ્મિન ભસીન સાથે જોવા મળી હતી. તેની સાથે મસ્તી દરમ્યાન ભારતીએ દાઢીને લઈને એક જોક કર્યો હતો. આ જોકને લઈને સિખ સમાજ દ્વારા તેની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. જોકે વાત વણસતાં તેણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને માફી પણ માગી લીધી હતી. સોમવારે રાતે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા એફઆઇઆર ફાઇલ કરવામાં આવ્યો હતો. લોકોની ધાર્મિક લાગણીઓને દુભાવવા માટે તેના વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે. ભારતી સિંહે માફી માગતાં કહ્યું હતું કે તે પોતે સિખ છે અને તે કોઈ દિવસ તેના સમાજની લાગણી દુભાય એવું કામ નહીં કરે. જોકે આમ છતાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.